નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાને વધુ એક મોટી ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો તેના દક્ષિણનાં દ્વીપો પર જમીની હુમલા થશે તો તે હોર્મુઝ જળમાર્ગ પછી હવે બાબ-અલ-મંદેબ જળમાર્ગ પર પણ નિયંત્રણ સ્થાપિત કરી શકે છે. ઈરાનનું કહેવું છે કે યમનનું હૂતી સંગઠન (અન્સારુલ્લા) તેના સંકેત પર બાબ-અલ-મંદેબ જળમાર્ગ પર કબજો જમાવી શકે છે. જો આવું થાય તો વિશ્વભરના ઓઇલ અને ગેસ સપ્લાય પર મોટો પ્રભાવ પડી શકે છે અને અનેક દેશો માટે ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે.
આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે જો ઈરાન યુદ્ધવિરામની શરતો સ્વીકારશે નહીં, તો અમેરિકા તેની સામે સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરી શકે છે. બીજી તરફ, ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ અમેરિકા અને ઇઝરાઇલને ઈરાનની જમીન પર કોઈ પણ સંભવિત જમીની કાર્યવાહી સામે ચેતવણી આપી છે.
હોર્મુઝ પછી બીજું મોટું જોખમ
યુદ્ધ શરૂ થયા પછીથી ઈરાન હોર્મુઝ જળમાર્ગ પર પહેલેથી જ ચાંપતી નજર રાખી રહ્યું છે. તેને કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસ સપ્લાય પર અસર પડી છે. હોર્મુઝ સમુદ્રી માર્ગથી દુનિયાનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને ગેસ પસાર થાય છે. ભારત સહિત ઘણા દેશોની ઊર્જા જરૂરિયાતો આ માર્ગ પર આધારિત છે. હવે ઈરાને બાબ-અલ-મંદેબ સમુદ્રી માર્ગને પણ અવરોધવાની ચેતવણી આપી છે, જેને કારણે ટેન્શન વધુ વધી ગયું છે.
બાબ-અલ-મંદેબનું મહત્વ
બાબ-અલ-મંદેબ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. આ સંકુચિત દરિયાઈ માર્ગ લાલ સમુદ્રને એડન ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. તે યમન અને આફ્રિકાના હોર્ન ક્ષેત્ર (જિબુતી અને ઇરિટ્રિયા) વચ્ચે આવેલો છે. વૈશ્વિક વેપાર, ખાસ કરીને તેલ સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્વના કુલ સમુદ્રી વેપારમાંથી લગભગ 12 ટકા ઓઇલ અને ગેસ આ માર્ગથી પસાર થાય છે. સ્વેઝ કેનાલ સુધી પહોંચતાં જહાજો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે. જો હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને માર્ગો પ્રભાવિત થાય, તો વિશ્વની લગભગ 30 ટકા ઊર્જા સપ્લાય પર અસર પડી શકે છે.




