નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

પ્રશ્ન: હું ઘઉં દળાવતાં પહેલાં એમાં સોયાબીન ઉમેરું છું. મને જાણવા મળ્યું છે કે આ રીતે સોયાબીનનો ઉપયોગ હેલ્થને નુકસાન કરી શકે. તો એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? સોયાબીનનો ઉપયોગ કેટલી માત્રામાં કરી શકાય?

– નિમિષા શાહ (અમદાવાદ)

ઉત્તર: થોડાં વર્ષ પહેલાં સોયાબીન ખાદ્ય પદાર્થ તરીકે બહુ જાણીતી નહોતી, પરંતુ અત્યારે સોયાબીન તેમ જ એનાથી બનતાં ખાદ્યોનો પ્રચાર તેમ જ ઉપયોગ વધ્યો છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત સોયાબીન છે. એમાં પ્રોટીન ઉપરાંત ફાઈબર્સનું પ્રમાણ પણ ઘણું સારું છે. સૅચ્યુરેટેડ ફૅટ ઓછા પ્રમાણમાં રહેલી હોવાથી તેમ જ કૉલેસ્ટરોલ ફ્રી હોવાને કારણે એ હૃદયને લગતી બીમારી, બ્લડ પ્રેશર, વગેરેમાં ફાયદેમંદ છે. ડાયાબિટીસનાં લક્ષણોવાળી વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે છે. લેક્ટોઝ ફ્રી હોવાને કારણે જેને લેક્ટોઝ ઈન્ટોલરન્સ હોય એટલે કે એક પ્રકારની દુગ્ધ શર્કરા પચાવવામાં તકલીફ હોય એ લોકો સોયાબીનના ઉપયોગથી સારું પ્રોટીન મેળવી શકે છે. ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ પણ એમાં રહેલું છે, જે શરીર માટે સારા પ્રકારની ફૅટ પૂરી પાડે અને એચડીએલ  એટલે કે સારા પ્રકારનું કૉલેસ્ટરોલ વધારવા માટે ઉપયોગી છે.

સોયાબીન એ એક પ્રકારની ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જેથી રોગો સામે રક્ષણ અપાવે છે. જો કે સોયાબીનનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં થાય એ જરૂરી છે. રોજ સરેરાશ ૩૦થી ૫૦ ગ્રામ જેટલો વપરાશ થાય ત્યાં સુધી એ સ્વીકાર્ય છે. એમાં સોયાબીન તથા એમાંથી બનતી વાનગી, સોયા મિલ્ક, સોયા ફ્લોર, ટોફુ, વગેરે બધું આવી જાય. આ જુદી જુદી પ્રોડક્ટ પણ અમુક નિર્ધારિત માત્રામાં જ લેવી હિતાવહ છે.

સોયાબીનની પ્રોડક્ટ ઘરે તૈયાર કરવી હોય તો એ માટે અમુક પ્રોસેસ જરૂરી છે, જેથી એમાં રહેલાં આપણા માટે હાનિકારક એવાં ઍન્ટિ-ન્યુટ્રિશનલ ફૅક્ટર દૂર થઈ જાય. આ પ્રોસેસમાં સૌપ્રથમ સોયાબીનને પાણીમાં પાંચ-છ કલાક પલાળી રાખ્યા પછી એનાં ફોતરાં કાઢી ૩૦ મિનિટ સુધી ખુલ્લા વાસણમાં ઉકાળવી જોઈએ. ત્યાર બાદ એને સુકાવા દેવી. સુકાઈ ગયેલી સોયાબીનને તમે તમારી જરૂરત પ્રમાણે ઉપયોગમાં લઈ શકો છો. સોયાબીન સીધી આ પ્રોસેસ વગર ઉપયોગમાં લઈએ તો એ નુકસાનકર્તા બની શકે છે. બજારમાં મળતી સોયાબીનની પ્રોડક્ટ્સમાં પણ આ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. સોયાબીનના પાવડરનો ઉપયોગ બજારમાં મળતાં ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સમાં પણ કરવામાં આવે છે.

પ્રશ્ન: હું ૪૨ વર્ષની છું. મને થોડા સમયથી મારાં રોજિંદાં કામોમાં અરુચિ અને થાક લાગે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. એનું શું કારણ હોઈ શકે?

– ધારા ઠક્કર (વડોદરા)

ઉત્તર: આપણે નિયમિત રૂપે જે પણ આહાર લઈએ છીએ એમાંથી આપણને પોષણ મળે છે. મુખ્ય પોષક તત્ત્વોમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફૅટ, વિટામિન તેમ જ મિનરલ્સનો સમાવેશ થાય છે. રોજ મળતાં ખાદ્યોમાં મોટા ભાગે પોષણની જરૂરત પૂરી થઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત અમુક આદત અથવા આહાર અંગેનું અજ્ઞાન આપણા માટે આ પ્રકારની તકલીફો ઊભી કરે છે.

ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પોષક તત્ત્વોની ખામીને કારણે આ પ્રકારની તકલીફ થઈ શકે છે. વિટામિન ઈ-૬, વિટામિન ઈ-૧૨, વિટામિન ઈ, વિટામિન ડી, આયર્ન, કૅલ્શિયમ, વગેરે ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સીને કારણે થાક લાગવો, કોઈ પણ કામમાં મન ન લાગવું, કંટાળો આવવો, વાળ બરછટ થવા, દાંત નબળા પડવા, કુદરતી હાજતની પ્રક્રિયા અનિયમિત બનવી, વારંવાર બીમાર પડવું, વગેરે અસર જોવા મળે છે.

આ પ્રકારની ખામીથી બચવા માટે આપણે આહારની આદત સુધારવાની જરૂર છે, અન્યથા એની અસર ઉંમર વધવાની સાથે વર્તાય છે.

વિટામિન તેમ જ મુખ્યત્વે મિનરલ્સને લગતી આ ડેફિશિયન્સી નિવારવા માટે સીઝનમાં ઉપલબ્ધ હોય એ દરેક પ્રકારનાં ફ્રૂટ્સ લેવાની આદત પાડવી. આ ઉપરાંત, બીટરૂટ, લીલાં શાકભાજી, બાજરો, ગોળ, તલ, દાળિયા, પૌંઆ, દરેક પ્રકારનાં કઠોળનો નિયમિત ઉપયોગ કરવો. કૅલ્શિયમની ઊણપ સરભર કરવા માટે બદામ, દૂધ અને દૂધની બનાવટોનો નિયમિત ઉપયોગ કરવો. વિટામિન ડીની ડેફિશિયન્સીને કારણે પણ સાંધાના દુખાવા, હાડકાંના દુખાવા, વિકનેસ, વગેરે લાગે છે, જેના માટે વહેલી સવારનો તડકો લેવાની આદત પાડવી. એની ઊણપ નિવારવા માટે વિટામિન ડીનાં સપ્લિમેન્ટ્સ લેવાનું પણ ડૉક્ટર્સ દ્વારા સૂચવવામાં આવે છે. એવી જ રીતે વિટામિન ઈ-૧૨નાં પણ સપ્લિમેન્ટ્સ લેવાં કોઈ વાર જરૂરી બને છે. તમને વધુપડતો થાક લાગતો હોય, સ્ફૂર્તિનો અભાવ વર્તાતો હોય તો એક વાર તમારા રિપોર્ટ્સ કરાવી લેશો, જેના આધારે તમે ટ્રીટમેન્ટ શરૂ કરી શકો.

હેલ્થ ટિપ્સ:

તીવ્ર ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. અમુક વિસ્તારો અત્યારથી હીટ વેવની અસર અનુભવી રહ્યા છે. આ ગાળામાં બહુ તડકામાં બહાર નીકળવાનું ટાળો. બહાર નીકળવું જ પડે એમ હોય તો માથું ઢાંકો. થોડા થોડા સમયે પાણી પીઓ, જેથી શરીર ડિહાઈડ્રેટ ન થઈ જાય. જેમાંથી સારા પ્રમાણમાં પાણી મળે એવાં ફળ તથા શાકભાજી પણ લેવાનું રાખો.

નોંધ: પ્રિયદર્શિનીના આ વિભાગના નિષ્ણાત પાસેથી તમારે કોઈ સમસ્યાનો ઈલાજ જાણવો હોય તો 7208723543 નંબર પર વ્હૉટ્સઍપ કરો અથવા ઈ-મેલ કરો: editorial@chitralekha.com