પેટમાં દુઃખાવો, વારે ઘડીએ જાજરૂ જવું પડે તો સાવધ થવાની જરૂર છે. એક નવા વૈશ્વિક અભ્યાસ પ્રમાણે, આંતરડા (બૉવેલ) અને પેન્ક્રિયાટિક કૅન્સરના કેસોમાં છેલ્લાં ૩૦ વર્ષમાં વધારો થયો છે. ‘ધ લાન્સેટ’માં પ્રકાશિત આ મોટા સંશોધનમાં જણાવાયું છે કે પેન્ક્રિયાટિક કેન્સરના દર્દીઓ ૧૯૯૦માં વધુ જીવી જતાં હતાં, પરંતુ ૨૦૧૯માં તેની સરખામણીમાં ઓછાં જીવે છે.
આ કેસોમાં કેટલો વધારો થયો છે, ખબર છે? ૧૩૦ ટકા! સંશોધનમાં જાણવા મળ્યું છે કે પેન્ક્રિયાટિક કેન્સર લોકોને વધુ મારી રહ્યું છે. ૨૭ વર્ષના સમયગાળામાં આ કેન્સરથી મૃત્યુની સંખ્યા ૧,૯૬,૦૦૦થી વધીને ૪,૪૮,૦૦૦ થઈ છે.
બૉવેલ કેન્સરના કેસોની સંખ્યામાં આ જ સમયગાળામાં વિશ્વભરમાં ૯.૫ ટકા વૃદ્ધિ થઈ છે, જોકે રાહતની વાત એ છે કે આ કેન્સરના કારણે લોકોના મૃત્યુની સંખ્યામાં પાછો ૧૩.૫ ટકા ઘટાડો થયો છે.
સંશોધકો માને છે કે આનું કારણ બૉવેલ કેન્સરના સ્ક્રીનિંગ પ્રૉગ્રામ હવે મળે છે. તેનાથી કેન્સરનું વહેલું નિદાન થઈ જાય છે અને પરિણામે જીવવાની શક્યતા વધી જાય છે.
ગ્લૉબલબર્ડન ઑફ ડિસીઝ નામના અભ્યાસમાં પહેલી વાર ડાયજેસ્ટિવ ડિસીઝના જોખમના પરિબળો, વિશ્વ વ્યાપી સઘન અંદાજો, મહામારી લક્ષણો, બોજાનો અંદાજ એ બધું મળે છે.
યુનાઇટેડ યુરોપીયન ગેસ્ટ્રૉ એન્ટરૉલૉજી સાયન્ટિફિક કમિટીના પ્રાધ્યાપક હર્બર્ટટિલ્ગ કહે છે કે આ વિશ્લેષણથી ડાયજેસ્ટિવ ડિસીઝના વૈશ્વિક બોજાનું સઘન ચિત્ર મળી રહે છે. આ સમગ્ર વિશ્વમાં જે વલણો છે તેની તપાસ કરવાથી રોગના બોજા વિશે મહત્ત્વની માહિતી મળી રહે છે જેના લીધે દર્દીની સ્થિતિ સુધારવા માટે સંસાધનોની સાચી ફાળવણીમાં મદદ મળે છે.
નિષ્ણાતો માને છે કે પેન્ક્રિયાટિક કેન્સરમાં વધારાનો સંબંધ સ્થૂળતા અને ડાયાબિટીસમાં વધારો છે. હાઇબીએમઆઈ અને ઊંચા રક્ત શર્કરા (બ્લડ ગ્લુકૉઝ)ના સ્તરના કારણે આમ બને છે. અભ્યાસના અગ્રણી લેખક પ્રૉફેસર રેઝા મલેકઝાદેહ કહે છે કે પેન્ક્રિયાટિક કેન્સર વિશ્વનું સૌથી જોખમી કેન્સર પૈકીનું એક છે. ઉચ્ચ, મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં તેનો સરેરાશ પાંચ વર્ષનો બચાવ દર માત્ર પાંચ ટકા જ છે.
રોગ માટે જોખમી પરિબળો જેમ કે ધૂમ્રપાન, ડાયાબિટીસ અને સ્થૂળતા મોટા પાયે સુધારાને પાત્ર છે અને તેથી તેને અટકાવવાની ભરપૂર તક રહેલી છે.
સમગ્ર વિશ્વ સ્ત્રી સમાનતાની વાત કરે છે પરંતુ કુદરત પોતે અસમાનતા રાખે છે. આ અભ્યાસ મુજબ, બૉવેલ કેન્સરનાં જોખમી પરિબળો પુરુષો અને સ્ત્રીઓમાં જુદાંજુદાં હોય છે. આથી તેના પર રાષ્ટ્રીય નીતિ અને અટકાવવાના કાર્યક્રમોમાં વિચારણા કરવી જોઈએ.
પુરુષોમાં દારૂ, ધૂમ્રપાન અને ઓછા કેલ્શિયમ, દૂધ, ફાઇબરવાળો આહાર એ બોજારૂપ (જોખમી) પરિબળ છે. જ્યારે સ્ત્રીઓમાં દારૂ કે ધૂમ્રપાન નહીં (જોકે જે રીતે દારૂ અને ધૂમ્રપાન કરનારી સ્ત્રીઓમાં વૃદ્ધિ થઈ રહી છે તે જોતાં આવનારાં વર્ષોમાં તે પણ વધશે) પરંતુ અયોગ્ય આહાર જોખમી પરિબળ છે.
આ માટે અગાઉથી વ્યક્તિને કેટલીક ચેતવણીઓ મળી રહે છે, તે તેણે સમજવાની જરૂર છે. આ ચેતવણીઓ સમજી લેવાથી લોકોના કેન્સરથી મૃત્યુમાં ઘટાડો થઈ શકે છે.
ઇંગ્લેન્ડ અને વૅલ્સમાં ૬૦થી મોટી ઉંમરની દરેક વ્યક્તિમાં દર બે વર્ષે બૉવેલ કેન્સરનું પરીક્ષણ કરાવવા આમંત્રણ અપાય છે. જોકે સ્કૉટલેન્ડમાં સ્ક્રીનિંગ ૫૦ વર્ષે શરૂ થાય છે. યુકેમાં બૉવેલ કેન્સર બીજું સૌથી મોટું જીવલેણ કેન્સર છે. દર વર્ષે અંદાજે ૪૨,૦૦૦ બ્રિટિશરોમાં આ કેન્સરનું નિદાન થાય છે અને ૧૬,૦૦૦ લોકો તેમનો જીવ આ કેન્સરના લીધે ગુમાવે છે.
દસ નવા કેસમાંથી નવ લોકો ૫૦થી મોટી ઉંમરના હોય છે, પરંતુ ૨,૫૦૦ યુવાનોમાં પણ આ કેન્સરનું નિદાન દર વર્ષે થાય છે તે ચિંતાજનક વાત છે. જોકે જો આ કેન્સરનું નિદાન વહેલાં થઈ જાય તો તેમાંથી સાજા થઈ શકાય છે. આ માટે સ્ક્રીનિંગ અગત્યનું છે.
બીજી તરફ, પેન્ક્રિયાટિક કેન્સરનાં લક્ષણો થોડા પકડવાં અઘરા છે, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં. આથી તેનું નિદાન કરવું અઘરું પડે છે. તમામ નવા કેસોમાંથી અડધા કેસોમાં લોકો ૭૫થી ઉપરની ઉંમરના છે અને તે ૪૦થી નીચેની ઉંમરના લોકોમાં હજુ બહુ થતું નથી. આ વાત રાહતની છે.
પેન્ક્રિયાસ કેન્સરનાં લક્ષણો આમ તો સંદિગ્ધ હોય છે અને તેને પકડવાં અઘરાં હોય છે. પરંતુ આમ છતાં, જો પીઠમાં કે પેટમાં દુઃખાવો રહેતો હોય, ખાસ કરીને સૂવા જતી વખતે કે જમ્યા પછી, ઉપરાંત વજનમાં અસાધારણ ઘટાડો થાય, ભોજન પચે નહીં, માંદા હોવાનું લાગ્યા રાખે કે માંદા પડો, ત્વચા ફિક્કી પડતી જાય, આંખ પીળી પડે (કમળાની જેમ), ભૂખ ન લાગે, જાજરૂમાં ફેરફાર થાય, લોહીના ગઠ્ઠા થાય, તાજેતરમાં ડાયાબિટીસ પકડાયો હોય …આવાં લક્ષણો હોય તો તપાસ કરાવવી જરૂરી છે.