નવી દિલ્હીઃ જલેબી, સમોસાં અને લાડુના શોખીનો હવે એલર્ટ થઈ જવાની જરૂર છે. હવે ખાવા-પીવાનું દરેક વસ્તુ પર વોર્નિંગ સ્લિપ લાગશે, જેમાં તે વસ્તુમાં શુગર અને તેલની માહિતી આપેલી હશે. આરોગ્ય મંત્રાલયે દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દરેક ફૂડ આઇટમ પર તેલ અને ખાંડ વિશે સૂચક બોર્ડ લગાવે, જેથી નાસ્તામાં છુપાયેલી ચરબી અને ખાંડની સાચી જાણકારી મળી શકે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
આરોગ્ય મંત્રાલયે એક આંતરિક રિપોર્ટ તૈયાર કર્યો છે, તેમાં ખુલાસો થયો છે કે વર્ષ 2050 સુધી ભારતમાં 44.9 કરોડ લોકો મોટાપા (જાડાપણા) અથવા વધેલા વજનની સમસ્યા ધરાવશે. એવામાં ભારત અમેરિકા પછી દુનિયાનો બીજો મોટાપાથી પીડિત દેશ બની જશે. હાલની સ્થિતિ જોઈએ તો ભારતમાં દરેક પાંચમાંથી એક વ્યક્તિ ઓવરવેઇટ છે. લોકો જન્ક ફૂડ (અપૌષ્ટિક ખોરાક)થી જાગરૂક રહે અથવા દૂર રહે, એ માટે જ આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે. શરૂઆતમાં આ નિયમ સરકારી સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. ફૂડ આઇટમ્સ પર લગાવેલી તેલ અને ખાંડની માહિતીથી લોકો સમજી શકે કે તેઓ કેટલું અનહેલ્ધી ખાઈ રહ્યા છે.
ભારતમાં કેટલા લોકો મોટાપાના શિકાર છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની 2024ની રિપોર્ટ અનુસાર ભારતમાં 60 ટકાથી વધુ લોકો મોટાપો અથવા વધેલા વજનથી પીડિત છે. જ્યારે 2030 સુધીમાં ડાયાબિટીસના કેસ 10 કરોડને પાર કરી શકે છે. એ જ કારણે આરોગ્ય મંત્રાલયે ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FSSAI) સાથે મળીને નવી નીતિ બનાવી છે, જેના હેઠળ પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ પર વોર્નિંગ લેબલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
લાડૂ-જલેબી અને સમોસાં સિગરેટ જેટલાં ખતરનાક કેમ?
એમ્સ નાગપુરના અધિકારીઓએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલય તરફથી તેમને આ સંબંધમાં આદેશ મળ્યો છે. ત્યાર બાદ કેમ્પસમાં આવેલા કાફે અને પબ્લિક જગ્યો પર વોર્નિંગ બોર્ડ લગાવવામાં આવશે. માત્ર સમોસાં-જલેબી અને લાડુ નહીં, પણ વડાપાંવ અને ભજિયાં પણ આ ચેકિંગની લિસ્ટમાં સામેલ રહેશે.
કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા, નાગપુર બ્રાંચના ચીફ ડો. અમર આમલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ખાંડ અને ટ્રાન્સફેટ આજના સમયમાં નવી સિગારેટ અને તમાકુ છે. ખાંડ અને તેલને કારણે આ ફૂડ આઇટમ્સ સ્મોકિંગ અને તમાકુ જેટલા જ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. હવે જે ખોરાક જેટલો નુકસાનદાયક હશે, તેના પર તેટલી ગંભીર ચેતવણી આપવામાં આવશે. લોકોને માલૂમ હોવું જોઈએ કે તેઓ શું ખાઈ રહ્યા છે.
