ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર પોતાની તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખે છે. એક સમયે જાડી અને ગોળમટોળ કરીના કપૂર ઘણા સમયથી ચુસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, પુત્રને જન્મ આપ્યા પછી પણ તે સુંદર શરીરવાળી દેખાય છે. ગર્ભાવસ્થા ધારણ કર્યા બાદ અને પ્રસૂતિ થયા બાદ તેણે પોતાનું વજન ૧૨ કિલો ઘટાડ્યું છે. કઈ રીતે રહે છે કરીના પાતળી પરમાર જેવી?કરીના કપૂર ચુસ્ત રહેવા માટે અનેક પ્રકારની કસરતો કરે છે, જેમાં પિલેટ્સ એક્સરસાઇઝ પણ સામેલ છે. કરીના કપૂર સિવાય દીપિકા પદુકોણ સહિત અનેક ફિલ્મ અભિનેત્રીઓ પણ આ વિશેષ કસરત પોતાની તંદુરસ્તી માટે કરે છે. કરીના કપૂરે પોતાના શરીરને સુડોળ રાખવા માટે નિષ્ણાત નમ્રતા પુરોહિતની મદદ લીધી છે. નમ્રતાએ તાજેતરમાં જ કરીના કપૂરની પિલેટ એક્સરસાઇઝનો વિડિયો સૉશિયલ મિડિયા પર મૂક્યો છે. તેને ૨૫ હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ વપરાશકારો જોઈ ચૂક્યા છે.
આ પિલેટ એક્સરસાઇઝ શું છે? પિલેટ એક્સરસાઇઝ દુનિયાભરમાં સૌથી વધુ કરાતી કસરતો પૈકીની એક છે. તેને જૉસેફ પિલાટેએ શોધી હતી અને તેનું નામ રાખ્યું હતું કન્ટ્રૉલૉજી. જોસેફનું માનવું હતું કે મગજ જ આપણા શરીરની માંસપેશીઓનું નિયંત્રણ કરે છે. જૉસેફ પિલેટે આ કસરતની શોધ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં ઘાયલ સૈનિકોની ઈજા અને મચકોડને ઠીક કરવા માટે કરી હતી. પિલેટ ઍક્સરસાઇઝના નિયમિત અભ્યાસથી કોઈ પણ પ્રકારની ઈજા, મચકોડ વગેરે ટૂંક સમયમાં ઠીક થઈ જાય છે.પિલેટ એક્સરસાઇઝના ફાયદા ઘણા છે. તેનાથી શરીરની સ્થિતિસ્થાપકતા અને મજબૂતી પર કામ કરે છે. માંસપેશીઓ મજબૂત કરવા માટે પિલેટ એક્સરસાઇઝ ઘણી સારી મનાય છે. પિલેટ્સ એક બૉડી બિલ્ડિંગ વિધિ છે. તે પેટની માંસપેશીઓ અને શ્વાસ લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં રક્તસંચાર પણ સારું રહે છે. આથી તે હૃદયને સ્વસ્થ રાખવાની કસરત પણ છે અને હૃદયની બીમારીઓથી પણ શરીરને બચાવે છે.
કેવી રીતે આ કસરત કરવી? આ વ્યાયામ પોતાના પેટને ઓછું કરવા માટેનો એક સરળ અને સારો ઉપાય છે. તે માટે હાથ સામે રાખી પાછળ તરફ ઝૂકો અને પછી આગળ આવો. આ વ્યાયામને કરતી વખતે પોતાનો પંજો ન ઉઠાવો અને સાથે જ પૂરા પાછળ પણ ન જાવ. તેમાં પોતાના પેટની અંદરની તરફ ખેંચીને રાખો. પાછળ જતી વખતે શ્વાસ અંદર લો અને ઉપર આવતી વખતે શ્વાસ છોડો. ઓછામાં ઓછી ૧૫થી ૨૦ સેકન્ડ સુધી આ વ્યાયામ કરો.
કરીના કપૂર ચુસ્ત રહેવા માટે આ કવાયત ઉપરાંત યોગ અને ખાણીપીણી બાબતે પણ સભાન રહે છે. તે સવારે નાસ્તામાં ચીઝ, બ્રેડ, પરાઠા, દૂધ, સોયા દૂધ લે છે. બપોરના ભોજનમાં રોટલી, દાળ, કચુંબર અને સૂપ લે. રાત્રિના ભોજનમાં રોટલી, દાળ અને શાકભાજીવાળું સૂપ લે. તે રોજ છ-આઠ ગ્લાસ ઉકાળેલું પાણી પીવે છે. સમગ્ર દિવસમાં ચુસ્ત રહેવા તે દર ત્રણ કલાકે ભોજન લે છે. બદામ અને સોયા દૂધ એ તેના ભોજનનો ભાગ છે. તે ખાંડ અને ઘી પણ લે છે પરંતુ સંયમિત માત્રામાં. તે ભાતથી દૂર રહે છે. જોકે તે ચીઝ ખાવાથી પોતાની જાતને રોકી શકતી નથી. કરીના કપૂર એકથી બે કલાક કસરત કરે છે.