વિગન ડાયેટ: સ્વાસ્થ્ય માટે ઉપકારક, પણ…

વિગન ડાયેટ એ છેલ્લાં થોડાં વર્ષથી ખૂબ ચર્ચામાં છે. આ ડાયેટને મામલે ઘણી હકારાત્મક તેમ જ નકારાત્મક માન્યતા પ્રવર્તી રહી છે. અમુક નિષ્ણાતોના મતે વિગન ડાયેટ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તો કેટલાકનું એમ પણ માનવું છે કે આ પ્રકારનાં ડાયેટ જોખમી નીવડી શકે છે, કારણ કે એનાથી અમુક પોષક તત્ત્વોની શરીરમાં ઊણપ રહી શકે છે એટલે કે ન્યુટ્રિશનલ ડેફિસિયન્સી થવાના ચાન્સ રહે છે.

– તો, આ બહુચર્ચિત અથવા વિવાદિત વિગન ડાયેટ શું છે? એની શરૂઆત શા માટે અને કેવી રીતે થઈ?

એક સમયે આહારની સ્વીકાર્યતા માટે બે જ પ્રકારના આહાર પ્રચલિત હતા. શાકાહારી (વેજિટેરિયન) અને માંસાહારી (નૉન-વેજિટેરિયન). ત્યાર બાદ એગિટેરિયન  એવો એક શબ્દ આવ્યો, જે લોકો નૉન-વેજ ફૂડ નથી ખાતા, પરંતુ એગ્સ (ઈંડાં) લેતા હોય એમને એગિટેરિયન ગણવામાં આવે છે. આમાં વળી વિગન ક્યાંથી આવ્યું? વિગન એટલે વેજિટેબલ્સ અર્થાત્ પ્લાન્ટ બેઝ્ડ ફૂડ, ફક્ત વનસ્પતિના આધારે બનતો ખોરાક, જેમાં પ્રાણીઓ દ્વારા મળતાં તમામ ખાદ્યો (માંસ, ઈંડાં, મધ અને ડેરી પ્રોડક્ટ્સ સુદ્ધાં)નો ત્યાગ કરવામાં આવે છે.

વિગન આહાર દ્વારા સ્વાસ્થ્યને લગતા ઘણા પ્રકારના ફાયદા જોવા મળે છે. વજન જાળવવામાં તો આ આહાર મદદ કરે જ છે, હૃદયરોગ, ડાયાબિટીસ જેવી સમસ્યા તથા લાંબા સમયથી પેટને લગતી કોઈ બીમારી નિવારવા માટે પણ આ પ્રકારનો આહાર ઉપયોગી છે. વિગન દ્વારા સૅચ્યુરેટેડ ફૅટ અને કૉલેસ્ટરોલ ઘટાડી શકાય છે. એ રીતે હૃદયને લગતા રોગોમાં એ ફાયદેમંદ છે. વિગન ડાયેટ રેસાયુક્ત તેમ જ વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ છે, જેથી જરૂરી પોષક તત્ત્વો એના દ્વારા મળી રહે છે.

વિગન ફૂડ્સ એટલે કે અલગ અલગ પ્રકારનાં ફળો, શાકભાજી, આખાં અનાજ, નટ્સ, બીજ, તેલીબિયાં અને ટોફુ. આલ્મન્ડ મિલ્ક (બદામમાંથી બનતું દૂધ) કે સોયા મિલ્ક તથા એમાંથી બનતાં પનીર (ટોફુ), ચીઝ, વગેરેનો ઉપયોગ વિગન તરીકે કરવામાં આવે છે. વિગન ફૂડ લઈ  રહેલી વ્યક્તિ ઘણી વખત વિટામિન બી-૧૨, વિટામિન ડી-૩ અને આયર્નનાં સપ્લિમેન્ટ્સ લેતી હોય છે, જેથી આ તત્ત્વોની એમને ખામી ન સર્જાય.

હવે પ્રશ્ર્ન એ છે કે અત્યાર સુધી અગર આ પ્રકારના ડાયેટની જરૂર નહોતી તો હવે આવા પ્રકારનો ડાયેટ શા કારણે શરૂ થયો? વિગન શા માટે પસંદ કરાય છે? આની પાછળ ઘણાં કારણ છે, જેમ કે ઘણા લોકો ધાર્મિક માન્યતા અથવા તો પ્રાણી તરફના પ્રેમને કારણે એમની હત્યા કરવાના વિરોધમાં છે અને પ્રાણીજન્ય પ્રોડક્ટ્સનો ત્યાગ કરે છે. અમુક તારણ મુજબ વિગન આહારને કારણે હૃદયને લગતા રોગો, ટાઈપ-ટુ ડાયાબિટીસ અને કેટલાક પ્રકારનાં કૅન્સરમાં રક્ષણ મળે છે. આ ફાયદાને કારણે ઘણા લોકો વિગન પ્રત્યે આકર્ષાય છે. વનસ્પતિ પ્રત્યેના પ્રેમને કારણે પણ આ પ્રકારના ડાયેટને અનુસરવા કેટલાક લોકો પ્રેરાય છે.

આ ઉપરાંત, આ પ્રકારના ડાયેટમાં વનસ્પતિ દ્વારા જ મૅગ્નેશિયમ, ફોલિક ઍસિડ, વિટામિન સી, વિટામિન ઈ તથા સાયટોકેમિકલ્સ મળે છે અને એની અસર સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે થાય છે. આવા બધા પ્રકારનાં પોષક તત્ત્વોથી વિગન આહાર સમૃદ્ધ છે. નટ્સ અને સીડ્સ એ ઓમેગા-થ્રી ફૅટી ઍસિડના ખૂબ સારા સ્રોત છે. અખરોટનો પણ આવા તૈલીય સૂકા મેવામાં સમાવેશ થાય છે. આથી જ એને દરરોજ લેવાનું સૂચવવામાં આવે છે.

વિગન ડાયેટમાં ફૅટનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે વજન ઘટાડવા માટેના ડાયેટ ચાર્ટમાં પણ આહારશાસ્ત્રીઓ દ્વારા અમુક સમય માટે વિગન ડાયેટ પ્લાન કરવામાં આવે છે. આ પ્રકારના પ્લાનને વધારે સમય સુધી ચાલુ ન રાખતાં મર્યાદિત સમય માટે અનુસરવામાં આવે છે, કારણ કે વિગન ડાયેટને વધુ સમય સુધી અપનાવવામાં આવે તો એના દ્વારા કોઈ ન્યુટ્રિયન્ટ્સની ખામી સર્જાઈ શકે છે. વિશેષ તો પ્રાણીજન્ય ખાદ્યોમાંથી મળતું વિટામિન બી-૧૨ એથી આ પ્રકારના ડાયેટ લેતી વ્યક્તિઓને બી-12નાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. આ સિવાય વિટામિન ડી-૩ , કૅલ્શિયમ તેમ જ આયર્ન પણ વનસ્પતિજન્ય ખાદ્યોમાં નહીંવત્ પ્રમાણમાં હોય છે આથી વિગન આહાર લેતી વ્યક્તિઓને ઉપરોક્ત ન્યુટ્રિયન્ટ્સ સપ્લિમેન્ટ્સ સૂચવવામાં આવે છે. આ એ પ્રકારનો આહાર છે કે જે નુકસાન કરતો તો નથી, પરંતુ એને ડૉક્ટર્સ અથવા ડાયેટિશિયનના માર્ગદર્શન હેઠળ લેવાય એ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ડેફિસિયન્સી થવાના ચાન્સ ન રહે.

અગર તમે વેજિટેરિયન ફૂડ લઈ રહ્યા છો અને વિગન ફૂડ શરૂ કરવા ઈચ્છો છો તો એને અચાનક જ શરૂ ન કરતાં ધીરે ધીરે ડેરી પ્રોડક્ટ્સને તમારા આહારમાંથી નાબૂદ કરો. આ માટે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લો, જેથી તમને ડેરી પ્રોડક્ટ્સની અવેજીમાં લઈ શકાતાં ખાદ્યોની માહિતી મળી રહે. શરૂઆતમાં તમારો આખા દિવસનો ડાયેટ પ્લાન તૈયાર કરો, જેમાં સીઝન પ્રમાણે અલગ અલગ પ્રકારનાં ફ્રૂટ્સ અને શાકભાજીની તમારી પસંદગી પ્રમાણેની ઉપલબ્ધતા જાણી લો. તમારા આહારમાં પર્યાપ્ત પ્રમાણમાં આખાં અનાજ, કઠોળ, તેલીબિયાં, બીજ (સીડ્સ)નો સમાવેશ હોવો જરૂરી છે, જેથી પૂરતું પોષણ મળી રહે. આ પ્રકારના ડાયેટમાં જે પોષક તત્ત્વોની ઊણપ રહી જતી હોય એ સપ્લિમેન્ટ્સ દ્વારા લેવાય એનું ખાસ ધ્યાન રાખવું.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)