નાગપુરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. જોકે, આ ઘટનામાં મુસાફરનો જીવ બચી ગયો હતો અને હવે તે એકદમ સ્વસ્થ છે. એર ઈન્ડિયાએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના 23 એપ્રિલે બની હતી, જેની હવે પુષ્ટિ થઈ ગઈ છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શું થયું?
નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. ત્યારબાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને વિમાનના ઉતરાણની સાથે જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લેન્ડિંગ પછી, પેસેન્જરને તરત જ એરપોર્ટ પર ડૉક્ટર દ્વારા જોવામાં આવ્યો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને રજા આપવામાં આવી હતી.” ફ્લાઇટથી હોસ્પિટલ સુધી, એર ઇન્ડિયાના અધિકારીઓ સતત પેસેન્જરની સાથે હતા અને ડિસ્ચાર્જ સુધી તેની સંપૂર્ણ કાળજી લેતા હતા, એમ નિવેદનમાં જણાવાયું છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે આ ઘટના બાદ એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે વિમાનનું નિરીક્ષણ કર્યું. ટીમે તમામ પ્રોટોકોલને અનુસરીને વિમાનની શોધ કરી અને વીંછીને બહાર કાઢ્યો. આ પછી પ્લેનની સફાઈ કરવામાં આવી હતી. એરલાઈને આ ઘટના માટે પેસેન્જરની માફી પણ માંગી છે.
