અદાણી એનર્જીને અત્યાર સુધીનો સૌથી મોટો HVDC પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદઃ દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)ને રૂ. 25,000 કરોડનો HVDC પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીને ભડલા-ફતેહપુરનો HVDC (હાઇ વોલ્ટેજ ડિરેક્ટ કરન્ટ) પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આ છ ગિગાવોટ રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ છે. આ નવા પ્રોજેક્ટ પછી કંપનીની ઓર્ડરબુક વધીને રૂ. 54,761 કરોડ થઈ ગઈ છે. એ સાથે કંપનીની ઓર્ડરબુક ત્રણ ગણાથી વધુ છે.

કંપનીએ હાલમાં બે નવા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હાંસલ કર્યા છે. કંપનીનું ટ્રાન્સમિશન નેટવર્ક 25,778 CKM અને 84186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સુધી પહોચ્યું છે.

કંપનીએ ટેરિફ આધારિત બિડિંગ પદ્ધતિથી (ટેરિફ-બેઝ્ડ કોમ્પિટિટિવ બિડિંગથી) આ પ્રોજેક્ટ જીત્યો છે. REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી આ બિડ માટે કોઓર્ડિનેટર હતી. આ પ્રોજેક્ટ SPV ઔપચારિક રીતે 20 જાન્યુઆરી, 2025એ હસ્તાંતરિત કરી દેવામાં આવ્યો છે. આ ઓર્ડરથી કંપનીનો બજારહિસ્સો બીજા ત્રિમાસિક ગાળામાં 17 ટકા વધીને 24 ટકા થયો છે. રાજસ્થાનમાં REZ (20 ગિગાવોટ)થી વીજ ઉત્પાદન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ આ પ્રોજેક્ટમાં 7500 MVA ટ્રાન્સમિશન ક્ષમતાની સાથે ભડલાથી ફતેહપુર (-2400 CKM)ની વચ્ચે 6000 મેગાવોટ HVDC સિસ્ટમની સ્થાપના સામેલ છે.

આ પ્રોજેક્ટ ભડલા-IIIથી રાજસ્થાનના વિવિધ REZથી છ ગિગાવોટ રિન્યુએબલ એનર્જીની ઉત્તર ભારતનાં માગ આધારિત કેન્દ્રો અને રાષ્ટ્રીય ગ્રિડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. કંપની આ પ્રોજેક્ટ 4.5 વર્ષમાં પૂરો કરશે.