ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે. જુનાગઢ, પોરંબદર અને દ્વારકા સહિત રાજ્યભરમાં ભારે વરસાદના પગલે જનજીવન પર ભારે અસર પડી છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.દેવભૂમિ દ્વારકામાં 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના કેશોદમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ગીર-સોમનાથના વેરાવળના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરના વાડી વિસ્તારમાં 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યાં છે. વરસાદમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની 10 ટીમો સજ્જ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. પોરબંદર શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે.
માત્ર 45 કલાકમાં 27 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે.જેને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.ઘરવખરી,અનાજ અને વાહનોને નુકસાની થઇ છે.પોરબંદરના 16 ગામોનું પાણી બોખીરા વિસ્તારમાં આવી પહોંચ્યું હતું.જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરક થઇ જતાં ઘરવખરી અને માલ સામાનને મોટા પાયે નુકસાન થયું હતું. લોકોના ફ્રિજ, સોફા અને સેટી પલંગ પણ પલળી ગયા હતા. લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીથી જળબંકાર બની ગયા છે. આઠ જેટલા ગામોમાં વધુ 71 લોકોના રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બોટની મદદથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વરસાદના કારણે દ્વારકામાં લોકોના ઘર અંદાજીત 7થી 8 ફૂટ જેટલું પાણી ઘરમાં ભરાયું હતું. ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ હતી.લોકોની દુકાનો અંદર તેમજ બેન્ક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી લાખોના મુદ્દામાલનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય છે.ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા હતા, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.