જેલમાંથી બહાર આવતા જ મેદાન પર વાપસી

IPL માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમતા યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ (Abishek Porel) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેપ જેવા ગંભીર કાનૂની વિવાદમાં ફસાયેલા અને જેલમાં દિવસો વિતાવ્યા બાદ જામીન પર મુક્ત થયેલા પોરેલની ફરી એકવાર મેદાન પર વાપસી થવા જઈ રહી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ (CAB) એ આસામ સામે રમાનારી પ્રેક્ટિસ મેચો માટેની સિનિયર બંગાળ મેન્સ ક્રિકેટ ટીમમાં તેનો સમાવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે.સુદીપ ચેટર્જીની કપ્તાની હેઠળની આ ટીમ ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચો રમવા માટે 30 September ના રોજ કોલકાતાથી રવાના થશે અને 6 October ના રોજ પરત ફરશે.

શું હતો સમગ્ર મામલો?

અભિષેક પોરેલની 11 August ના રોજ કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એક મેડિકલ સ્ટુડન્ટે લગ્નની ખોટી લાલચ આપીને દુષ્કર્મ આચરવાનો અને ક્રિમિનલ ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ધરપકડ બાદ તેને લગભગ 4 અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં (Judicial Custody) રહેવું પડ્યું હતું. 18 September ના રોજ અદાલતમાંથી જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો હતો.

CAB એ શા માટે આપી તક?

ઓગસ્ટ મહિનામાં જ્યારે પોરેલ પોલીસ કસ્ટડીમાં હતો, ત્યારે CAB એ તેને પ્રી-સિઝન સંભવિત ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દીધો હતો. જોકે, આગામી રણજી ટ્રોફીની લાંબી સિઝનને ધ્યાનમાં રાખીને અને મલ્ટિ-ડે ફોર્મેટમાં એક અનુભવી સ્પેશિયાલિસ્ટ વિકેટકીપરની જરૂરિયાત હોવાથી પસંદગીકારોએ તેને ટીમમાં પરત લાવવાનો નિર્ણય કર્યો છે, જેથી તે પોતાની મેચ ફિટનેસ ફરી મેળવી શકે.

IPL કરિયર પર પણ સંકટના વાદળો:
ભલે પોરેલને બેંગાલની ટીમમાં સ્થાન મળી ગયું હોય, પરંતુ તેનો કાનૂની કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ અને પોરેલના ક્રિકેટિંગ કરિયર પર આ કાનૂની કેસની છાયા મંડરાઈ રહી છે. BCCI ના કડક નિયમો અને ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુને જોતાં, આગામી સમયમાં તેનું IPL રમવું સંપૂર્ણપણે કોર્ટના આગામી ફેસલા અને તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે.