કૅન્સર વિષે જે કાંઈ તમે જાણો છો તેમાં રોજેરોજ નવી નવી માહિતી ઉમેરાતી જાય છે. Medical science અને ચિકિત્સાના અને નિદાનના ઉપકરણોમાં નવા નવા સંશોધનોને કારણે થયેલો અદ્ભુત વિકાસ આને માટે જવાબદાર છે. એટલા માટે જ કૅન્સર એટલે કેન્સલ એવી માન્યતા આજથી 20 વર્ષ પહેલાં હતી તેમાં અપવાદ બાદ કરતાં એ માન્યતા હવે ખોટી સાબિત થઈ છે અને અસાધ્ય અને કષ્ટસાધ્ય મનાતા માનવશરીરનો નાશ કરનારા કૅન્સર હવે થતાં અટકાવી શકાય છે, થયેલા હોય તો એને વધી ગયેલા કેન્સરને ૯૮ ટકા કિસ્સામાં કાબૂમાં લઈ શકાય છે. થોડી વધારે વિગતો આના સંદર્ભમાં જોઈએ.
કૅન્સર કેવી રીતે થાય છે?:
અગમ્ય કારણોસર વ્યક્તિને વારસામાં મળેલા જીન્સમાં કોઈ ક્ષતિવાળું Gene આવી જાય ત્યારે અથવા કૅન્સર ઉત્પન્ન કરનાર તત્ત્વો (Carcinogen) તમારા શરીરમાં દાખલ થઈ ગયા હોય ત્યારે ક્રમશઃ જે કોષના ભાગ થઈને શરીરની વૃદ્ધિ થતી હોય તેમાં ઘણી તકલીફ પડે. આપણે શ્વાસોચ્છ્વાસમાં જે હવા લઈએ છીએ, જે પાણી અને પ્રવાહી પણ આપણે પીએ છીએ અને જે ખોરાક આપણે ખાઈએ છીએ, તેમાં અને આપણી શરીરની ચામડીના સંપર્કમાં આવનારા વાતાવરણમાંથી જે કોઈ કેન્સર ઉત્પન્ન કરનાર તત્ત્વો (Carcinogen) શરીરમાં દાખલ થાય તેની સામે રક્ષણ કરવાની શક્તિ કુદરતી રીતે આપણા શરીરમાં હોય છે. આને રોગપ્રતીકારક શક્તિ (ઇમ્યુનીટી) કહેવાય.
કોઈ પણ કારણસર આ શક્તિ ઓછી થઈ જાય ત્યારે આ Carcinogen કોષમાં દાખલ થઈને મોટી ગરબડ ઊભી કરી દે. આ રીતે Carcinogenથી દૂષિત થયેલ કોષ પોતાની સ્વાભાવિક રીતે વધવાને બદલે અસ્વાભાવિક રીતે ખૂબ જલદીથી Genetic માહિતીથી વિરુદ્ધ વધવા માંડે (Dysplasia/ Hyperplasia). આ દૂષિત થયેલો કોષ ખૂબ ઝડપથી કે ધીમેથી વધે અને આજુબાજુના તંદુરસ્ત કોષને પણ નુકસાન કરે અને જ્યારે વધેલા દૂષિત કોષ ગાંઠ ઉત્પન્ન કરે ત્યારે કૅન્સર થયું કહેવાય. દૂષિત કોષની વૃદ્ધિ વખતે આ પ્રોસેસને તમારા શરીરને રોગપ્રતીકારક શક્તિ વડે બંધ કરી શકાય અને ધીમો પણ પાડી શકાય.
કેટલાંક એવા તત્ત્વો છે જેને ‘INHIBITORS’ એટલે કે કેન્સરના રોગની વધવાની શક્તિને ધીમી પાડી દે છે. જ્યારે કેટલાક બીજા એવા તત્ત્વો છે જેને “PROMOTORS’ એટલે કે કેન્સરના રોગની વધવાની શક્તિને ઝડપી બનાવે છે. આખી દુનિયામાં કૅન્સરના સંશોધનમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને કારણે આપણને આટલી વાતોની ખબર પડી છે:
(૧) વધારે ચરબીવાળો ખોરાક ‘પ્રોમોટર્સ’ વિભાગમાં આવે છે એટલે કે તેનાથી કેન્સર વધવાની કે થવાની શક્યતા ખૂબ વધી જાય છે.
(૨) વિટામિન અને મિનરલ્સ વધારે મળે તેવા તાજા ફળો અને કાચા શાકભાજી તેમજ ઉગાડેલા કઠોળ અને દૂધનો ખોરાક ‘ઈનહીબીટર્સ’ના વિભાગમાં આવે છે જેનાથી કેન્સર થવાની શક્યતા બિલકુલ રહેતી નથી.
અલબત્ત, આની સાથે Life Style (જીવનશૈલી) કેવી છે તે પણ જાણવાની જરૂર છે. આપણા રોજિંદા ખોરાકમાં રહેલા અનેક પ્રકારના પ્રોમોટર્સ અને ઈનહીબીટર્સની હાજરીને લીધે હવે સંશોધન કરનારા એવા નિર્ણય ઉપર આવ્યા છે કે જો તમે ફક્ત ખોરાકનું જ આયોજન બરોબર કરી તો કૅન્સર ના થાય અને ગમે તેવો ખોરાક ખાઓ તો ગમે ત્યારે કેન્સર થઈ શકે.
ખોરાક સિવાય તમાકુ ખાવાની કે સિગારેટ પીવાની ટેવ અને દારૂ પીવાની ટેવ, હવાનું પ્રદૂષણ અને તમારી નોકરી કે ધંધાનું ટેન્શન પણ કૅન્સર થવામાં અગત્યનો ભાગ ભજવે છે.
તમને પોતાને કૅન્સર ના થાય માટે તમે શું કરશો ?
(૧) પૌષ્ટિક ખોરાક જેમાં ફળો, કાચા શાકભાજી, દૂધ અને ઉગાડેલા કઠોળ લેવાનું રાખો.
(૨) સિગારેટ પીવાનું, તમાકુ ખાવાનું અને દારૂ પીવાનું તદ્દન બંધ કરો.
(૩) તડકાથી તમારી ચામડીનું રક્ષણ કરો.
(૪) તમારા સંપર્ક અને સંસર્ગમાં (ચામડીના) જેનાથી કેન્સર થાય તેવા પદાર્થના આવે તેનું ધ્યાન રાખો.
(૫) તમે સ્ત્રી હો અને 45 વર્ષની ઉપરના હો તો Mamography કરાવીને સ્તનના કેન્સરની તપાસ અને pap smear કરીને ગર્ભાશયના મૂખનું અને ગર્ભાશયનું કૅન્સર છે કે નહીં તે નિદાન કરાવો.
કેન્સરના ભયસૂચક (વૉર્નિંગ) ચિહ્નો કર્યા?
કૅન્સરનું નિદાન જેટલું જલદી થાય તેટલું જ જલદીથી તમે સફળ રીતે સારવાર કરી શકો એટલા માટે નીચે બતાવેલ વોર્નિંગ ચિહ્નોનું ચોક્કસ ધ્યાન રાખો.
(૧) ટૉઇલેટ અને બાથરૂમ જવાની ક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હોય, જેમકે ઝાડા સતત થાય અથવા કબજિયાત થાય, ઝાડામાં/ પેશાબમાં લોહી પડે, પેશાબ કરવામાં તકલીફ પડે વગેરે ચિહ્નો થાય.
(૨) શરીરની ચામડી પર થયેલું ચાઠું, ચકામું કે તલ, લાખુ અને રસોળીનો રંગ/ Consistency બદલાય, સાઇઝમાં વધે અને ફેલાય ત્યારે ધ્યાન રાખો.
૩) આખા શરીરમાં નાક, કાન, મોં, ગુદા અને મૂત્રમાર્ગે અસ્વાભાવિક લોહી નીકળે. શરીરની ચામડી પર થયેલા ઘામાંથી લોહી નીકળે.
(૪) આખા શરીરમાં સ્ત્રીઓમાં સ્તનમાં, પુરુષોમાં શુક્રાણુની કોથળી(ટેસ્ટીસ)માં કે શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય.
(૫) ખોરાક ગળવાની મુશ્કેલી અને સતત ખોરાકના પાચનની તકલીફ થઈ હોય.
(૬) સતત ઉધરસ મોટે ભાગે સૂકી ઉધરસ અને અવાજ બેસી જાય.
કેન્સર ના થાય અને હોય તો વધતું અટકે માટે લેવાનો ખોરાક
(૧) ચાળ્યા વગરના લોટની રોટલી, ભાખરી અને બ્રાઉન બ્રેડ ખાશો, થૂલી અથવા ફાડાનો લોટ (ઘંઉનો જાડો લોટ), તાજા ફળો અને લીલા શાકભાજી રોજ ભૂલ્યા વગર ખોરાકમાં લેશો.
(૨) તમારા શરીર માટે વધુમાં વધુ ૩૦થી ૪૦ ગ્રામ (ત્રણથી ચાર ચમચી) ઘી અથવા તેલનો ઉપયોગ કરો.
(૩) મીઠાવાળા પદાર્થો-ધાણાની દાળ, ચવાણું, ચેવડો, ફરસીપૂરી, ફાફડા, ગાંઠિયા, દાલવડા, સમોસા, પાપડ, અથાણાં, સોસ વગેરે ઓછાં ખાઓ.
(૪) એક વાર તળેલું હોય (પૂરી બનાવવા) તેવું તેલ ફરી વાપરશો નહીં કારણ તેમાં અસંખ્ય Carcinogen (કૅન્સર કરે તેવાં તત્ત્વો) હોય છે માટે તેનો ઉપયોગ ના કરશો.
(૫) ચા, કોકોકોલા, ચૉકલેટ, કૉફી અને દારૂ (પ્રમાણસર) અને તમાકુ (ગુટકા) ને સિગારેટ પીવાની બંધ કરવી ખૂબ જરૂરી છે.
કેન્સર અને એન્ટીઓક્સિડંટનો સંબંધ
એન્ટીઓક્સિડંટની નવી થિઅરી પ્રમાણે Pollution વાળી હવા, પાણી અને ખોરાકથી તમારા શરીરમાં ઘણા પ્રમાણમાં ‘ફ્રી રેડિકલ’ ઉત્પન્ન થાય છે. આ ફ્રી રેડિકલ આખા શરીરમાં છૂટા ફર્યા કરે તો શરીરના બધા જ અંગોનો કૅન્સર થવાની શક્યતા વધી જાય છે.
હોલીસ્ટીક મેડિસિનના પ્રચારક ડૉ. ડરહામના જણાવ્યા પ્રમાણે વિટામિન ‘A’, વિટામિન ‘C’, વિટામિન ‘E’, સેલેનિયમ અને આયર્ન આ બધા શ્રેષ્ઠ એન્ટીઑક્સિડંટ છે, જે તાજા ફળો અને લીલા શાકભાજી અનાજ, કઠોળ, દૂધ વગેરેમાંથી ખૂબ મળે છે. તેનો ઉપયોગ કરવાથી આ ફ્રી રેડિકલ તમારા શરીરમાંથી નાશ પામશે.
કસરત કરી તમારા શરીરમાં ખૂબ પ્રમાણમાં ઑક્સિજન લેવા માટે ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું, દોરડા કૂદવા, ઍરોબિક ડાન્સીંગ, હલેસાં મારવા, દાદર ચડવા—ઊતરવા અને હાસ્યથેરેપીની કસરતો નિયમિત કરવી જોઈએ.
બસ આટલું જ કરશો તો તમે આખી જિંદગી માટે કૅન્સરના ભયથી મુક્ત થઈ જશો.
આટલું ખાસ યાદ રાખો
૧. નિયમિત મેડિકલ ચેકઅપ
૨. યોગ્ય પૌષ્ટિક ખોરાક ૩. નિયમિત કસરત અને ૪. મનની શાંતિ (ટેન્શન ફ્રી) વાળી જિંદગી. |
આટલી વાતોને તમારા જીવનમાં ઉતારી દો અને કેન્સરને થવા જ ના દો. કૅન્સર એટલે કેન્સલ એવી માન્યતા હવે બહુ વખત રાખવાની જરૂર નથી.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)