સાહેબ, આ લોક ડાઉન લંબાવાયું એ સારું જ થયું. અમારે ઘરમાં શાંતિ. મારા વર, વાસણ ઘસી નાંખે છે, સસરા કચરા વાળી આપે છે, હું ને સાસુ પોતું કરી નાખીએ. દીકરો કપડા ધોઈ આપે છે અને દીકરીને વહુ રસોઈ કરે છે.
મને બે ત્રણ સવાલ છે. આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કઈ જગ્યાએ રહીએ તો કોરોના વાયરસનો ચેપ ન લાગે? બીજો સવાલ કઈ વિધિ કરવાથી આ વાયરસ ભાગી જશે? ત્રીજો સવાલ કોઈને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હોય અને એને વાસ્તુ શ્રેષ્ઠ જગ્યાએ લઇ જઈને સુવરાવી દઈએ તો એ સાજો થઇ જાય ખરો? આમ તો બે અને ત્રણ પાંચ થાય પણ છેલ્લો સવાલ, તમને આ વાયરસનોડર લાગે ખરો? મને વાસ્તુમાં ખાસ રસ નથી પણ હું આ મજાકમાં નથી લખતી એટલે જવાબ આપવા વિનંતી.
બહેનશ્રી. હમેશા અજ્ઞાન અને અજાણનો ડર સહુથી વધારે હોય છે. આપણા વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે કાંઈક કહેવા આવ્યા ત્યારે એ શું કહેશેની અટકળો થી લઈને એમણે આવું શું કામ કર્યું એની વિવિધ ચર્ચાઓ થઇ. પણ એ સાચેજ એવું કહેવા માંગતા હતા? મહાભારતમાં સહ્દેવનું અતિજ્ઞાન એને તકલીફ આપતું હતું. તો રામાયણમાં રાવણનું અજ્ઞાન. તમે ઘરમાં રહો છો એ સાચેજ ધન્યવાદને પાત્ર છે. તમારા ઘરના બધા પણ સારા માણસો છે. પરિવાર હોય ને તો ક્યાંક મત જુદા પડે. એલોકો બહાર જાય કે તમે બહાર જાવ એ હિતાવહ નથી. કામવાળાના સહવાસથી તમે કદાચ ટેવાઈ ગયા છો. પણ ઈશ્વરે તમને જે પરિવાર આપ્યો છે એ તમારાથી સહુથી નજીકના લોકો છે. જેમ જેમ સમય જતો જાય છે એમ લોકો સૌમ્ય થઇ રહ્યા છે. વાતાવરણ સાફ થઇ રહ્યું છે. પ્રકૃતિ ખીલી રહી છે. મને વિશ્વાસ છે કે કુદરતે આપણને આ રીતે આશીર્વાદ આપ્યા છે. ઘણા બધા લોકોના રોગ પણ ઓછા થઇ જશે. તમે પરિવારને ચાહવા લાગશો. પછી એ લોકો બહાર રહેશેને તો તમને નહિ ગમે.
હવે તમારા સવાલોના જવાબો. શરૂઆત જે સવાલ નથી પણ સમજાય છે તેનાથી. તમને વાસ્તુમાં રસ નથી પણ સવાલ છે. એજ બતાવે છે કે તમને રસ છે. તમારા મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવી આશા પણ છે કે વાસ્તુ નિયમો કૈક ચમત્કાર કરશે. એ સ્વાભાવિક છે. જ્યાં વિશ્વાસ હોયને ત્યાજ અપેક્ષાઓ હોય. ભારતીય વાસ્તુના નિયમો કુદરત સાથે સંતુલનની જ વાત કરે છે. તો આપણે પણ અત્યારે કુદરતને એની મેળે જ સંતુલિત થતા જોઈ રહ્યા છીએ. જયારે માનવ પરવશ દેખાય ત્યારે કુદરતનું આધિપત્ય દેખાય જ છે. પણ માનવ મન પર સ્વાર્થ, અહંકાર, લોભ, અસહિષ્ણુતા જેવા અનેક આવરણ છવાયેલા છે. કુરતની માફક એ પણ ધીમે ધીમે સાફ થતા જશે. હવે તમારો પહેલો સવાલ. કોરોનાથી બચવા તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ રહી શકો છો. એ વાયરસ છે વ્યક્તિ નહિ. એ એની મેળે નહિ આવે. બસ બહારના કોઈના સંપર્કમાં આવવાની જરૂર નથી. બીજા સવાલનો જવાબ એક સવાલ છે. વાયરસભાગે ખરો?તમે એનાથી ડરો છો. એ ડરવા માટે સક્ષમ જ નથી. પણ હા, સફાઈ રાખો. થોડા થોડા સમયે હાથ ધોતા રહો. વાસ્તુમાં પણ સ્વચ્છતાને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. મહામૃત્યુંન્જય મંત્ર ડરમાં રાહત આપી શકશે.
ત્રીજા સવાલનો જવાબ, વાસ્તુની સકારાત્મક ઉર્જા નિયમ પાલન શીખવે છે. જો ચેપ લાગે તો દવાખાનામાં જવું જ હિતાવહ છે. વાસ્તુની સારી ઉર્જામાં રહેનાર વ્યક્તિની ઉર્જા અને વિચારશીલતા એ વ્યક્તિને ચેપ ન લાગવા જેવા સંજોગો માટે પ્રેરે. અચાનક કોઈ જગ્યાએ જવાથી તુરંત એની ઉર્જાની અસર થવા લાગે એ એક ગેરમાન્યતા છે. અને છેલ્લે. હું નિયમ પાલન કરું છું. જે લોકો ખોટું કરતા હોય એનેડર લાગે. મને કુદરતની શક્તિમાં વિશ્વાસ છે. એ વિશ્વાસ તમે પણ કેળવો. તમારી સકારાત્મકતા જ તમને સાચા નિર્ણય લેવરાવશે. આ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. પેલી ગાડીઓ અને ફાર્મ હાઉસની માફક બાકી બધુજ રહી જશે, પણ લોકો તમારી સાથે વિતાવેલા સમયને ચોક્કસ યાદ રાખશે. બસ, સ્વસ્થ રહો મજામાં રહો.