ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકોઃ છનાં મોત, 30થી વધુ ઘાયલ

નવી દિલ્હીઃ તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના સત્તુર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં છ મજૂરોનાં મોત થયા હતા અને કમસે કમ 30 લોકો ઘાયલ થયા હતા.  આ વિસ્ફોટ કેમિકલ્સ ભેળવવાની પ્રક્રિયા દરમ્યાન થયો હતો, જેનાથી અનેક રૂમ ધ્વસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ફટાકડાની ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે, ફાયરબ્રિગ્રેડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ફટાકડાની ફેક્ટરીમાં 35 રૂમોમાં 80થી વધુ મજૂરો કામ કરતા હતો. ફટાકડા બનાવતી આ ફેક્ટરી અપ્પાનાયાકનપટ્ટી પંચાયતના બોમ્મયપુરમ ગામમાં આવેલી છે, જેને બાલાજી નામની વ્યક્તિ ચલાવતી હતી.

આ વિસ્ફોટમાં મૃતકની ઓળખ વેલમુરુગન, નાગરાજ, કન્નન, કામરાજ, શિવકુમાર અને મીનાક્ષી સુંદરમ તરીકે કરવામાં આવી છે. આ સિવાય એક અન્ય શખસ ગંભીર સ્થિતિમાં વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની બે ઘટનાઓમાં 14 લોકોનાં મોત થયા હતા. પ્રથમ ઘટના રંગપાલયમ વિસ્તારની છે. પોલીસે જણાવ્યું હતું કે ફટાકડાના નમૂના પરીક્ષણ દરમિયાન આ અકસ્માત થયો હતો.

તમિલનાડુના CM એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને રૂ. 3 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખની સહાયની જાહેરાત કરી હતી. જોકે આ અકસ્માતથી ફટાકડાની ફેક્ટરીઓમાં સુરક્ષા માપદંડો પર ફરીથી સવાલો ઊભા થયા છે. સ્થાનિક વહીવટી તંત્રને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.