ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે પોતાના બોલથી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં જ માર્નસ લાબુશેનની મોટી વિકેટ ખેરવી હતી. જસપ્રીત બુમરાહે 47 વર્ષ પહેલા દિગ્ગજ બિશન સિંહ દ્વારા કાયમ કરેલ રેકોર્ડને તોડી પાડ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં સૌથી વિકેટ લઈ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.
31 વર્ષીય બુમરાહ આ સીરિઝમાં સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે અને તેણે એકલા હાથે ભારતને ઘણી વખત મેચમાં વાપસી કરાવી છે. તેણે પહેલા દિવસે ઉસ્માન ખ્વાજાની વિકેટ લીધી હતી. બીજા દિવસે સવારે લાબુશેન તેના બોલ પર આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સ્ટમ્પની પાછળ ઋષભ પંતના હાથમાં બોલ મારી દીધો હતો અને સિરીઝની નિર્ણાયક મેચમાં તે માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ વિકેટ સાથે બુમરાહે સીરિઝમાં પોતાની વિકેટોની સંખ્યા વધારીને 32 કરી નાખી અને બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. બેદીએ 1977/78માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં 31 વિકેટ ઝડપી હતી. બુમરાહ પોતાની સતત પાંચ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે સૌથી ખરાબ સ્વપ્ન રહ્યો છે. 31 વર્ષીય બોલરે સીરિઝમાં ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી છે. તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ડરાવવામાં સફળ રહ્યો છે.