વડોદરામાં આજે એટલે કે બુધવારે સવારે ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં અને અનેક વાહનો નદીમાં પડી જતાં નવ લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ છ અન્ય લોકોને રેસ્ક્યુ કર્યા છે.
હજી તો અમદાવાદ પ્લેન ક્રેશનો આઘાત દૂર નથી થયો ત્યાં ફરી એક ગોઝારી ઘટના સામે આવી છે. વડોદરામાં બ્રિઝ ભંગાણ થતાં ફરી કેટલાક પરિવારોએ પોતાના પરિવારજનો ગૂમાવ્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે સવારે 7.30 વાગ્યાની આસપાસ પુલ તૂટી પડ્યો હતો. આ 900 મીટર લાંબો આ ગંભીરા પુલ વડોદરા અને આણંદ જિલ્લાને જોડે છે.
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ, બોટ અને મ્યુનિસિપલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, NDRF ટીમો અને અન્ય વહીવટી અને પોલીસ ટીમો ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલુ છે. અમે અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢ્યા છે. 5 લોકો ઘાયલ છે, છઠ્ઠો ઘાયલ વ્યક્તિ હમણાં જ મળી આવ્યો છે અને તેને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો અને તેનું સમારકામ અને જાળવણીનું કામ સમયાંતરે કરવામાં આવ્યું છે. આ અકસ્માત પાછળના વાસ્તવિક કારણની તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલવા અને પુલ તૂટી પડવાના કારણોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, બે ટ્રક, એક બોલેરો એસયુવી અને એક પિકઅપ વાન સહિત ચાર વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે અચાનક તૂટી પડ્યો અને ઘણા વાહનો મહિસાગર નદીમાં પડી ગયા.
ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીરા નદી પર બનેલા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો છે. તેના પર એક ટેન્કર લટકતું જોવા મળે છે. પુલની બીજી બાજુ એક બાઇક લટકતું જોવા મળે છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પુલ તૂટી પડવાથી એક ટ્રક અને બે કાર સહિત ઘણા વાહનો નદીમાં પડી ગયા છે.
