મ્યાનમારમાં ભૂકંપથી અત્યાર સુધીમાં 2056 લોકોના મોત, 3900 થી વધુ ઘાયલ

28 માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થઈ ગયો છે, જ્યારે 3,900 થી વધુ લોકો ઘાયલ થયા છે અને લગભગ 270 લોકો હજુ પણ ગુમ છે. મ્યાનમારની શાસક જુન્ટા સરકારે સોમવારે આ માહિતી આપી. 7.7 ની તીવ્રતાના આ વિનાશક ભૂકંપ પછી કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના માનમાં સરકારે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

ત્રણ દિવસ પછી કાટમાળમાંથી બહાર આવી મહિલા

સોમવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે માંડલેમાં ગ્રેટ વોલ હોટેલના કાટમાળમાંથી એક મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. ત્રણ દિવસ પછી કોઈ જીવતું મળવાથી રાહતની આશા જાગે છે. મ્યાનમારમાં ચીની દૂતાવાસે ફેસબુક પોસ્ટમાં માહિતી આપી હતી કે મહિલાની હાલત સ્થિર છે. મ્યાનમારમાં ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક મંડલે આવેલું છે અને ભૂકંપના આંચકા થાઇલેન્ડ સહિત અનેક પડોશી દેશોમાં પણ અનુભવાયા હતા, જ્યાં રાજધાની બેંગકોક સહિત ઘણા વિસ્તારોમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

બેંગકોકમાં બચાવ કાર્યકરોએ સોમવારે બાંધકામ હેઠળની ગગનચુંબી ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા 76 લોકોને બચાવવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખ્યા. ભૂકંપની અસરને કારણે આ ઇમારતનું માળખું ધરાશાયી થયું. રવિવાર સુધીમાં થાઇલેન્ડમાં મૃત્યુઆંક 18 હતો, પરંતુ એવી આશંકા છે કે કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી શકે છે.

ભારત સહિત ઘણા દેશોએ મદદ મોકલી

ગૃહયુદ્ધને કારણે મ્યાનમાર પહેલાથી જ સંકટમાં હતું, પરંતુ હવે આ ભૂકંપ ત્યાંની પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશો અને સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આ આપત્તિથી પ્રભાવિત 23,000 થી વધુ લોકોને રાહત આપવા માટે સહાય મોકલી છે.