અમદાવાદ: કોરોનાની મહામારી ભલે ગમે તેટલી વકરે, લોકો તો ઉત્સવોની ઉજવણી મોજથી કરે છે. આજે ઉત્તરાયણ પર્વની વેળાએ પણ કોરોનાના કેસ વધ્યા છે, તે છતાં ઉત્સવપ્રેમી પ્રજા મહામારીનો પહેલો, બીજો વેવ અને હાડમારીને ભૂલી જઈને શહેરમાં આજે સવારથી જ ઊંધિયું અને જલેબી લેવા લાઇનમાં ઊભાં રહી ગયાં હતાં. શહેરમાં ઊંધિયું બનાવતા જાણીતા સ્થળો હોય કે સાવ ફૂટપાથ પર ઉભા કરેલા મંડપ હોય, બધે જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી.ઊંધિયું, પુરી, લીલવાની કચોરી, જલેબી, ખમણ, પાત્રા, ખાંડવી જેવા ફરસાણનું વેચાણ કરતાં અનેક મંડપો બંધાયા હતા. ઊંધિયું-જલેબીની ખરીદી માટે કેટલાક સ્થળે તો લોકો કલાકો સુધી લાઇનોમાં ઉભેલાં જોવા મળ્યા હતા. બોર, જામફળ, શેરડીનું વેચાણ ઓછું જોવા મળ્યું હતું.