કેમ ઈન્ગ્લેન્ડમાં સર્જાઈ ભારત-ભક્તિ વિશેની ફિલ્મ?

લરાઈટ ઓલરાઈટ… આ વખતની કોલમનું હેડિંગ બન્યું છે કેવળ કપરા સંજોગોમાંથી, અનફૉર્ચ્યુનેટ સિચ્યુઍશનમાંથી. ગયા વર્ષે દુનિયાઆખી મહામારીના પહેલા અને પ્રચંડ મોજાથી ત્રસ્ત હતી એવા કાળમાં સર્જાયેલી ‘બેલબોટમ’ પહેલી ને એકમાત્ર હિંદી ફિલ્મ છે. દેશમાં જડબેસલાક તાળાબંધી હતી ત્યારે બાયો-બબલના વાતાવરણમાં ગ્લાસ્ગો તથા લંડનમાં એનું શૂટિંગ થયું, અમૃતસર તથા વિદેશી ઍરપૉર્ટ જેવા કેટલાક સીન પરદેશમાં શૂટ કરવામાં આવ્યા. અંતે તાળાબંધી ઊઘડતાં બાકીનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું.

-અને મહામારીમાં બનેલી ફિલ્મ સંયોગથી રિલીઝ પણ થઈ રહી છે મહામારીની ત્રીજી લહેરની આશંકાના ઓછાયામાં. યસ્સ. ગુડ ન્યુઝ એ છે કે રેસ્ક્યુ ઑપરેશનની વાર્તાવાળી ‘બેલબોટમ’ 19 ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. બૅડ ન્યુઝ એ કે મહારાષ્ટ્ર તથા બીજાં અનેક રાજ્યોમાં હજી થિયેટરો ઉઘાડવાની મંજૂરી મળી નથી એટલે ત્યાંના રસિક પ્રેક્ષકોએ થોડી પ્રતીક્ષા કરવી પડશે.

‘ઈન્સ્પાયર્ડ બાય ટ્રુ ઈવેન્ટ્સ’વાળી બેલબોટમનાં વિષયવસ્તુ અત્યાર સુધી ડિરેક્ટર રંજિત તિવારીથી લઈને ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈએ છાતીસરસાં ચાંપી રાખેલા, પણ ટ્રેલર બહાર પડ્યા બાદ બાજી ઓપન થઈ ગઈ છે. અક્ષયની ‘બેબી,’ ‘ઍરલિફ્ટ,’ ‘સ્પેશિયલ છબ્બીસ’ જેવી રોમાંચક થ્રિલર ટાઈપની ફિલ્મ છે ‘બેલબોટમ’ અને અક્ષયકુમારના કોડનેમ પરથી ફિલ્મનું શીર્ષક રાખવામાં આવ્યું છે.

વાર્તા કંઈ આવી છેઃ 1984માં ચાર અપહરણકારો 210 પેસેન્જર તથા ક્રૂ-મેમ્બરવાળા ઈન્ડિયન ઍરલાઈન્સના વિમાનનું અપહરણ કરી અમૃતસર લઈ ગયા છે. હવે અહીંથી એને દેશબહાર લઈ જવાની પેરવી કરી રહ્યા છે. નવી દિલ્હીમાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના વડપણ હેઠળ એક ઈમરજન્સી મિટિંગ બોલાવવામાં આવે છે…

ફિલ્મને થોડીક પળ માટે બાજુએ મૂકીને 1980નો દાયકો યાદ કરીએ તો એ આપણા માટે પ્લેન હાઈજેકનો ત્રસ્ત દાયકો હતો. ઍરપૉર્ટ પર સિક્યોરિટી જેવું ભાગ્યે જ કંઈ હતું. 1986માં મુંબઈથી કરાચી-ફ્રન્કફર્ટ થઈને ન્યુ યૉર્ક જતી ‘પાન એમ ફ્લાઈટ 73’ને પણ અપહરણ કરીને કરાચી લઈ જવામાં આવેલી. (યાદ કરો, સોનમ કપૂરવાળી ‘નીરજા’)…  ‘બેલબોટમ’ જેના પર આધારિત હોવાનું મનાય છે એ ઘટના 1984ના ઑગસ્ટમાં બનેલી. દિલ્હીથી શ્રીનગર જતા ઈન્ડિયન ઍરલાઈન્સના વિમાનને અપહરણકારો લાહોર, કરાચી ને ત્યાંથી દુબઈ લઈ ગયેલા, જ્યાં યુએઈના સંરક્ષણપ્રધાન સાથેની સમજાવટ બાદ એ શરણે આવ્યા, જેને પગલે બધા પેસેન્જર સુરક્ષિત રહ્યા. અપહરણકારોને પછી ભારત મોકલી આપવામાં આવેલા.

ઓકે, ફિલ્મની પેલી ઈમરજન્સી મિટિંગમાં પાછા જઈએ તો, વડા પ્રધાન છાશિયું કરતાં કહે છે કે “પાંચ વર્ષમાં વિમાનઅપહરણની આ સાતમી ઘટના છે… આપણે શું કરી રહ્યાં છીએ?” ત્યારે ગૃહસચિવ (આદિલ હુસૈન) કહે છે કે આ પ્રોબ્લેમનું સૉલ્યૂશન શાયદ એક ઈન્સાન પાસે છે. એનું કોડનેમ છેઃ બેલબોટમ (અક્ષયકુમાર). સામાન્ય લોકો માટે બેલબોટમ ચેસનો ખેલાડી છે, મ્યુઝિક ટીચર છે. એ શાદીશુદા છે. બેલબોટમની પત્નીની ભૂમિકામાં છે વાણી કપૂર. આમ વિમાન-અપહરણનો પેચીદો કેસ બેલબોટમને સોંપવામાં આવે છે. અને એની પાસે સાત જ કલાક છે.

હવે જરા સર્જકોના દષ્ટિકોણથી જોઈએ તો, સત્ય ઘટનાને વળગી રહીને હાઈજૅકર્સને શરણે આવતા બતાવવામાં આવે તો કોણ ફિલ્મ જોવા જવાનું હતું? એના કરતાં એમાં કાલ્પનિક-નાટકીય ઘટના મિક્સ કરી છમ્મ વઘાર સાથે, મરીમસાલા-કોથમીર, ખમણેલું કોપરું છાંટીને પેશ કરવામાં આવે તો? મીન્સ હાઈજૅક થયેલું વિમાન બેલબોટમ એકલેહાથે દુબઈથી પાછું લઈ આવે… તો? તો કંઈ બાત બનેઃ ઈન્સ્પાયર્ડ બાય ટ્રુ ઈવેન્ટસના સત્યની નજીક રહી શકાય ને પ્રેક્ષક ખુરશીમાં ચોંટી પણ રહે. આમ બેલબોટમ વિમાનને પ્રવાસી સહિત હેમખેમ પાછું લાવે છે, જેમાં એને મદદરૂપ થાય છે દુબઈ સ્થિત સપોર્ટ ગ્રુપ (આમાં એક છે હુમા કુરેશી).

ફિલ્મની કેટલીક હાઈલાઈટ્સમાંની એક છે ઈન્દિરા ગાંધીની ટૂંકી ભૂમિકામાં દેખાતી લારા દત્તા. છેલ્લે ‘સિંગ ઈઝ બ્લિંગ’ (2015)માં દેખાયેલી લારાનો આ ફિલ્મમાં એવો આબેહૂબ ગેટઅપ છે કે પહેલી નજરે ભાગ્યે જ કોઈ ઓળખી શકે.

આશા રાખીએ કે થિયેટર સાથે સાવ ભુલાઈ ગયેલી ઓળખ ફરી યાદ કરીને ફિલ્મરસિકો પાછા આવે ને હોંશે હોંશે ‘બેલબોટમ’ તથા અન્ય ફિલ્મો (કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરીને) જુએ.

કેતન મિસ્ત્રી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]