કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ગુરુવારે (25 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા.આ પછી આ પહેલીવાર બનશે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એકસાથે ત્રણ દલિત જજ હશે. ચાલો જાણીએ કોણ છે જસ્ટિસ પ્રસન્ના વરાલે, શપથ લેતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં સર્જાયો રેકોર્ડ.
કાયદા અને ન્યાય મંત્રાલયે બુધવારે (24 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ વરાલેની નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીએ જસ્ટિસ વરાલેની બઢતીની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું કે 2008માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ વરાલે ઘણો અનુભવ ધરાવે છે. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. એમના અનુભવના આધારે એમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.
કળા અને કાયદાના અભ્યાસી
જસ્ટિસ વરાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાનીમાં થયો હતો. આ જગ્યા મહારાષ્ટ્રની સરહદ પર છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી કળા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે 1985 માં કાયદામાં પ્રવેશ મેળવ્યો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એડવોકેટ એસએન લોયાની ચેમ્બરમાં જોડાયા હતા. અહીં તેણે સિવિલ અને ફોજદારી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1990 અને 1992 વચ્ચે આંબેડકર લો કોલેજ, ઔરંગાબાદમાં લેક્ચરર પણ હતા. તેમણે ઔરંગાબાદ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. 18 જુલાઈ, 2008ના રોજ તેમની બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટમાં 14 વર્ષ સુધી સેવા આપી, ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેમને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અત્રે નોંધનીય બાબત એ છે કે તે સમયે તેઓ દેશની તમામ હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ વરાલે તેમની કાનૂની યાત્રાનો શ્રેય તેમના પરિવારના ડૉ બીઆર આંબેડકર સાથેના જોડાણને આપે છે. તેમનું કહેવું છે કે તેમના પરિવાર પર આંબેડકરનો ઘણો પ્રભાવ રહ્યો છે.
સામાન્ય માણસોના હિતમાં કરે છે કામ
જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ઑક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. અહીં તેઓ જાહેર હિતની ઘણી બાબતોમાં સુઓ મોટુ સંજ્ઞાન લેવા માટે જાણીતા છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને ડાઉન ટુ અર્થ અને સામાન્ય માણસના હિતમાં કામ કરતા ગણાવે છે. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, ન્યાયમૂર્તિ પ્રસન્નાએ 14 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમની આગેવાની હેઠળની બેંચોએ જાહેર હિતમાં સુઓ મોટુ કેસો શરૂ કર્યા. આમાં આંબેડકરના લખાણો અને ભાષણો પ્રકાશિત કરવાના અટકેલા પ્રોજેક્ટ પરની PILનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ વરાલેની આગેવાની હેઠળની બેન્ચે જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખીરખંડી ગામની છોકરીઓને એમની શાળામાં લઈ જવાની ફરજ પડી હતી એવા જોખમી બોટ રાઈડ અંગેના સમાચારને ધ્યાનમાં લઈને, જાન્યુઆરી 2022માં સુઓ મોટુ પીઆઈએલ શરૂ કરી હતી. બેન્ચે સરકારને રાજ્યમાં સમાન દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના બાળકોને મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદા
કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનાઓ અને ચુકાદાઓ આપ્યા. તેમણે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા કે જેમાં સરકારના વર્તન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને જે અધિકારીઓ યોગ્ય કામ નથી કરી રહ્યા હતા તેમના પર દંડ પણ લગાવ્યો હતો.
પહેલીવાર એવું બની રહ્યું છે કે..
જસ્ટિસ પ્રસન્ના બી વરાલે સુપ્રીમ કોર્ટના જજ બનતાની સાથે જ પહેલીવાર એવું બની રહ્યું છે કે અનુસૂચિત જાતિમાંથી આવતા ત્રણ જજ સુપ્રીમ કોર્ટમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે.