17 વર્ષીય સ્વ-શિક્ષિત આર્ટિસ્ટ પરિસા મહેતાના સૌપ્રથમ આર્ટ એક્ઝિબિશન ‘બ્રેકિંગ ધ કોકૂન’ને જાણીતા આર્ટ એન્ટરપ્રિન્યોર અનિલ રેલિયાના હસ્તે શનિવારે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે યુવા કલાકાર પરિસા મેહતાને તેમના સૌપ્રથમ આર્ટ પ્રદર્શન માટે અભિનંદન સાથે તેમના શૈક્ષણિક અને સર્જનાત્મક સફળતા તેમજ તેણીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું.
કલાનું કોઈ પણ સ્વરૂપ જીવનને તદ્દન અલગ રીતે અને નવીન દ્રષ્ટિકોણ થી પ્રક્ષેપિત કરે છે. કલાકાર લાગણીઓ અને સંવેદનો ને જે રીતે પ્રસ્તુત કરે છે તે જ તેને અન્યોથી અલગ પાડે છે. ચિત્રકળા એ કલાનું એક એવું સ્વરૂપ છે, જેમાં કલાકાર તેમની લાગણીઓને પોતાના ભાવજગતને કાગળ અથવા કેનવાસ પર ઉતારે છે” તેમ મુખ્યમંત્રીએ તેમના સંદેશમાં વધુમાં જણાવ્યું હતું.
આ પ્રદર્શન ના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમ્યાન આ પ્રદર્શનમાં વિવિધ કલાત્મક કૌશલ્યથી તૈયાર કરેલા સુંદર આર્ટ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી અને પરિસાને શુભેચ્છા આપી હતી.
કલા, લાગણી અને પ્રેરણા દ્વારા અવિસ્મરણીય સફર કરાવતા આ એક્ઝિબિશનનો પ્રારંભ, યુનિવર્સિટી રોડ પર કે.એલ.કેમ્પસમાં ઉર્મિલા આર્ટ ગેલેરી ખાતે થયો છે. પરિસાએ જે ઉત્કૃષ્ટતાથી વોટરકલર્સ, ઓઈલ્સ, એક્રિલિક્સ, ઈન્ક, પેન્સિલ, ચારકોલ તથા રુબિક્સ ક્યુબના માધ્યમથી તેના કળાત્મક સર્જનની રચનાત્મકતા દર્શાવી છે તે તેના જેવા ઉભરતાં કલાકારો માટે એક તક સમાન છે.
આ પ્રસંગે બોલતાં અનિલ રેલિયાએ જણાવ્યું હતું કે, પરિસા જેવી અદભૂત કલાકારના એક્ઝિબિશનનું ઉદઘાટન કરવું એ મારા માટે ગર્વની બાબત છે. તેણે વિવિધ શૈલીઓ, માધ્યમો અને થીમ્સનું મિશ્રણ ધરાવતા એક કલેક્શનના માધ્યમથી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જે મુલાકાતીઓને મોહક પરંતુ વિચારપ્રેરક દ્રશ્ય યાત્રા પર લઈ જાય છે. હું લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને આ યુવા કલાકારને પ્રોત્સાહિત કરવા વિનંતી કરું છું. આ એક્ઝિબિશનનું આયોજન કરીને હું અત્યંત રોમાંચ અનુભવી રહી છું. મેં એક નાના બાળક તરીકે મારી રચનાત્મક યાત્રા શરૂ કરી ત્યારથી મેં આ સપનું જોયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની પરિસાએ કહ્યું કે, એ વખતથી જ મારી કળા એ જ મારી અભિવ્યક્તિ છે અને મેં તેનો ઉપયોગ જીવનના કેનવાસ પર લાગણીઓને કંડારવા માટે કર્યો છે.
આ પ્રદર્શનની એક વિશેષતા મેસ્કેરેડ છે, જે 21×30 સે.મી.નું એક ડિજિટલ ઈલસ્ટ્રેશન છે, જે માનવ સ્વભાવની ક્ષણભંગુરતા દર્શાવે છે. આ ઈલસ્ટ્રેશન રોજિંદા જીવનમાં અસ્તિત્વ અને સહાનુભૂતિ માટે આપણે જે મહોરા ધારણ કરીએ છીએ તેના પર ચિંતન કરવા દર્શકોને પ્રેરે છે. ઇન ધ ગાર્ડન ઓફ ઇડનમાં સાત ડિજિટલ પોટ્રેટની શ્રેણી રજૂ કરાઈ છે જે મહિલાઓ વચ્ચેના જોડાણ અને કુદરતી વિશ્વની સ્વર્ગીય સુંદરતાની ઉજવણી કરે છે. દરેક પોટ્રેટ કાલતિત સ્ત્રીત્વ અને રમણીયતાને વણી લઈ અભૂતપૂર્વ સુંદરતાને મૂર્તિમંત કરે છે.
આ એક્ઝિબિશનમાં 1,200 રૂબિક્સ ક્યુબ્સથી બનેલો ‘નમો’ નામનો મોઝેક પણ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના આઇકોનિક પોઝમાં રજૂ કરે છે. વડાપ્રધાનની છબી તૈયાર કરવા માટે પ્રત્યેક ક્યુબને વ્યક્તિગત રીતે સોલ્વ કરાયા હતાં જેમાં 200 કલાક જેટલો સમય લાગ્યો હતો. 12 ઈંચનું કદ ધરાવતી ‘હાર્ટબ્રેક’ નામની હૃદયસ્પર્શી ટ્રિપ્ટીચ કેનવાસ પર એક્રિલિકની મદદથી હૃદયભંગના સમગ્ર ક્રમને પ્રતિબિંબત કરે છે જેમાં પ્રેમની પ્રારંભિક આશા અને કોમળતા દર્શાવતી હૃદયની નમ્રતાથી લઈને પ્રિયજનના વિરહની ચિંતા તથા અંતમાં હૃદયને વલોવી નાખતી નિરાશા અને પ્રિયજનને ગુમાવવાની લાગણીને અદભૂત રીતે રજૂ કરાઈ છે.
“ગોલ્ડ રશ”, એ સુવર્ણ પર્ણનું એક આકર્ષક એક્રેલિક પેઇન્ટિંગ છે જે, માઇકલ એન્જેલોના “ધ ક્રિએશન ઓફ એડમ”થી પ્રેરિત છે, અને માનવ આત્માઓ વચ્ચેના ગહન જોડાણની શોધ કરે છે, જે અન્યોનય હોવાની સાથે દિવ્ય છે. આ ઉપરાંત, બ્રેકિંગ ધ કોકૂનમાં “ફેસીસ”નો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિને વિશિષ્ટ બનાવે છે તેવી અનન્ય લાક્ષણિકતાઓનું સંશોધન છે. કલાકારની આબેહૂબ કલ્પનાથી દોરાયેલ મહિલાઓના 150 થી વધુ અનન્ય ચહેરાઓ સુસંગતતાની કલ્પનાને પડકારે છે અને આપણા તફાવતોમાં રહેલી સુંદરતાને રેખાંકિત કરે છે. આ પ્રદર્શન ઉર્મિલા આર્ટ ગેલેરી, કેએલ કેમ્પસ, યુનિવર્સિટી રોડ ખાતે 21 અને 22 ઓક્ટોબરના રોજ યોજાઈ રહ્યું છે. પ્રદર્શનનો સમય બપોરે 12 થી 6 વાગ્યા સુધીનો છે.