અમદાવાદઃ હાલ પાકિસ્તાનની જેલમાં રાજ્યના 180 સહિત 217 ભારતીય માછીમારો કેદ છે. કેન્દ્ર સરકાર માછીમારોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ દરમિયાન માછીમારોના પરિવારો ખૂબ જ ચિંતિત છે. તેમણે ગુજરાત અને દીવના 180 માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા લાચાર પરિવારજનોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે.
સપ્ટેમ્બર, 2022થી પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર સંજયના પત્ની ભારતી સોલંકીએ પતિ વિના સંઘર્ષની વાત કરતા ભાંગી પડે છે. 32 વર્ષના ભારતી સોલંકીએ જણાવ્યું હતું કે તેમના પતિ ગુજરાત અને દીવના 180 માછીમારોમાંથી એક છે. તેમને ઓખા નજીકથી પાકિસ્તાની મરીન પોલીસે ઝડપી લીધા હતા.ગુજરાત અને દીવની અનેક મહિલાઓ જેઓ પાકિસ્તાનમાં કેદ તેમના પતિઓ કે પુત્રો સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં સંઘર્ષ કરી રહી છે, તેમણે શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી.
ભારતીએ સરકારને અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે હું ભારત સરકાર અને PM નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે માછીમારોને તેમના ઘરે પાછા લાવવામાં આવે. મારા જેવી અનેક મહિલાઓ છે જેમને નાનાં બાળકો છે. તેમના પરિવારમાં કોઈ કમાનારું સભ્ય નથી. આ કેવી રીતે જીવી શકશે ? અમારાં બાળકોને કેવી રીતે ઉછેરીએ અને શિક્ષિત કરીએ? અમારા વૃદ્ધ સાસુ-સસરાના તબીબી ખર્ચા કેવી રીતે પૂરા કરવા ? કે મારા પતિ એકમાત્ર કમાનાર સભ્ય હતા અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. અમને તેના વિશે કંઈ ખબર નથી.