ખાયા-પિયા વગર 30 કલાકથી તુર્કી એરપોર્ટ પર ફસાયા ભારતીય મુસાફરો

તુર્કી: લંડનથી મુંબઈ જઈ રહેલી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટના 260થી વધુ મુસાફરો 30 કલાકથી વધુ સમયથી તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર ફસાયેલા છે. આ મુસાફરો સતત મદદ માટે વિનંતી કરી રહ્યા છે. વર્જિન એટલાન્ટિકે તેમને “હાર્ડ લેન્ડિંગ” જણાવીને ત્યાં ઉતાર્યા હતા. ત્યારબાદ ટેકનિકલ સમસ્યાને કારણે વિમાનને ઉડાન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને એક હોટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે મુસાફરોને નાના પ્રાદેશિક એરપોર્ટની અંદર એક પ્રતિબંધિત વિસ્તારમાં રાખવામાં આવ્યા છે, જ્યાં પૂરતી સુવિધાઓ પણ નથી. એરલાઈન્સ દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે.

એરલાઇન્સનું દ્વારા નિવેદન

ભારતીય દૂતાવાસની મદદથી, કેટલાક મુસાફરોને નજીકની હોટલમાં લઈ જવામાં આવ્યા છે. એરલાઇને કહ્યું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં બેકઅપ ફ્લાઇટ તૈયાર થઈ જશે. જો કે, કેટલાક મુસાફરો હજુ પણ એરપોર્ટ ટ્રાન્ઝિટ હોલ્ડિંગ વિસ્તારમાં છે.

મુસાફરોએ પોતાની મુશ્કેલીઓ વર્ણવી

દરમિયાન, ફસાયેલા મુસાફરોએ આરોપ લગાવ્યો કે એરલાઇન મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ. મુસાફરોનો આરોપ છે કે વર્જિન એરલાઇન્સે મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરી નથી કે, તેઓ ક્યારે મુંબઈ જવા રવાના થશે તેની કોઈ માહિતી આપી નથી. ફ્લાઇટમાં ફસાયેલા મુસાફરોએ ટ્વિટર પર અપૂરતો ખોરાક, શૌચાલય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ચાર્જિંગ પોઇન્ટ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી.

“24 કલાક થઈ ગયા છે અને એક પણ એરલાઇન પ્રતિનિધિ મુસાફરોને મળ્યો નથી. તેમની પાસે ભાગ્યે જ ખાવાનું છે, 275 મુસાફરો માટે એક શૌચાલય છે, ફોનની બેટરી ખતમ થઈ રહી છે કારણ કે તેમની પાસે એડેપ્ટર નથી. જે ​​લોકો પીડાય છે તેમાં બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, ડાયાબિટીસના દર્દીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે,” AAP નેતા પ્રીતિ શર્મા-મેનને ટ્વિટર પર લખ્યું. તેમણે સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી.

સંજય શાહ નામના બીજા એક યુઝરે લખ્યું, “મારા પરિવારની સભ્ય દિયારબાકીરમાં ફસાયેલી છે. તે તેના પિતાને મળવા આવી હતી, જેમની તબિયત ગંભીર છે. ટોચની એરલાઇન તરફથી આટલું ખરાબ વર્તન કેમ? ખોરાક નથી, પાણી નથી. ઉતરાણ પછી બધા કેબિન ક્રૂ ગાયબ થઈ ગયા.”

ભારતીય દૂતાવાસનું નિવેદન

અગાઉ, તુર્કીમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અંકારા સ્થિત ભારતીય દૂતાવાસ વર્જિન એટલાન્ટિક એરલાઇન્સ, દિયારબાકિર એરપોર્ટ ડિરેક્ટોરેટ અને તુર્કીના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.’ મિશનના સંકલન દ્વારા મુસાફરોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. અમે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી શકાય અને ફસાયેલા મુસાફરો માટે મુંબઈ માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરી શકાય.

તમને જણાવી દઈએ કે બુધવારે વિમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: “2 એપ્રિલના રોજ, હીથ્રોથી મુંબઈ જતી ફ્લાઇટ VS358ને તબીબી કટોકટીને કારણે દિયારબાકીર તરફ વાળવામાં આવી હતી, ત્યારબાદ વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.”