અમેરિકા ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે, ટ્રમ્પે કહ્યું- માત્ર ‘અડધો’ જ ચાર્જ નાખ્યો

અમેરિકા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત કરી છે અને આ દિવસને લિબરેશન ડે નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધો ટેરિફ ચાર્જ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે. તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું તે કરી શકું છું, પરંતુ ઘણા દેશો માટે તે મુશ્કેલ રહેશે. અમે તે કરવા માંગતા ન હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ કયા દેશ પાસેથી કેટલુું ટેરિફ વસૂલશે. ટ્રમ્પના ભાષણ સાથે આનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34%, EU પાસેથી 20%, જાપાન પાસેથી 24% અને ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે. આ ટેરિફની ભારત પર અસર ચોક્કસ થશે,  આમ છતાં અગાઉ જેટલા ઊંચા ટેરિફની આશા હતી તેટલો ઊંચો ટેરિફ લાગ્યો નથી તે રાહત લેવા જેવી વાત છે.

બંને દેશ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલતી વ્યાપક ચર્ચાના પગલે ટેરિફ ઘટાડવામાં આટલી મદદ મળી હોવાનું માનવામાં આવે છે. હજી પણ બંને વચ્ચે વ્યાપક પાયા પર અને બહુઆયામી ધોરણે વ્યાપક મંત્રણા ચાલી જ રહી છે.  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ અને પહેલા જાહેરાત કરી હતી તેમ ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફના અમલની જાહેરાત કરી છે.ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા અન્ય દેશોમાંથી આયાત થતી મોટરસાઇકલ પર ફક્ત 2.4 ટકા ટેક્સ લે છે. જ્યારે ભારત 60 ટકા, વિયેતનામ 70 ટકા અને થાઇલેન્ડ 75 ટકા ટેક્સ વસૂલે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે દરેક દેશ પાસે ઊંચા ટેરિફ લગાવવા માટે તેના આગવા કારણ હોઈ શકે છે, પરંતુ હું આ જંગી ટેરિફને સીધો અમેરિકન અર્થતંત્ર પર અને અમેરિકન નાગરિક પર પ્રહાર તરીકે જોઉં છું.

ટ્રમ્પે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે અમે આ પગલાંથી અમેરિકામાં કારખાના અને નોકરીઓ પરત લાવીશું અને આપણા શ્રમિકોને તેના લીધે ન્યાય મળશે. ટ્રમ્પના ભાષણના પહેલા વ્હાઇટ હાઉસના સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લગાવે છે તેની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ પણ દેશ ઇચ્છતો હશે કે તેના પર ટેરિફ ઘટે તો તેમણે અમારા પર ટેરિફ ઘટાડવો પડશે. જો શૂન્ય ટકા ટેક્સની ઇચ્છા હોય તો અમેરિકામાં ઉત્પાદન શરૂ કરો. 

2 એપ્રિલ 2025, અમેરિકાના આ લિબરેશન ડેની જાહેરાત અમેરિકાના રાજકીય અને નાણાકીય ઇતિહાસ જ નહીં પરંતુ વિશ્વના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વની નીવડી છે, એમ કેરોલિન લેવિટે  જણાવ્યું હતું. કદાચ અમેરિકા આ એક જ પગલાં દ્વારા આખા વિશ્વની નાણાકીય નીતિને નવેસરથી જ આકાર આપવાની ફરજ પાડી શકે છે. ટ્રમ્પનો દાવો છે કે આનાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે અને અમેરિકાને વર્ષોથી લૂંટનારાઓને સજા થશે. આમ ગ્રેટ ગેમ્બલર ટ્રમ્પે તેમની કારકિર્દીનો સૌથી મોટો રાજકીય અને આર્થિક જુગાર ખેલી નાખ્યો છે. વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવરોએ સૂચવ્યું હતું કે નવા ટેરિફના લીધે વર્ષે 600 અબજ ડોલરથી વધારે આવક થશે, જે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી ટેક્સ ઇન્કમ હશે.

રિપબ્લિકનોના આ દાવાથી વિપરીત ડેમોક્રેટ્સમાં અગાઉ બાઇડેન શાસનમાં ઇકોનોમિક એડવાઇઝર્સના સભ્ય હીથર બોશલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ અગાઉના શાસનકાળ વખતે આ પ્રકારનો પ્રયોગ કરી ચૂક્યા છે અને તેમાં તેમને નિષ્ફળતા મળી હતી. તેથી આ વખતે પણ તેમને સફળતા મળશે તેવો તેમના જ પક્ષના ઘણા લોકોને વિશ્વાસ નથી.આના લીધે અમેરિકાના દરેક કુટુંબ દીઠ 3,600થી 4,200 ડોલરનો બોજો આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ જેમના પર ટેરિફ લાદશે તેઓ પણ અમેરિકાની સામે ટેરિફ લાદશે.

આ ઉપરાંત સેનેટના ડેમોક્રેટિક લીડર ચક શુમરે સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનારો રેસિપ્રોકલટેક્સ બીજું કઈ નહીં પરંતુ અમેરિકાના કરોડપતિઓને છાવરવા માટે લેવાયેલું પગલું છે. ટ્રમ્પના આ પગલાંથી સામાન્ય અમેરિકનના માથા પર મોંઘવારી વધશે, પરંતુ અમેરિકન અબજપતિઓને બખ્ખા થઈ જશે. ટેસ્લાના શેરમાં આવેલો ઉછાળો તેનું ઉદાહરણ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે બાઇડેનના શાસનમાં અમેરિકામાં 90 હજાર ફેક્ટરીઓ બંધ થઇ ગઇ, અમારા ટેરિફના નિર્ણય અમેરિકન મજૂરોની સ્થિતિ સુધારવા માટે છે.