નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ત્રીજી વાર હેટ્રિક નોંધાવનાર અરવિંદ કેજરીવાલ રવિવારે પૂરી કેબિનેટની સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. કેજરીવાલે 2015માં પણ આ ઐતિહાસિક મેદાનમાં શપથ લીધા હતા. જોકે આ શપથગ્રહણની તારીખ નક્કી થયા પછી હવે કેજરીવાલ કેબિનેટમાં કોણ-કોણ પ્રધાન સામેલ થશે, એના પર સસ્પેન્સ છે. સૂત્રોના જણાવ્યાનુસાર બે નવા પ્રધાનો શપથ લેશે અને જૂની કેબિનેટમાંથી બે પ્રધાનોને પડતા મૂકાશે, તેમને સ્થાને આતિશી અને રાઘવ ચઢ્ઢાને પ્રધાન બનાવવામાં આવે એવી સંભાવના છે. આતિશી કાલકાજી વિધાનસભા સીટ જીતી હતી, જ્યારે ચઢ્ઢા રાજીન્દરનગરથી વિધાનસભા બેઠક જીત્યા છે.
કેજરીવાલની કેબિનેટમાં ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનનો સમાવેશ નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યાનુસાર કેજરીવાલની પ્રધાનમંજળમાંથી કેટલાક પ્રધાનોનું પત્તું કપાય એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલીપ પાંડેનું નામ પણ નવા પ્રધાનની યાદીમાં હોવાની સંભાવના છે.
આતિશીના શિક્ષણ ક્ષેત્રના અથાગ પ્રયાસોને કારણે આમ આદમી પાર્ટી ઘણી પ્રશંસા કરી ચૂકી છે. એવું માનવામાં આવે છે આતિશીને શિક્ષણ વિભાગ અપાવાની શક્યતા છે. આતિશીએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સલાહકારની ભૂમિકા પણ જુલાઈ, 2015થી એપ્રિલ, 2018 દરમ્યાન નિભાવી હતી.
રાઘવ ચઢ્ઢા પણ પ્રધાન બને એવી સંભાવના
રાઘવ ચઢ્ઢા ચાર્ટર્ડ અકાઉન્ટ્ન્ટ છે, તેમને નાણાં મંત્રાલયની કામગીરી સોંપાય એવી શક્યતા છે. 31 વર્ષીય રાઘવે આ પહેલાં પણ દિલ્હીનું બજેટ બનાવવામાં કેટલીય વાર મદદ કરી છે