હ્યુસ્ટનઃ ભારતીય મૂળની 43-વર્ષીય એક મહિલાની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. એ મહિલા જોગિંગ કરી રહી હતી ત્યારે એની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સર્મિષ્ઠા સેન નામનાં મહિલા ટેક્સાસ રાજ્યના પ્લાનો શહેરમાં રહેતાં હતાં. ગઈ 1 ઓગસ્ટે તેઓ ચિશોલમ ટ્રેલ પાર્ક નજીક જોગિંગ કરી રહ્યાં હતાં ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમને મારી નાખવામાં આવ્યાં હતાં.
એમનો મૃતદેહ ખાડી વિસ્તાર નજીક પડેલો મળી આવ્યો હતો. એક રાહદારીએ એ જોયા બાદ પોલીસને જાણ કરી હતી.
સર્મિષ્ઠા સેન બે પુત્રનાં માતા હતાં અને ફાર્માસિસ્ટ તથા સંશોધક હતાં. એમણે મોલેક્યૂલર બાયોલોજીનો અભ્યાસ કર્યો હતો અને કેન્સરના દર્દીઓ માટે સેવા બજાવી હતી.
પ્લાનો સિટીના પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે હત્યા થઈ બરાબર એ જ વખતે માઈકલ ડ્રાઈવના 3400 બ્લોક પરના એક ઘરમાં કોઈકે લૂંટ કરી હતી. આ ઘટના વિચિત્ર છે. આપણા બધાયને માટે ચિંતાજનક છે. મને વિશ્વાસ છે કે આ એકલ બનાવ જ રહેશે.
સર્મિષ્ઠા સેન એક એથ્લીટ પણ હતાં. તેઓ રોજ સવારે એમનાં સંતાનો જાગી જાય તે પછી બાજુના ચિશોલમ ટ્રેલ ખાતે જોગિંગ કરવા આવતાં હતાં.
બનાવને કારણે લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે. એમનાં ભાઈ સુમિતે કહ્યું કે સર્મિષ્ઠા મળતાવડાં સ્વભાવનાં હતાં.
ઘટનાના બીજા દિવસે સર્મિષ્ઠાનાં પડોશીઓ, ઓળખીતાઓ તથા અન્ય લોકોએ પાર્ક નજીકના બે ઝાડની ફરતે ફૂલો અને રનિંગ શૂઝ મૂકીને સર્મિષ્ઠા સેનને શ્રદ્ધાંજલિ આપી હતી.