ડાયેટિંગ કરવા છતાં વજન ઘટતું નથી, કારણ કે…

પ્રશ્ન: ઘણા વખતથી હું ડાયેટિંગ કરું છું. શરૂઆતમાં મારું વજન ઘટી રહ્યું હતું, પરંતુ હવે વજન ઓછું થતું અટકી ગયું છે. એનું કારણ શું હોઈ શકે?
– મેઘા પંડિત (પુણે)

ઉત્તર: તમે ડાયેટ ફોલો કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારું વજન તબક્કાવાર ઘટે એ જરૂરી છે. પહેલા મહિનામાં બે-ત્રણ કિલો અને એ પછી ધીરે ધીરે મહિને સરેરાશ અડધાથી દોઢ કિલો જેટલું વજન ઊતરે એ સ્વીકાર્ય છે. ઘણી વખત એકસાથે વધુ વજન ઉતારવાના પ્રયત્નમાં શરીર પર વિપરીત અસર થાય છે. વળી, આ રીતે થોડા મહિના સુધી જ વજન ઊતરે છે.

વજન ઘટાડવાની પ્રક્રિયા સાથે ઘણાં પરિબળ ભાગ ભજવે છે. મેદસ્વીતા (ઓબેસિટી) વારસામાં મળી હોય તો તમે વજન ઘટાડી તો શકો, પરંતુ આદર્શ વજન ન પણ મેળવી શકો, કારણ કે કોઈ વ્યક્તિ પોતાનું વજન ઉતારવાનો પ્રયત્ન કરે ત્યારે એનું શરીર ભૂખને ઍડ્જસ્ટ કે કન્ટ્રોલ કરવા મથે છે. જો કે આનુવંશિક વલણને કારણે એક તબક્કા પછી તમારું વજન ઘટી શકતું નથી.

થોડા થોડા સમયે વજન ઊતરવું જ જોઈએ એવો મોહ છોડીને સ્વાસ્થ્ય જળવાઈ રહે એનું ધ્યાન રાખો. અલબત્ત, વજન હવે ઊતરતું નથી એવું માનીને ડાયેટ ફોલો કરવાનું બંધ કરશો તો પાછું વજન વધી જશે.

પ્રશ્ન: હું ઈન્ટિરિયર ડિઝાઈનર છું. મારી ઉંમર ૫૬ વર્ષ છે. હાઈટ આશરે છ ફૂટ અને વજન ૯૦ કિલો છે. મને પ્લાન્ટર ફેશિયાની તકલીફ છે, જેથી મારી બન્ને એડી (હિલ્સ)માં સતત દુખાવો રહે છે. વધારે સમય સુધી ઊભા રહેવામાં, ડ્રાઈવિંગમાં, દાદરા ચઢવામાં મને તકલીફ થાય છે. હું વધુ ચાલી શકતો નથી અને મારું વજન પણ વધી રહ્યું છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
– મોહિત શાહ (બોરીવલી-મુંબઈ)

ઉત્તર: પ્લાન્ટર ફેશિયા એ એક પગના તળિયામાં રહેલા ટિશ્યૂ છે, જે આપણી એડીથી લઈને પગની આંગળીઓ સુધી જોડાયેલા હોય છે. વ્યક્તિનું વજન વધુ હોય, પગના તળિયામાં ઈજા અથવા ફ્રેક્ચર થયું હોય કે પછી પગનું માળખું થોડું અલગ હોય તો એડીમાં દુખાવો થઈ શકે છે, જેને પ્લાન્ટર ફેશિયાટિસ કહે છે. લાંબો સમય ખોટી સાઈઝનાં જૂતાં પહેરવાને કારણે કે વધુપડતી એક્સરસાઈઝ કરવાને કારણે પણ એ થઈ શકે. વધુ ઊભા રહેવાથી કે વધુ ચાલવાથી દુખાવો વધી જાય. આ દુખાવો ઘટાડવા માટે ઍક્યુપ્રેશર અસરકારક થઈ શકે છે. પગમાં મસાજ પણ નિયમિત રીતે કરવામાં આવે તો એમાં રાહત થાય છે.

આ સ્થિતિમાં આહારમાં પણ થોડા ફેરફાર દ્વારા આ દુખાવો કે બળતરા દૂર કરી શકાય છે. એ માટે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ફૂડ્સ તેમ જ વિટામિન્સ અને મિનરલ્સનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પાલક, મેથી, તાંજળિયો સહિતની લીલી ભાજી તેમ જ સંતરાં, દ્રાક્ષ અને લીંબું જેવાં ખટાશવાળાં ફ્રૂટ્સ તથા હળદર, આદું, તજ, વગેરે પણ ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ખાદ્યો છે. ઓમેગા-થ્રી ફૅટી ઍસિડયુક્ત ફ્લેક્સ સીડ, ચિયા સીડ્સ, વગેરેનો પણ ઉપયોગ કરી શકાય. અગર વજન વધુ છે તો એને ઓછું કરવા માટે લો ફૅટ તેમ જ લો કૅલરી આહાર લેવો. સુગર બને એટલી ઘટાડવી. આ ઉપરાંત, નિયમિત એક્સરસાઈઝ કરવી, સારી બ્રાન્ડનાં શૂઝ પહેરવાં તેમ જ પગના તળિયાની સંભાળ રાખવી પણ જરૂરી છે.

પ્રશ્ન: મને ઍસિડ રિફ્લક્સને કારણે ઘણા સમયથી કફ તેમ જ ખાંસીની તકલીફ થઈ ગઈ છે. એને લીધે હું સરખું જમી પણ શકતી નથી. મારી ભૂખ ઓછી થતી જાય છે. ઍસિડ રિફ્લક્સમાં રાહત આપે એવા ખાદ્ય પદાર્થ સૂચવશો?
– હેતલ કોટેચા (લંડન)

ઉત્તર: પાચનમાં મદદ કરતું ઍસિડ અથવા બાઈલ જ્યુસ પેટથી અન્નનળી (ફૂડ પાઈપ) તરફ ઉપર આવે એને ઍસિડ રિફ્લક્સ કહે છે, જેને લીધે ઍસિડિટી, છાતીમાં દુખાવો, મોઢામાં કડવાશ તથા ડ્રાય કફ જેવાં લક્ષણ જોવા મળે. અનિયમિત સમયે કે એકસાથે વધુપડતો આહાર લેવાની આદત, જમ્યા પછી તરત સૂઈ જવાની ટેવ, તીખો, તળેલો કે ખટાશયુક્ત આહારનો નિયમિત ઉપયોગ, વગેરે એનાં મુખ્ય કારણ છે.

એ નિવારવા માટે પહેલાં તો તમારું આદર્શ વજન જાળવી રાખો, દારૂ-સિગારેટની આદત હોય તો એ બંધ કરો. સૂતી વખતે માથાને થોડું ઉપર તરફ (હેડ અપ) રાખો, ડાબા પડખે સૂવાની આદત પાડો. સૂવાના સમયના બે કલાક પહેલાં ભોજન લઈ લો. ખોરાક વ્યવસ્થિત ચાવીને આરોગવાની આદત કેળવો. ચાલતાં કે હરતાં-ફરતાં ખાવાની આદત હોય તો એને બદલે શાંતિથી બેસીને જમો. તીખો, તળેલો કે વધુપડતો ખટાશયુક્ત આહાર લેવાનું ટાળો. વારે ઘડીએ કાંઈ ને કાંઈ ખાવાની આદત હોય તો એની જગ્યાએ ફક્ત ત્રણ મુખ્ય આહાર લો. સરખું પાણી પીવો. ઓછી ચરબીયુક્ત હળદરવાળું દૂધ અથવા હર્બલ ટીનો ઉપયોગ કરો.

વરિયાળી-સાકરનું શરબત પણ આ સ્થિતિમાં રાહત આપશે. એ ઉપરાંત, લીલાં શાકભાજી, પપૈયાં, સફરજન, તરબૂચ, કેળાં, ચીકુ ખાવાનું રાખો. સારા પ્રકારનું પ્રોટીન ધરાવતો આહાર નિયમિત લેવો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)