વિટામીન બી૧૨ આપણા શરીરમાં ઑક્સિજનની આપૂર્તિ કરતા લાલ રક્તકણો (આરબીસી) માટે ઘણું મહત્ત્વનું પોષક તત્ત્વ હોય છે. તે ચેતાતંતુઓના સ્વાસ્થ્ય અને ઉચિત કામકાજ માટે પણ જરૂરી હોય છે. તે ચેતા તંત્રને આવરતા અને ચેતા આવેગોને આગળ વધારતા સુરક્ષાત્મક માઇલિન આવરણના ઉત્પાદનમાં મદદ કરે છે. પરંતુ આજકાલ બદલાતી દિનચર્યાથી શરીરમાં વિટામીન બી૧૨ની ઉણપ વધી રહી છે. વિટામીન બી૧૨ની ઉણપ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. તેની ઉણપથી નબળાઈ, થાક, કબજિયાત જેવી બીમારીઓ આવી શકે છે. આવો જાણીએ વિગતવાર વિટામીન બી૧૨ની ઉણપનાં કારણો, લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.શા માટે શરીરમાં વિટામીન બી૧૨ની ઉણપ થાય છે? તેનો જવાબ એ છે કે માંસાહારીની સરખામણીમાં શાકાહારી લોકોમાં વિટામીન બી૧૨ની ઉણપ વધુ જોવા મળે છે. કારણકે મોટા ભાગે પશુઓનાં માંસમાં વિટામીન બી૧૨ની ઉણપ હોય છે. વિટામીન બી૧૨ આપણા શરીરના યકૃત (લિવર)માં સંગ્રહાય છે અને દારૂ યકૃતને ખરાબ કરે છે. તે ઉપરાંત જે લોકોને પિત્ત (એસિડિટી)નો કોઠો હોય છે તેઓ તેના માટે જો નિયમિત એલોપેથિક દવા લેતા હોય તો તેનાથી વિટામીન બી૧૨ની ઉણપ થઈ શકે છે.
વિટામીન બી૧૨ની ઉણપ થઈ છે તે ખબર કેમ પડે? જો લાંબા સમય સુધી વિટામીન બી૧૨ની ઉણપની ખબર ન પડે તો તે મોટું નુકસાન કરી શકે છે. તેની ઉણપથી નબળાઈ, થાક, કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે. હાથ અને પગમાં ઝણઝણાટીનું કારણ પણ વિટામીન બી૧૨ની ઉણપ હોય છે. વિટામીન બી૧૨ની ઉણપના કારણે યાદશક્તિ પર પણ અસર પડે છે. બી૧૨ની ઉણપના કારણે પેટ અને મૂત્રાશયને પણ નુકસાન પહોંચે છે.વિટામીન બી૧૨ની પૂર્તિ કરવા શું કરવું જોઈએ? આ સવાલ અગત્યનો છે. કારણકે ગમે તેવી જાણકારી હોય પણ ઉપાય ખબર ન હોય તો તેનો કોઈ અર્થ નથી. વિટામીન બી૧૨ની ઉણપથી બચવા માટે દૂધ કે દૂધજનિત ચીજો લેવી જોઈએ. આ સિવાય વિટામીન બી૧૨નો સૌથી સારો સ્રોત માંસ, માછલી વગેરે માંસાહાર છે. શાકમાં વિટામીન બી૧૨ નથી હોતું. દારૂ પણ ન પીવો જોઈએ અને ધૂમ્રપાન પણ છોડી દેવું જોઈએ કારણકે તેનાથી વિટામીન બી૧૨ પર અસર પડે છે.