સુરતઃ અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે વરાછા મિનીબજારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની આંદોલનની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત પહોંચતાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડ્યા છે. જેથી કોંગ્રેસ દ્વારા વરાછા વિસ્તારમાં ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવી છે. આ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના 40થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.
“આંદોલનથી આઝાદી,
આઝાદ ભારતમા નહી.?”સરકાર પાસે ન્યાય માંગવાનો સંવિધાનથી
સામાન્ય માણસને અધિકાર મળેલ હોય,માંગણી મુજબના સ્થળે અગાઉ વારંવાર
ધાર્મિક-સામાજિકને રાજકીય કાર્યક્રમનુ
આયોજન થયેલ હોય,ન્યાયિક ધરણા માટે જરૂરી મંજુરી
આપવા સુરત પોલીસને વિનંતી છે.#નારી_સ્વાભિમાન_આંદોલન https://t.co/LuZEy972PR— Paresh Dhanani (@paresh_dhanani) January 12, 2025
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોકમાં ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી. ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિની ધરણાં કરવાના હતા. જો અમને પરવાનગી આપવામાં નહીં આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઇશું, એમ તેમણે કહ્યું હતું.