કસરતના મોંઘા સાધનો સાથે પ્રેરણા પણ જરૂરી!

વિક્રમ સંવતનું નવું વર્ષ આવી ગયું છે. એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવવા સાથે કેટલાક લોકો સંકલ્પ પણ કરશે…

‘આ વખતે તો મેં નક્કી કર્યું છે કે વહેલાં ઊઠી જવું. વહેલા સૂઈ વહેલા ઊઠે તે વીર…’

‘આ વખતે મેં દીવાળી પર તળેલું, મરીમસાલાવાળું, મેંદાવાળું અને ચૉકલેટ નહીં ખાવાનું નક્કી કર્યું છે. તમારા ઘરે કાકડી, ટમેટાં, સફરજન હોય તો લાવો, બોસ!’

‘આ વખતે મેં ઑનલાઇન સેલમાંથી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ મિલ મગાવ્યું. મેં નક્કી કર્યું કે આવતી દીવાળી સુધીમાં મારી ફાંદ ઘટાડી દઈશ.’

હકીકતે આવા સંકલ્પો બધા કરતા હોય છે, પરંતુ તેનું પાલન એકાદ મહિના સુધી જ થતું હોય છે. તે પછી ધબાય નમ:

એટલે જ શરીર સુડોળ રાખવું, નિરામય રહેવું, પોતાના શરીરને થયેલી તકલીફને મટાડવી અથવા કંટ્રૉલમાં રાખવી આ બધાં માટે મન પર કાબૂ જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો મૉટિવેશન જરૂરી છે. જો તમારા મનને ધક્કો ન લાગે તો તનને પણ કસરત કરવાનો, શરીર માટે જરૂરી ચીજો નહીં ખાવાનો ધક્કો નહીં લાગે. મન ફસડાઈ પડશે કે લલચાઈ જશે, આ એક વખત ખાઈ લઉં, પછી ક્યારેય નહીં ખાઉં. અથવા આજે ચાલવા નથી જવું. કેવી કુદરતી ઠંડી હવા બારીમાંથી આવી રહી છે. પછી તો ઉનાળા અને ચોમાસામાં તો બારી બંધ જ રાખવી પડશે ને.

કાલે રાત્રે સૂવામાં મોડું થઈ ગયું હતું. એટલે આજે મને સૂઈ લેવા દે. ઊંઘ પૂરી નહીં થાય તો ઑફિસમાં તકલીફ પડશે.

આજે મારો મિત્ર બહુ આગ્રહ કરે છે એટલે બહાર હૉટલમાં પંજાબી ખાવા જવું જ પડશે. નહીં જઈએ તો તેને ખોટું લાગી જશે. સંબંધો બગડશે.

આજે ઑફિસમાં અમારા બૉસની પાર્ટી હતી એટલે કેક, પિઝા ખાવા જ પડ્યાં.

નહીં, નહીં, આજે મારે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે. એટલે આજે મારાથી વર્ક આઉટ નહીં જ થાય. શરીરનું ધ્યાન રાખવા જઈશ તો પૈસા કમાવાનું ભૂલી જવું પડશે. બોસનો ઠપકો સાંભળવો પડશે. પ્રમૉશન નહીં મળે.

આવા તો ઘણાં બહાનાં મળી રહે છે. એવું નથી કે તે બધાં ખોટાં જ હોય છે. કેટલાક ખરેખર સાચાં હોય છે. પરંતુ આવી સ્થિતિમાં શું કરી શકાય?

આવી સ્થિતિમાં કેટલાંક ઉપાયો જરૂર કરી શકાય.

દા.ત. પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું ખબર હોય તો તે રાત્રે જ કરી લેવું જોઈતું હતું. ક્રિકેટ મેચ જોવા ન બેસી ગયા હોત તો રાત્રે જ પ્રેઝન્ટેશન તૈયાર થઈ ગયું હોત અને સવારે તમે કસરત કરી જ શક્યાં હોત.

તમારા બોસનું માન રાખવા તમે સહેજ કેક અને પિઝાનો એક ટુકડો ચાખી લો તે બરાબર છે, પરંતુ બોસના નામે કેકનો મોટો ટુકડો અને આખો પિઝા ખાઈ લો તો પછી તે તમારો જ વાંક છે.

તમારા મિત્રને ઘરે જમવા પણ બોલાવી શકાય. તેનો આગ્રહ હોય તે બરાબર છે પરંતુ તમારા શરીરના ભોગે તે દુરાગ્રહ ન થવો જોઈએ. સાચો મિત્ર એ જ કહેવાય જે પરિસ્થિતિ સમજે. તમે હૉટલમાં જમવાનું કહો તો તે જ સામેથી ના પાડે કે ના, યાર. તારું શરીર હમણાંથી વધી ગયું છે. આપણે તારા ઘરે જ જમી લઈશું.

રાત્રે જો મોબાઇલ પર ઑફિસના (કે ની?) કર્મચારી સાથે ચૅટ ન કરી હોત, ફેસબુક પર તમારા પ્રતિસ્પર્ધીએ શું લખ્યું છે તે ન જોયું હોત તો તમે વહેલાં સૂઈ શકત અને સવારે વહેલાં ઊઠી શકત.

સવારે ઠંડી હવા આવે છે અને ઉનાળામાં-ચોમાસામાં એ ઠંડી હવા નથી મળતી તે વાત સાચી છે, પરંતુ જેટલી મજા સૂવામાં આવે છે તે કરતાંય વધુ મજા તમને આ ઠંડી હવામાં બહાર ચાલવા કે દોડવા કે કસરત કરવાથી આવશે. આખો દિવસ તમારો સારો જશે. તમે પ્રફૂલ્લિત બની જશો.

તમારું શરીર સુડોળ રહેશે તો ઑફિસથી માંડીને આજુબાજુના લોકો પણ તમારા પ્રત્યે માનથી જોશે. તમને કહેશે કે તમે તમારા શરીરનું ઘણું સારું ધ્યાન રાખો છો. અમને પણ સલાહ આપો ને.

વિચારો, તમારે સલાહ આપવી છે કે લેવી છે? માણસને સલાહ આપવી વધુ ગમતી હોય છે પરંતુ તે માટે સલાહ આપવાને લાયક પણ બનવું પડે.