સ્માર્ટ ફોનનો ઝડપથી વધતો વપરાશ તમારી રોજબરોજની જિંદગીને સરળ તો બનાવી રહ્યો છે પરંતુ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. અનેક સંશોધનોથી પણ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સ્માર્ટ ફૉનનો વધુ વપરાશ કરનારાઓની આંખોમાં બળતરા અને અનિદ્રાની સમસ્યા જોવા મળે છે. સ્માર્ટ ફૉનનું રેડિએશન બીજી અનેક રીતે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. યુવાનોમાં સ્માર્ટ ફૉનનો વપરાશ વધી રહ્યો છે. અનેક અહેવાલોમાં એ વાત બહાર આવી છે કે યુવાનો ફૉન પર રાતદિવસ મંડ્યા રહે છે. આવામાં પ્રશ્ન થાય છે કે શું તે તમારા આરોગ્ય માટે યોગ્ય છે?આ ઉપરાંત કેટલાક લોકો ફૉનને પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં તો કેટલાક પેન્ટના પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. એટલે એ જાણવું જરૂરી છે કે સ્માર્ટ ફૉનને શરીરના કયા ભાગ સમક્ષ ન રાખવો.
ઓશિકાની નીચે-સામાન્ય રીતે લોકોને ટેવ હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે મોબાઇલ રાખીને સૂએ છે પરંતુ જે પણ આવું કરી રહ્યા છે તેમની આ ટેવ બિલકુલ ખોટી છે. આવું કરવાથી આવનારા સમયમાં તમને માથાનો દુઃખાવો અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. મોબાઇલથી નીકળનાર ઇલેક્ટ્રૉમેગ્નેટિક રેડિેએશન ઘણું નુકસાનકારક હોય છે.
પાછળના ખિસ્સામાં- ઘણી વાર બાઇક ચલાવતા લોકો પેન્ટના પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. બેસતી વખતે પણ તેઓ પેન્ટના પાછળના ખિસ્સામાં જ રાખે છે. આના કારણે ફૉન ચોરી થવાનું જોખમ રહે છે તો ક્યારેક તે તૂટી પણ શકે છે. તેને લાંબો સમય પેન્ટના પાછળના ખિસ્સામાં રાખવાથી તમને પેટ અને પગમાં દર્દ થવાનું શરૂ થઈ શકે છે. આથી હિતાવહ છે કે તમે ફૉનને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો.
ઘણા વ્યક્તિઓ, ખાસ કરીને પુરુષોને પેન્ટ કે જિન્સના આગળના ખિસ્સામાં પોતાનો સ્માર્ટ ફૉન રાખવાની ટેવ હોય છે. આવું તમે જો કરતા હો તો સાવધાન થઈ જાવ. એક સંશોધનથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે લાંબા સમય સુધી આવું કરનાર પુરુષોના શુક્રાણુની સંખ્યા ઓછી થઈ જાય છે. સાથે જ આવું કરવાથી પુરુષોની શુક્રાણુની ગુણવત્તા પણ બગડી શકે છે. ઉલ્લેખનીય છે કે પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ઘટવાની સમસ્યા વધતી જાય છે જેનાથી નિઃસંતાનપણું વધતું જાય છે. આથી પુરુષોએ પેન્ટ કે જિન્સના આગળના ખિસ્સામાં સ્માર્ટ ફૉન ન રાખવો જોઈએ.
ઉપરના કિસ્સા મુજબ સ્માર્ટ ફૉન ન રાખનારા પુરુષો માટે પછી એક વિકલ્પ જ બચે છે અને તે છે તેઓ શર્ટના ખિસ્સામાં રાખે. આ પણ યોગ્ય નથી. આ કિસ્સામાં પણ સાવધ થવાની જરૂર છે. સ્માર્ટ ફૉનથી નીકળતું રેડિએશન તમારા હૃદય પર અસર કરે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે મોબાઇલના રેડિએશનથી તમારું હૃદય નબળું પડી જાય છે.
બાળકો પાસે મોબાઇલ રાખવો પણ જોખમી છે. એક સંશોધન મુજબ, બાળકો પાસે ફૉન રાખવાથી તેમાં હાઇપરએક્ટિવિટી અને ડેફિસિટ ડિસઑર્ડર જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. આ ઉપરાંત બાળકો પાસે ફૉન રાખવાથી તેઓ તેને પાણીમાં નાખી દે કે તેનો ઘા કરે તેવી શક્યતા પણ રહેલી છે, જેના કારણે તમારો ફૉન કાયમ માટે બગડી જઈ શકે છે.
જો તમને રાત્રે ફૉન ચાર્જમાં મૂકીને સૂવાની ટેવ હોય તો તે પણ તમારા ફૉન અને તમારી ત્વચા બંને માટે હાનિકારક છે. મોડે સુધી ચાર્જ થવાથી ફૉનની બૅટરી ખરાબ થઈ જાય છે અને સાથે જ તેની અસર તમારી ત્વચા પર પણ થાય છે.
એટલે બને ત્યાં સુધી ફૉનનું કામ ન હોય ત્યાં સુધી તેને તમારા શરીરથી દૂર જ રાખવો હિતાવહ છે.