પાંચ પ્રાચીન વાદ્યોને પુનઃજીવિત કર્યા છે આ બંગાળી કલાકારે
કોલકતા એટલે રવિન્દ્ર સંગીતનું શહેર. અહીં દરેક ઘરમાં એક કરતાં વધુ વ્યક્તિઓ સંગીત સાથે એક કે બીજી રીતે જોડાયેલા હોય છે. તેવામાં સાઉથ કોલકતામાં રહેતા જયદીપ મુખર્જીના પરિવારે 1987માં તેમને માત્ર ચાર વર્ષની ઉંમરથી ક્લાસિકલ સંગીતની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. જેનું પરિણામ આજે એ છે કે જયદીપ મુખર્જી ભારતના જાણીતા સરોદવાદકમાંના એક છે. સાથે જ તેમણે ખુબ જ દુર્લભ કહી શકાય તેવાં વાદ્યોમાંના ફર્સ્ટ જનરેશન સરોદ, મોહનવીણા, સુર સિંગાર, તાનસેની રબાબ અને સુર રબાબને પુનઃજીવિત કર્યા છે.જયદીપ છેલ્લાં 37 વર્ષોથી સરોદ વગાડે છે. સ્વર્ગીય પંડિત નાહા કે જેઓ મહાન પંડિત રાધિકા મોહન મૈત્રેયના વરિષ્ઠ શિષ્ય હતા, તેમની પાસેથી જયદીપે પ્રશિક્ષણ લીધું છે. ઉપરાંત તબલા વાદક દેબાશીષ સરકાર પાસેથી પણ જયદીપે પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોમ્પિટિશનમાં તેઓ ખુબ જ નાનીવયથી ભાગ લેતા થયા અને સાથે જ સમગ્ર દેશમાં પ્રથમ પણ આવતા હતા. નાની ઉંમરથી જ તેમનું પર્ફોર્મિંગ કેરિઅર પણ શરૂ થઈ ગયું હતું. તેમની ટેલેન્ટની નોંધ અનેક મહાન સંગીતકારોએ લીધી છે. તેમાંના એક છે પદ્મભૂષણથી સન્માનિત સિનિયર મોસ્ટ ક્લાસિક્લ સંગીતકાર પંડિત અરવિંદ પરીખ. જેમણે માર્ચ-2024માં પોતાની પચાસમી બેઠકમાં જયદીપને બોલાવ્યા હતા.જયદીપ મુખર્જીને મળેલા પુરસ્કારોની જો વાત કરવામાં આવે તો તેમને 2019માં ઉસ્તાદ બિસ્મિલાહ ખાન યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જે તેમને સરોદ અને સુર સિંગાર માટે સંગીત નાટક અકાદમી દ્વારા ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી, 2023નો દિવસ તો જયદીપ માટે જીવનભરનું સંભારણું બની ગયો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 98મા એપિસોડમાં જયદીપનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના કલ્ચરલ અફેર્સ મંત્રાલય દ્વારા તેમને ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત માટે જુનિયર ફેલોશીપ પણ આપવામાં આવી હતી. 9મી સપ્ટેમ્બર, 2023ના રોજ ભારત મંડપમ ખાતે આયોજીત G-20 સમિટમાં તેમને ભારત સરકાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. અહીં તેમણે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને વિશ્વના નેતાઓ સમક્ષ પોતનું ટેલેન્ટ રજૂ કરવાનો મોકો મળ્યો હતો.
સંગીતની સાથે જયદીપનું ભણતર પણ ચાલી રહ્યું હતું. જયદીપે 12 સાયન્સ પછી કોલકતામાંથી એન્જિનિયરિંગ કર્યુ અને ત્યારબાદ પૂણેથી MBA કર્યું. અભ્યાસ બાદ જયદીપે એક મલ્ટિનેશનલ કંપનીમાં 11 વર્ષ સુધી માર્કેટિંગની નોકરી પણ કરી. જો કે જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમને એવું લાગ્યું કે તેમણે સંગીત અને નોકરી બેમાંથી એકની પસંદગી કરવી પડશે. કારણ કે નોકરીના કારણે તેઓ સંગીતને પૂરતો સમય આપી શકતા ન હતા. એ સમયે નિર્ણય લેવો ખુબ જ અઘરો હતો. કારણ કે પત્ની અને બાળકની જવાબદારીના કારણે નોકરી છોડવી અઘરી હતી. પરંતુ પરિવારે જ તેમને હોંશલો આપ્યો અને સંગીતમાં ફોક્સ કરવાનું કહ્યું. આખરે 2019માં જયદીપે પોતાની મલ્ટિનેશનલ કંપનીવાળી નોકરી છોડીને પોતાના પ્રથમ પ્રેમ સંગીતને પૂરતો સમય આપવાનું શરૂ કર્યું.જો કે આ દરમિયાન સંગીતની સફર તો ચાલુ જ હતી. વર્ષ 2013-14માં જયદીપે ગુરૂ સંગીતાચાર્ય પ્રણવ કુમાર નાહાની મદદથી બે વર્ષના સંશોધન પછી વાદ્ય યંત્ર મોહનવીણાને પુનઃજીવિત કરી હતી. લૉકડાઉન પહેલાં જ જયદીપે બે આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ ધ્રુપદ ફેસ્ટિવલ, વારાણસી અને ઈન્ટરનેશનલ વીણા મહોત્સવ, ચેન્નઈમાં આ વાદ્ય યંત્ર વગાડીને લોકોને મંત્રમુગ્ધ પણ કર્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024માં જયદીપ મુખર્જીએ 16મી સદીના વાદ્ય તાનસેની રબાબને પુનઃજીવિત કર્યું છે. જેની શોધ મિંયા તાનસેન દ્વારા અકબરના દરબારમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે 19મી સદીના સુર-રબાબને પણ પુનઃજીવિત કર્યુ છે.
ચિત્રલેખા.કોમસાથેની વાતચીતમાં જયદીપે જણાવ્યું કે, 2013 આસપાસ હું પારંપારિક વાદ્ય યંત્ર સુર સિંગારની મોટી સાઈઝના કારણે તેના પર રાગ દરબારી કનાડામાં એક આલાપ વગાડી શકતો ન હતો. સાથે જ તેના તારની દિશા અન્ય વાદ્ય યંત્રોથી અલગ હોવાના કારણે તેને સાચવીને વગાડવું પણ મુશ્કેલ હતું. ત્યારે મારા ગુરૂજી પ્રણવકુમાર નાહાએ મને સુર સિંગારનો અન્ય એક પ્રકાર ટ્રાય કરવા માટે કહ્યું. જે સાઈઝમાં નાનું અને વગાડવામાં સરળ હતું. પરંતુ તેમાં મને મારી સ્ટાઈલ અનુસાર થોડુંક સંશોધન કરવાની જરૂરિયાત લાગી. આ પ્રથમ વખત હતું કે જ્યારે મને કોઈ વાદ્યને પુનઃજીવિત કરવાનું અને તેને આધુનિક બનાવવાનો વિચાર આવ્યો હતો. આ રીતે પ્રાચીન વાદ્ય યંત્રોંને પુનઃજીવિત કરવાની મારી યાત્રા શરૂ થઈ.કોઈપણ વાદ્યને પુનઃજીવિત કરવું એટલે તેને આધુનિક સમય પ્રમાણે નવા ક્લેવર અને ફ્લેવરમાં તૈયાર કરવું, પરંતુ તેનાથી વાદ્યના સૂર-તાલ બદલાવવા ન જોઈએ. જેમ કે તાનસેની રબાબની વાત કરવામાં આવે તો, જયદીપે તેમાં નાયલોનના તારના બદલે તાંબા અને કાંસાના તારનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેના પર જે ચામડું ચઢાવવામાં આવે છે તે ચોમાસામાં ભેજના કારણે બરાબર વાગતું નથી. તો તેના માટે જયદીપે તેના પર સ્પેશિયલ કેમિકલ લગાવ્યું જેનાથી ચોમાસામાં પણ તેને કોઈ નુક્સાન થાય નહિં. જયદીપે આ રીતે પાંચ ઈન્સ્ટ્રુમેન્ટને પુનઃજીવિત કર્યા છે. જેનાં વિશે તેમનું કહેવું છે કે બહુ નાની ઉંમરથી મેં સંગીત શીખવાનું શરૂ કર્યું તેના કારણે મારું ગણિત ખુબ જ સારું થયું. મારી ગણતરીઓ ખુબ જ પાકી થઈ. એવી જ રીતે મેં જ્યારે ઈન્સ્ટ્રુમેન્ટ રિવાઈવ કરવાના શરૂ કર્યાં ત્યારે મારા એન્જિનિયરિંગના અભ્યાસનો મને એમાં ખુબ જ લાભ મળ્યો. મેં મારા કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટની પેટન્ટ કરાવી નથી. કારણ કે મને એવું લાગે છે કે સંગીતને પોતાના સ્વાર્થ માટે બાંધી રાખવું યોગ્ય નથી. હું એ ઈન્સ્ટ્રુમેન્ટનો ઓરિજનલ શોધકર્તા પણ નથી. આથી વધારેમાં વધારે લોકો સુધી તે પહોંચે તે જ મહત્વનું છે અને તો જ મને એવું લાગે છે કે મારી મહેનત સફળ થઈ કહેવાય. આજે હું સાંભળું છે કે ગુજરાત, મિરાજ અને બંગાળમાંથી ઘણા બધાં આર્ટિસ્ટ સુરસિંગારને બનાવી રહ્યા છે. જેનાથી મને એવું લાગે છે કે મારું કામ સફળ રહ્યું છે.