ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત બધા પક્ષોના દિગ્ગજ ચૂંટણીપ્રચારમાં લાગેલા છે. બંને પક્ષોનો દાવો છે કે સરકાર તેમની જ બનશે.
મધ્ય પ્રદેશમાં 1952થી 2013 સુધી સરકાર કોઈ પણ પક્ષની બની હોય, પણ ક્યારેય ત્રિશંકુ વિધાનસભા નથી બની. 2018માં કોંગ્રેસને બહુમતથી માત્ર બે સીટનું છેટું હતું, સામે પક્ષે ભાજપને મતની ટકાવારી વધુ હતી. રાજ્યમાં 2018માં કોંગ્રેસના CM રહેલા કમલનાથની આગેવાની ફરી ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપે CM પદે કોઈને આગળ નથી કર્યા, પણ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને કૈલાશ વિજયવર્ગીય જેવાં નામો ઊછળી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ 2005થી મુખ્ય પ્રધાન છે.
CM કોણ બનશે? એનો નિર્ણય તો રાજ્યની જનતા ત્રીજી ડિસેમ્બરે કરશે, પણ એટલું નક્કી છે કે મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ એસેમ્બલીનો ઇતિહાસ નથી રહ્યો, એટલે જનતા સ્પષ્ટ જનાદેશ આપશે.