ફૂડ પૉઇઝનિંગથી છૂટકારો કેમ મેળવવો?

જીવનશૈલી જેને આજકાલ લોકો લાઇફસ્ટાઇલ કહે છે તેમાં પરિવર્તનના કારણે આજના મોટાભાગના યુવાનો અને યુવતીઓ જંક ફૂડ વધુ ખાય છે. જંક ફૂડ ખાવાના કારણે આજકાલ લોકોમાં ફૂડ પૉઇઝનિંગની સમસ્યા વધી રહી છે. ખાણીપીણીથી શરીરમાં જ્યારે બૅક્ટેરિયા પ્રવેશ કરે છે તો ફૂડ પૉઇઝનિંગની સમસ્યા જન્મ લે છે. મોટાભાગના કિસ્સાઓમાં ફૂડ પૉઇઝનિંગની સમસ્યા એ વખતે થાય છે જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વર્ષમાં એક કે બે વાર જો શરીરમાં ફૂડ પૉઇઝનિંગની સમસ્યા થાય તો ઠીક છે પરંતુ જો વારંવાર આ સમસ્યા થતી હોય તો તમારે ચેતી જવું જોઈએ.

ખાણીપીણી અને તેની સાથે સંબંધિત ચીજો વિશે બહુ જ સાવધાની રાખવી જોઈએ. આમ તો સ્ટ્રીટ ફૂડ બધાને ભાવતું હોય છે. સસ્તું પણ પડતું હોય છે. ત્યાં ખાવ તેનો વાંધો નથી, પરંતુ ત્યાં ઘણી વાર સ્વચ્છતા રાખવામાં આવતી હોતી નથી. પરિણામે ફૂડ પૉઇઝનિંગ થઈ જાય છે. દવા લેવાથી તેમાંથી તત્કાલ તો રાહત મળી જાય છે, પરંતુ હંમેશાં માટે છૂટકારો જોઈતો હોય તો આ પ્રકારની ખાણીપીણી ટાળવી જોઈએ. આ ઉપરાંત કેટલીક ઘરેલુ ચીજો પણ તમને આ સમસ્યામાં રાહત આપી શકે છે.

આદુને ગરમ પદાર્થ ગણવામાં આવે છે. તે પાચન માટે ખૂબ જ સારું મનાય છે. તેના બીજા પણ ઘણા ફાયદા છે, પરંતુ અહીં આપણે ફૂડ પૉઇઝનિંગની બાબતમાં જ ધ્યાન આપીએ. આ માટે તમે આદુવાળી ચા પીઓ. બહુ ઓછા લોકોને ખબર હશે કે આદુ પેટનાં આંતરડામાં ફૂડ પૉઇઝનિંગની સમસ્યા માટે જવાબદાર મનાતા બૅક્ટેરિયાને વધતા રોકવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે આપણને આપણી સામે દેખાતી ચીજની પરવા હોતી નથી. આવી જ એક ચીજ જે ભગવાનની અસીમ કૃપા છે તે છે પાણી. પાણી આપણી સામે જ હોય છે, પરંતુ હવે આપણું જીવન એટલું બેઠાડું થઈ ચૂક્યું છે કે આપણને ઊભા થઈને પાણી પીવાની પણ આળસ આવે છે. આપણા શરીરની ક્ષમતાથી વધુ જંક ફૂડ આપણે ખાઈએ છીએ ત્યારે ફૂડ પૉઇઝનિંગની સમસ્યા આવે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે જેટલું બને તેટલું વધુ પાણી પીવું જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણીને થોડું ઠંડુ કરીને નવશેકું પીવાનું રાખો. તેનાથી શરીરમાં વિષાક્ત તત્ત્વોની સાંદ્રતા ઓછી થાય છે. અન્ય બીમારીઓ પણ આવતા અટકે છે. પાચનની પ્રક્રિયા પણ સતેજ થાય છે.

પાણીની જેવી જ એક ચીજ આપણા રસોડામાં હાજર છે. તે છે જીરું. ભારતીય વાનગીઓમાં જીરાનો ઉપયોગ સ્વાદ સારો કરવા અને સુગંધિત બનાવવા માટે કરાય છે. પરંતુ શું તમને ખબર છે કે જીરું એ આરોગ્ય માટે સારું છે? જી હા, તે આરોગ્ય માટે સારું છે એટલે જ તેનો ઉપયોગ રસોઈમાં થાય છે. આપણા ઋષિમુનિઓએ બધું આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીને જ ઘડ્યું છે. ફૂડ પૉઇઝનિંગની સમસ્યામાં તમે રોજ એક ચમચી જીરાને વાટીને તેનો ભૂકો બનાવીને ખાવ તો તમને રાહત મળી શકે છે. જીરા તમારી પાચનક્રિયા સાથે આંતરડામાં થનારા સોજાને પણ ઘટાડે છે.

આ જ રીતે કેળું પણ ખૂબ ઉપયોગી છે. ઝાડા અને કબજિયાત આ બંનેના ઈલાજમાં કેળાનો ઉપયોગ ખૂબ જ લાભદાયક મનાય છે. કેળું એવું ફળ છે જેનું પાચન સરળતાથી થઈ જાય છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કેળું ગુદાને ચીકણી બનાવવામાં મદદ કરે છે, જેનાથી મળત્યાગ સરળ બને છે. ફૂડ પૉઇઝનિંગની સમસ્યાનો સામનો કરતા લોકો માટે કેળું ઘણું લાભકારી ફળ મનાય છે. જોકે દરેક ઉપાયોમાં કેટલીક ચીજોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. આરોગ્ય નિષ્ણાતોની સલાહ છે કે બે કેળાથી વધુ ન ખાવાં જોઈએ. તેમ કરશો તો અતિસાર એટલે કે ઝાડા થઈ જશે.