HMPV આઉટબ્રેકથી શેરબજાર ફફડ્યું: સેન્સેક્સ 1258 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ અમેરિકી શેરબજારોમાં તેજી છતાં ઘરેલુ શેરબજારો સપ્તાહના પહેલા દિવસે તૂટ્યા હતા. હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના દેશમાં બે કેસ અને એક કેસ ગુજરાતમાં મળતાં શેરોમાં સાર્વત્રિક નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ બે ટ્રેડિંગ સેશનમાં આશરે 2000 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે રોકાણકારોના રૂ. 12 લાખ કરોડ સ્વાહા થયા હતા.

ચીનમાં ફેલાયેલા કોરોના જેવા નવા વાઇરસના ભારતમાં અત્યાર સુધી ત્રણ કેસ મળતાં રોકાણકારો સાવચેતી રૂપે શેરોમાં ભારે નફારૂપી વેચવાલી કાઢી હતી. કર્ણાટકમાં બે બાળકોમાં આ વાઇરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બંને બાળકોમાં રિકવરી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી, તેમ છતાં રોકાણકારો અનિશ્ચિતતભર્યા માહોલમાં શેરોની જાતેજાતમાં જોરદાર વેચવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 1258 પોઇન્ટ તૂટીને 77,964.99એ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 388.70 પોઇન્ટ તૂટીને 23,616.05ના મથાળે બંધ રહ્યો હતો.

આ વેચવાલી સાથે બજાર ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 23,600ની નીચે સરક્યો હતો. નિફ્ટીએ 20-DMA અને 50 DMA જે મહત્ત્વના સ્તર પણ તોડ્યા હતા.બજારના માર્કેટ કેપમાં રૂ. 10.5 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો 85.83ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો.   

BSE એક્સચેન્જ પર કુલ 4244 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 657 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3471 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 116 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 176 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 113 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.