મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત શ્રી જયંતીલાલ એચ. પટેલ લૉ કોલેજ આગામી વરસે એક દાયકો પૂરા કરશે, આ દાયકામાં તેણે અનેક વિદ્યાર્થીઓને ઉત્તમ કાયદાકીય શિક્ષણ આપ્યું છે. આ વર્ષે કોલેજે પોતાનો નવમો રાષ્ટ્રીય લીગલ (કાયદાકીય) કાર્યક્રમ “અસ્ટ્રેયા” (નેશનલ લીગલ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન) તા, ૧૮ તથા ૧૯ મી માર્ચ 2023ના રોજ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ વિશેષ તરીકે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ (ન્યાયાધીશ) એસ.જે. કાથાવાલા ઉપસ્થિત રહ્યા હતા.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મંડળ વતી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહ, જોઈન્ટ સેક્રેટરી રજનીકાંત ઘેલાણી, હોનરરી ટ્રેઝરર અને નવીનભાઈ સંપટ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહેશ શાહે એમના આવકાર પ્રવચનમાં સર્વ વિધાર્થી અને કાનૂન વિષય સાથે સંકળાયેલા શ્રોતાઓને કોલેજની પ્રગતિ વિષે જણાવવા સાથે દસ વર્ષની કામગીરીનો પરિચય આપ્યો હતો. એમણે જસ્ટિસ એસ.જે. કાથાવાલાના કાર્યો અને વિરલ વ્યક્તિત્વનો પણ પરિચય આપ્યો હતો.
વિવિધ શહેરોના વિધાર્થીઓએ ભાગ લીધો
આ બે દિવસીય કાર્યક્રમમાં કોલેજે “મુટ કોર્ટ સ્પર્ધા”, (મુટ કોર્ટ એટલે જેમાં કોર્ટમાં દલીલો થાય તેમ વિધાર્થીઓ કોઈ કાલ્પનિક કેસમાં દલીલો કરે) અસીલો સાથે ચર્ચા વિચારણા, PIL (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન-જાહેર હિતની અરજી)નું ડ્રાફટિંગ (PILની રૂપરેખા બનાવવી), કાયદાનું મહત્ત્વ લેખ સ્પર્ધા આયોજિત કરી હતી. આ સ્પર્ધાઓમાં ન્યાયક્ષેત્રના નિષ્ણાતો, જેવા કે એડવોકેટ શૈલેષ કંથારિયા, સીનિયર એડવોકેટ રાજશેખર ગોવિલકર, એડવોકેટ મિહિર ગોવિલકર, એડવોકેટ અનઘા નિબાંકરે નિર્ણાયક તરીકે યોગદાન આપ્યું હતું. કોલેજના આ ઉત્સવમાં ચેન્નઈ, લખનઉ, ઔરંગાબાદ, વડોદરાથી અનેક પ્રતિસ્પર્ધીઓ સહભાગી થયા હતા.