કેટલીક ચીજો એવી હોય છે જે આપણી પાસે અને આપણી સામે હોય ત્યારે આપણને તેની કદર થતી નથી. આપણાં સગાંવહાલાં, આપણાં મિત્રો, આપણાં સ્વજનો, આપણાં પરિવારજનો, આપણાં સહાધ્યાયીઓ, આપણાં સહકર્મચારીઓ…આવા ઘણાંબધાં લોકોનો સમાવેશ આ યાદીમાં થઈ શકે. જ્યારે આપણે તેમનાથી દૂર જઈએ ત્યારે આપણને તેમની ઓળખાણ થાય. આપણને તેમની યાદ આવે. આપણને તેમની ઉપયોગિતા સમજાય. ત્યારે આપણને વસવસો થાય. પસ્તાવો થાય કે તે સમયે આપણે કેમ તેમને ઓળખી શક્યાં નહીં.આવું જ કંઈક આપણા રસોડામાં રહેલી ચીજોનું છે. આ ચીજો આપણી સામે જ હોય છે, પરંતુ આપણે તેમની ઉપયોગિતા ઓળખી શકતા નથી. પરિણામે આપણે તેના લાભોથી વંચિત રહી જતા હોઈએ છીએ અને બહાર ડૉક્ટર માટે તેમજ મેડિકલ સ્ટૉરમાં હજારો રૂપિયા ખર્ચતા હોઈએ છીએ. આવી એક ચીજ છે લવિંગ. તમને થશે કે લવિંગમાં બળ્યું શું છે? એ તો રસોઈમાં વપરાય. તેનાથી આરોગ્યના ફાયદા કેવી રીતે છે?
લવિંગ એ કુદરતે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું સ્થાન ભારતીય ભોજનમાં વિશેષ છે અને તેની પાછળ આરોગ્ય સારું રહે તેનો જ છે. તેના ઉપયોગથી ભોજન તો સ્વાદિષ્ટ બને જ બને છે, પરંતુ દવા તરીકે તેનો ઉપયોગ કરવાથી અનેક આરોગ્યની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. લવિંગ આપણી તંદુરસ્તીને જાળવવામાં અને અનેક પ્રકારની તકલીફોથી બચાવવામાં મદદ કરે છે. તેના અનેક ગુણો છે.
લવિંગની તાસીર જોકે ગરમ છે. તે કારણે ધ્યાન રાખીને તેનો ઉપયોગ કરવાની સલાહ છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે જો રોજનાં બે લવિંગ ખાવામાં આવે તો તેના અદભૂત પરિણામો મળે છે. તેના ફાયદાથી તમારું શરીર હંમેશાં માટે રોગમુક્ત થઈ જાય છે. તો આવો જાણીએ લવિંગ ખાવાના ફાયદા…
ઘણા લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય છે. થોડુંક ખાધું નથી ને ગેસ થયો નથી. ગેસની બીકે ઘણા લોકો ઓછું અથવા બિલકુલ જમતા હોતા નથી. પરિણામે શરીરમાં અશક્તિ કે નબળાઈ લાગવા લાગે છે. આવા સંજોગોમાં આવી તકલીફથી પીડાતી વ્યક્તિએ એક કપમાં પાણી ઉકાળી લઈ તેમાં બે ટુકડા લવિંગના ખાંડીને નાખવા જોઈએ. આ પાણી ઠરી જાય પછી પીવું. તેનાથી ગેસની તકલીફમાં રાહત મળશે.
તો ઘણા લોકોને ક્યારેક ક્યારેક દાંતોમાં દુઃખાવો ઉપડતો હોય છે. તેઓ ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાય છે અને ક્યારેક ડેન્ટિસ્ટ પૈસા માટે થઈને દાંત પડાવવાની સલાહ આપી ખિસ્સા ખંખેરી લેતા હોય છે. દર વખતે ડેન્ટિસ્ટ ખોટા ન પણ હોય, પરંતુ જો તમારે દાંતનો દુઃખાવો ડેન્ટિસ્ટ આગળ ગયા વગર મટાડવો હોય તો આયુર્વેદમાં ઉપાય છે. બે ટુકડા લવિંગના એક ચમચી લીંબુના રસમાં ઘસીને દાંત પર લગાવો. તમને રાહત મળશે. આયુર્વેદનું મહત્ત્વ સમજીને હવે તો વિદેશી કંપનીઓ પણ ટૂથપેસ્ટની જાહેરખબરમાં ચિબાવલી અભિનેત્રી પાસે પૂછાવડાવે છે, ક્યા આપકે ટૂથપેસ્ટ મેં લોંગ હૈ?
જો મોંઢામાંથી દુર્ગંધ આવવાની તકલીફ હોય તો બે ટુકડા લવિંગના એક નાનકડી એલચી સાથે ચાવો. તેનાથી મોંઢાની દુર્ગંધ જતી રહેશે.
જો મોંઢામાં ચાંદાં પડી જવાની તકલીફ હોય તો બે ટુકડા લવિંગને જરા શેકીને મોંઢામાં રાખો. લાળ બહાર થૂંકતા રહો. તેનાથી ચાંદામાં ફાયદો થશે. શરદી અને તાવની તકલીફ હોય તો બે ટુકડા લવિંગ અને ચાર-પાંચ તુલસીનાં પાંદડાં એક કપ પાણીમાં ઉકાળીને તેમાં મધ નાખીને પીઓ. રાહત મળશે. ડોકમાં દુઃખાવો હોય તો બે ટુકડા લવિંગના વાટીને એક વાટકીમાં સરસવના તેલમાં મેળવીને હળવા હાથે માલિશ કરો. પેટમાં કીડા હોય તો બે ટુકડા લવિંગને વાટીને એક ચમચી મધ સાથે અનેક દિવસો સુધી લો. માથાના દુઃખાવામાં બે ટુકડા લવિંગ અને ચપટી કપૂર વાટીને નારિયેળ તેલમાં મેળવી તેનાથી માથાનું માલિશ કરો. જો તમને સ્ટ્રેસ લાગતો હોય તો બે ટુકડા લવિંગના, તુલસી અને ફૂદીનાનાં સાત-આઠ પત્તા, એક નાનકડી એલચીને પાણીમાં ઉકાળીને તેને પીઓ. જો વાળ સૂકા હોય તો બે લવિંગને અડધા કપ ઑલિવ તેલમાં મેળવીને ધીમા તાપે ગરમ કરી લો. તેને ઠંડું કરીને માથામાં લગાડો.