એબીનું અદભુત અઠ્યોત્તેરઃ ગાપુચી ગાપુચી ગમ ગમ…

બે હોઠ વચ્ચે દબાવેલી ખાખી બીડી, પરસેવાથી લથબથ ખાખી શર્ટ, ખાખી પેન્ટ, બેફિકરી ચાલ. એન્ગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચન સુરંગ બિછાવેલી જમીન પરથી નીકળે છે ને ચારે બાજુથી બમુરાણ મચે છેઃ “લ્યા મરવાનો થ્યો છું? ત્યાં સુરંગ છે.”

ત્યારે બીડીને ટચલી આંગળીએ ઉડાડતાં એ કહે છેઃ “જિસને પચ્ચીસ બરસ સે અપની માઁ કો હર રોઝ થોડા થોડા મરતે દેખા હો ઉસે મૌત સે ક્યા ડર લગેગા…?” ત્યાં જ ડાયનેમાઈટના ધડાકા, ધૂળના ગોટેગોટા… પણ એન્ગ્રી યંગ મૅનને કંઈ પડી નથી. ભઈ બહોત ખૂબ.

1978 અમિતાભ માટે ફળદાયી વરસ હતું. એ વરસે એમની છ ફિલ્મ આવીઃ ફેબ્રુઆરીમાં ‘ગંગા કી સૌગંધ’, ઑક્ટોબરમાં ‘મુકદ્દર કા સિકંદર’… એપ્રિલમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈઃ ‘બેશરમ’-‘કસમેવાદે’-‘ત્રિશૂલ’ અને 1 મેએ ‘ડૉન’. બધી જ હિટ. ‘બેશરમ’ને બાદ કરતાં બધી હિટ. ‘કસમેવાદે’ અને ‘ડૉન’માં એમના ડબલ રોલ… ‘મુકદ્દર કા સિકંદર’-‘કસમેવાદે’ અને ‘ત્રિશૂલ’માં એમની નાયિકા રાખી.

પાંચ મે, 1978ના રિલીઝ થયેલી ‘ત્રિશૂલે’ હમણાં રજૂઆતનાં 43 વર્ષ પૂરાં કર્યાં. જાણીતા નિર્માતા ગુલશન રાયનું નિર્માણ, યશ ચોપરાનું દિગ્દર્શન, અને અમિતાભ બચ્ચન નામનો ફાટેલ પિયાલાનો યુવાન. ફિલ્મમાં એ બન્યો છે વિજય, જે પોતાના બાયોલોજિકલ પપ્પા, દિલ્હીના જાણીતા બિલ્ડર મિસ્ટર આર.કે. ગુપ્તા (સંજીવકુમાર)ને હંફાવવા ને એ રીતે મા સાથે થયેલા પ્યારમાં વિશ્વાસઘાતનો બદલો લેવા આવ્યો છે. આર.કે. ગુપ્તાએ વર્ષો પહેલાં અમીર કન્યા સાથે લગ્ન કરવા પ્રેમિકા શાંતિ (વહીદા રેહમાન)ને છોડી દીધેલી. એ શાંતિનું અનૌરસ સંતાન વિજય. આર.કે. ગુપ્તાને લગ્ન બાદ એક બેટો (શશી કપૂર) એક બેટી (પૂનમ ઢિલ્લોં) પણ થાય છે…

સલીમ-જાવેદની પટકથા ચુસ્ત હતી, પણ એમાં ગાબડાં ઘણાં હતાં. જેમ કે ખાલી ખિસ્સા સાથે દિલ્હી આવેલો વિજય એકાએક મોટો બિલ્ડર બની જાય… પણ એક પછી એક જકડી રાખે એવા સીન્સ અને સીટીમાર સંવાદ વચ્ચે પ્રેક્ષકનું ધ્યાન ભાગ્યે જ આવી સિનેમેટિક લિબર્ટી તરફ જાય. એમાં પાછું યશ ચોપરાનું કસદાર ડિરેક્શન, અમિતાભ બચ્ચનનો સ્ટાર પાવર, ખૈયામનું દિલડોલ સંગીત (યાદ કરો સાહિર લુધિયાણવી લિખિત, યેસુદાસના અવાજમાં ગવાયેલું આ ગીતઃ “આપકી મેંહકી હુઈ જૂલ્ફ કો કેહતે હૈ ઘટા… આપકી મદભરી આઁખો કો કમલ કેહતે હૈ”) ફિલ્મ સુપરહિટ ન થાય તો જ નવાઈ, પણ સબૂર! આ શું? નિર્માતા ફિલ્મથી રાજી નથી.

બન્યું એવું કે, મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા ‘રાજકમલ કલામંદિર’ સ્ટુડિયોમાં યશજીએ 75-80 ટકા બની ગયેલી ‘ત્રિશૂલ’નો ટ્રાયલ શો યોજ્યો. ફિલ્મ જોઈ મોડી રાતે યશ ચોપરા, સલીમ-જાવેદ અને ગુલશન રાય એક જ કારમાં ઘેર જવા નીકળ્યા. થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. છેવટે મૌન તોડતાં ગુલશન રાયે કહ્યુઃ “ફિલ્મમાં મસાલો ખૂટે છે. જો આમ જ રિલીઝ કરીશું તો પિટાઈ જશે.”

બીજા દિવસે યશ ચોપરા-સલીમ-જાવેદ જુહુ બીચ પર આવેલી હોલિડે ઈનમાં ભેગા થયા. “યાર કૂછ કરના પડેગા” યશ ચોપરાએ કૉપીની ચુસકી ભરતાં કહ્યું. અને ત્યાં જ જન્મ્યો પેલો એમ્બ્યૂલન્સવાળો સીન. અમિતાભ ગુંડાઓએ કબજે કરેલી જમીન ખાલી કરાવવા આવે છે, કસાયેલા શરીરવાળા શેટ્ટી અને એના ગુંડાઓને ઢોરમાર મારી પોતે જ લાવેલી એમ્બ્યૂલન્સમાં એમને હૉસ્પિટલ મોકલી આપે છે, આ સીન ફિલ્મની હાઈલાઈટ બની ગયો.

ફિલ્મ સાથે સંકળાયેલી બીજી કેટલીક રસપ્રદ સ્મૃતિઃ આર.કે. ગુપ્તાના રોલ માટે યશ ચોપરાની પહેલી પસંદ દિલીપકુમાર હતી, પણ દિલીપ સાબને રોલ પસંદ નહીં આવ્યો એટલે એ જઈને પડ્યો આપણા હરિભાઈ જરીવાળાની ઝોળીમાં, જ્યારે ગુપ્તાજીની જવાન બેટી (પૂનમ ઢિલ્લોં)ને ચાહતા આદર્શવાદી યુવાન (સચીન)ના રોલ માટે રાઈટર સલીમ ખાને નવાસવા મિથુન ચક્રવર્તીને યશ ચોપરા પાસે મોકલ્યો, પણ એ પહેલાં સચીન સાઈન થઈ ગયેલો.

‘ત્રિશૂલ’ માટે અમિતાભ બચ્ચન ‘ફિલ્મફેર એવૉર્ડ’માં નૉમિનેટ થયેલા, પણ છેવટે ટ્રોફી મળી આપણા ચંદ્ર બારોટની ‘ડૉન’માં એમણે ભજવેલા ડબલ રોલ માટે.

(કેતન મિસ્ત્રી)