આંકડા ઓળખાતા થયા ત્યારથી જાણે બેલેન્સશીટ વાંચતા શીખ્યા અને આજે પણ જેઓ ફ્યુચર-ઓપ્શનના કામમાં વ્યસ્ત છે તેવા મહેન્દ્રભાઈ ગાંધીની વાત સંભાળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે : જન્મ અમદાવાદના ગર્ભ-શ્રીમંત કુટુંબમાં. તેમને બે બહેન. પિતા ત્યારે પણ બી.એ., એલ.એલ.બી. ભણેલા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સારી પદવી પર કામ કરતા. શાળાનો અભ્યાસ નવચેતન હાઇસ્કુલમાંથી. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર થયા. અભ્યાસ પછી તરત બે-ત્રણ મહિના કામ કરી પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. બહુ મહેનત અને સારી કમાણી કરી સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. 10-15 વર્ષ કામ કરી પોરસેલીનની ફેક્ટરી કરી. નાનપણથી ઇન્વેસ્ટમેન્ટનો શોખ. પિતાજીના ગાઈડન્સથી છ વર્ષની બાળ-ઉંમરથી બેલેન્સશીટ વાંચતા શીખ્યા! તેઓ જાતજાતના ધંધામાં (શેર-બજાર, ફ્યુચર-ઓપ્શન, રીયલ-એસ્ટેટ, સોના-ચાંદી વગેરે) ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે. તેઓના મતે ઉંમર તો માત્ર આંકડો છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ક્યારેય નિવૃત્ત થયા નથી! હજી પણ સવારે 6:00 વાગે ઊઠી પરિમલ ગાર્ડન ચાલવા જાય. સાડા-સાત સુધીમાં પાછા આવીને 10:00 સુધી છાપુ વાંચે. પાંચ તાજાં ફળો અને ચાર ગરમ નાસ્તા સાથેનો શાહી બ્રેકફાસ્ટ કરે. 11:30 વાગે ઓફિસે જાય, અઢી-વાગ્યા સુધી શેરબજારમાં ફ્યુચર-ઓપ્શનના કામમાં બિઝી! પાછા આવી જમીને પાંચ વાગ્યા સુધી આરામ કરે. સાંજે મિત્રો સાથે ફાર્મ-હાઉસ પર કે બંગલે બ્રિજ રમે, બીજી મનગમતી પ્રવૃત્તિ કરે. સાડા- સાતે જમવાનું. આઠ વાગે બેડરૂમમાં જાય. સમાચાર જોતા-જોતા અને નવકારની માળા ફેરવતા-ફેરવતા સુઈ જાય.
ફરવાનું બહુ ગમે. દુનિયા આખી ફર્યા છે! બ્રિજ રમવું બહુ ગમે, વ્યસન થઈ જાય તેટલું ગમે! 2000ની સાલમાં બ્રિજ રમવાનું છોડ્યું. વાંચવાનો ઘણો શોખ. બાગકામ કરવું પણ ગમે. પોતાના ફાર્મ-હાઉસ પર ચંદન અને રુદ્રાક્ષનાં વૃક્ષો વાવ્યાં છે! ખાવાનો અને ખવડાવવાનો શોખ. જોકે હવે ખવાતું નથી. દેશી ખાવાનું વધારે ભાવે. મુઠીયા, ભજીયા હોય તો બીજું કંઈ ખાય નહીં!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. માંદા પડ્યા નથી. કોઈની મદદ લેવી ગમતી નથી. કોઈની પાસે પાણીનો પ્યાલો પણ માગતા નથી. તેમના મતે: શરીરને સમય આપો તો એ એની જાતે જ સાજું થઈ જાય! કામમાં પડો એટલે સારા થઈ જાવ! માથું કેવું દુખે, એસીડીટી એટલે શું એની તેમને ખબર નથી! રાતના આઠથી સવારના છ સુધી પૂરેપૂરી ઊંઘ થઈ જાય એટલે શરીર કોઈપણ જાતના રોગનો પ્રતિકાર કરવા તૈયાર હોય!
યાદગાર પ્રસંગ:
આમ તો ઘણા દેશોમાં ફર્યા છે, પણ ચીનની યાત્રાના પ્રસંગો યાદ રહી ગયા છે! ચીનમાં ચોરીના નવાનવા પ્રકારો જોવા-જાણવા મળે! બેજિંગની સીટી-ટુરમાં એક મંદિર પાસે બસ ઊભી રહી. એક ફેરીઓ બસમાં ચઢી ગયો. હજાર રૂપિયાની વસ્તુ 700માં આપે. આખી બસનાં પ્રવાસીઓએ ખરીદી કરી. પ્રવાસીઓ પાછાં આવ્યાં તો બધાં પાસે 300 રૂપિયા માગે! બધાંએ વસ્તુઓ પાછી આપી દીધી! એણે 700 હિસાબે રૂપિયા પાછા તો આપ્યા પણ બધાંને ખોટી નોટો પધરાવી દીધી! આખી બસ છેતરાઈ ગઈ! નાઈટ-ક્લબમાં એક્ષ્ચેન્જ લેવા ગયા તો ખોટી જ કરન્સી પધરાવી દીધી! નોર્વેમાં કોઈ તેમની બેગ ઉપાડી ગયું! સીસીટીવીમાં દેખાય છતાં કંઈ ઉપાય કર્યો નહીં! બધા દેશોમાં ડ્રાઇવરો પાકિસ્તાનના હોય અને બહુ સારા હોય! લોકોએ તેમને ખરાબ ચિતર્યાં છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ફ્યુચર-ઓપ્શનનું કામ કરે છે એટલે ટેકનોલોજીથી માહિતગારતો હોય જ. તેમના આસિસ્ટન્ટ અને દીકરી ટેકનોલોજીમાં પૂરતી હેલ્પ કરે છે, એટલે જાત-મહેનત કરતા નથી! ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. તેમને લાગે છે કે તેઓ જૂના જમાનાના વડીલ થઈ ગયા છે! જોકે રોજ સવારે 200 WhatsApp મેસેજ મોકલે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજે યુવાનો માટે ઘણી તક છે પણ યુવાનોને ફાસ્ટ લોટરી જોઈએ છે! મહેનત વગર કંઈ થાય નહીં! યુવાનોનું ગ્રાસપીંગ ફાસ્ટ છે પણ તેઓ ફંડામેન્ટલ શીખતાં નથી!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કામમાં વ્યસ્ત છે એટલે યુવાનોને મળવાનું તો થાય જ. વડીલોનું માન જાળવે અને તેમના અનુભવનો લાભ લે તેવાં સંસ્કારી યુવાનો ઓછાં થતાં જાય છે. માનવતાથી વધારે કંઈ નથી, દરેકને માન આપો.
સંદેશો :
ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી અને ટ્રાન્સપરન્સી હોય તો સક્સેસ ચોક્કસ મળે! એજ્યુકેશન અને હાર્ડવર્ક કરી તમે જીવનનો રોટલો તો કમાઈ શકો પણ જો તમારે ફોર્ચ્યુન બનાવવું હોય તો આજુબાજુ નજર કરી ‘ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ’ શોધતાં રહેવું જોઈએ.