મુંબઈઃ મહારાષ્ટ્રના પર્યાવરણ તેમજ પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ ઈલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્ર રાજ્યનું સૌપ્રથમ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન દાદર વેસ્ટમાં કોહિનૂર સાર્વજનિક પાર્કિંગ સંકુલમાં શરૂ કરાવ્યું છે. તેના ઉદઘાટન પ્રસંગે આદિત્ય ઠાકરેએ એવી જાહેરાત પણ કરી હતી કે મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ટૂંક સમયમાં જ અનેક સ્થળોએ આવા વધુ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે તેની નવી નીતિની જાહેરાત કરી હતી. સરકારનું લક્ષ્ય છે કે 2025ની સાલ સુધીમાં રાજ્યમાં કુલ વાહનોના રજિસ્ટ્રેશનમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કમસે કમ 10 ટકા હોય. મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ અને નાશિકમાં આવા વાહનોની સંખ્યા 25 ટકા થાય એવી સરકારની નેમ છે.