હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આપણી ધાર્મિક માન્યતામાં હોળીનું ખૂબ મહત્ત્વ છે. આ પર્વમાં આપણે હોળીમાતા એટલે કે અગ્નિદેવતાને ધાણી, રેવડી, ગજક, દાળિયા, ખજૂર, વગેરે ધરાવીએ છીએ. આ ખાદ્ય પદાર્થ હોમવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણે આ વિધિ દ્વારા કુદરતનો આભાર માનીએ છીએ કે એ આપણને પોષણયુક્ત ખાદ્યો બક્ષે છે, જેના દ્વારા આપણું જીવન સંભવ છે.
હોળીના અગ્નિમાં હોમવામાં આવતા પૂજાપા એટલે કે કપૂર, એલચી, લવિંગના ઉપયોગથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે. સાથે સાથે સૂક્ષ્મ જીવાણુ, મચ્છર, વગેરેનો પણ નાશ થાય છે. આ ઋતુસંક્રમણના સમયે ઘણા પ્રકારના માઈક્રો-ઑર્ગેનિઝમ્સ તેમ જ મચ્છરનો ઉદ્ભવ થતો હોય છે. અગ્નિમાં હોમવામાં આવતી પૂજાપાની સામગ્રીના ઉપયોગથી એનો નાશ થાય છે. નૅચરોપેથી મુજબ ગિલોઈ, લીમડો, લોબાન, વગેરેમાં પણ ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટી રહેલી છે. બળતણ તરીકે એના ઉપયોગથી પણ ઘણા નુકસાનકારક બૅક્ટેરિયા તેમ જ વાઈરસ ઘટે છે.
હોળીનો તહેવાર એ ગરમીના આગમનની એંધાણી છે અને શિયાળાનો અંત. આથી જ આવા ઋતુપરિવર્તનના સમયે તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. આખા વર્ષમાં પાક સારા થાય અને આપણને પોષક આહાર મળે એ માટે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરી શકીએ તેમ જ રોગોને નિર્મૂળ કરીને આપણું શરીર શુદ્ધ કરી શકીએ એ દૃષ્ટિએ હોળીની પૂજાવિધિ ઘણું મહત્ત્વ ધરાવે છે. વર્ષોથી આપણે ત્યાં આ જ કારણસર અગ્નિની પૂજા થાય છે અને હોળીના પ્રતીક તરીકે આ વિધિ આપણી પરંપરામાં સંકળાઈ ગઈ છે.
ઘણાં ઘરોમાં હજી પણ હોળીના દિવસે અગ્નિનાં દર્શન બાદ જ ભોજન લેવાય છે. આખો દિવસ ઉપવાસ કર્યા બાદ તહેવારને અનુરૂપ ભોજન-મિષ્ટાન્ન બને છે, જેમાં (પ્રાંત વાર) ગુજિયા, પૂરણપૂરી, માલપૂવા, દહીંભલ્લા, ઠંડાઈ જેવી પારંપરિક વાનગી બનાવવામાં આવે છે. આ બધી વાનગી ઉપરાંત એવા પણ અમુક ખાદ્ય પદાર્થ છે જે આ સમયે લેવાય છે અને એને આવા સમયે લેવાના હેલ્થ બેનિફિટ્સ પણ છે. ફાગણના આ મહિનામાં, ખાસ તો હોળી સમયે ધાણી, દાળિયા, ખજૂર, પતાસાં, વગેરે ખાવાનું મહત્ત્વ છે, કારણ એ કે આ સીઝનમાં એ ખાવાથી શરીરને લાભ થાય છે, જેમ કે ધાણી એ કફ મટાડનાર છે. એ રેસાયુક્ત તેમ જ પોષક મૂલ્ય ધરાવે છે. બાળકોથી લઈને દરેક ઉંમરની વ્યક્તિને ધાણી પસંદ આવે છે. એમાં રહેલું ફેનોલિક ઍસિડ એ એક પ્રકારનું ઍન્ટિઑક્સિડન્ટ છે. આ ઋતુમાં એ ઉપયોગમાં લઈ શકાય એવો આદર્શ નાસ્તો છે.
ખજૂરની પ્રકૃતિ થોડી ગરમ છે એથી એ શરીરના તાપમાનનું નિયમન કરવામાં ઉપયોગી થશે. ખજૂર પાચન સુધારે છે એટલે એ ખાવાથી ઋતુપરિવર્તન દરમિયાન પાચનમાં તકલીફ થતી નથી. આ ઉપરાંત, શરીરને શક્તિ આપવાના અને આયર્ન જાળવવાના એના ગુણધર્મો તો ખરા જ. ખજૂર સાથે બૅલેન્સ કરવા માટે પતાસાં લેવામાં આવે છે, એ ઠંડક પ્રદાન કરે છે. આમ અત્યારે જ્યારે કે બે પ્રકારની સીઝન એકસાથે છે ત્યારે આ બન્ને પ્રકારના ખાદ્યોનું મિશ્રણ આપણા શરીરને ફાયદારૂપ રહેશે. પ્રોટીન તેમ જ ફાઈબર્સનો સમૃદ્ધ સ્રોત એવા દાળિયા પણ અત્યારે ઉપયોગમાં લેવા, કારણ કે દાળિયા પણ ધાણીની જેમ કફ મટાડે છે એટલે આ સીઝનમાં એનો ચોક્કસ ઉપયોગ કરવો.
આ દિવસોમાં કોલ્ડ ડ્રિન્ક્સ, આઈસક્રીમ, સોડા, વગેરેનો ઉપયોગ ઓછો કરવો. હા, શેરડી કે એનો રસ લઈ શકાય, પણ એ ચોક્કસપણે બરફ વગરનો હોવો જરૂરી છે. હોળીના તહેવારમાં ઠંડાઈનું પણ અલગ જ મહત્ત્વ છે. દૂધમાં સાકર, વરિયાળી, ડ્રાયફ્રૂટ્સ, કેસર, વગેરે નાખીને તૈયાર કરવામાં આવતી ઠંડાઈ એ સ્વાદ તેમ જ ન્યુટ્રિશનનું ફુલ પૅકેજ છે. રાજસ્થાનમાં તો ઠંડાઈ વગર હોળીને અધૂરી માનવામાં આવે છે. દૂધ, સાકર, વરિયાળી, વગેરે ગળું (થ્રોટ) સાફ રાખવા માટે ઉપયોગી છે.
આ સીઝનમાં ત્વચાને લગતી બીમારી થવાના ચાન્સ પણ વધુ રહે છે આથી સ્કિનને સાફસૂથરી રાખવી, જેના માટે હળવું મોશ્ર્ચરાઈઝર વાપરી શકાય તથા મસાજ કરી શકાય. ચણાના લોટના ઉપયોગથી પણ ત્વચા ચોખ્ખી રાખી શકાય. કેસૂડાનાં પાનને પાણીમાં પલાળી રાખી એનું સ્નાન પણ ત્વચાને લગતા રોગોથી મુક્ત રાખશે. એનાં ફૂલ સલ્ફર રિચ હોય છે એટલે એ ચામડીના રોગોમાં રાહતદાયક છે. કેસૂડો આ સીઝનમાં જ ઊગે છે. કેસૂડાનાં ફૂલને સૂકવીને એનો પાવડર પણ બ્યુટી-કૅર માટે કરી શકાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારની દવામાં પણ કરવામાં આવે છે.
ઋતુ પ્રમાણે શરીરને પણ આહારમાં બદલાવની જરૂર હોય છે, જેથી આપણે હેલ્ધી રહી શકીએ. આથી જ આપણી ધાર્મિક માન્યતા અને પરંપરા પણ જે-તે સમયે ચોક્કસ પ્રકારના આહાર લેવાનું સૂચવે છે. રંગોના આ ઉત્સવમાં આધ્યાત્મિક તેમ જ આહારકીય બાબતોને ધ્યાનમાં રાખીએ અને આ તહેવારને ઊજવીએ, જેથી પ્રદૂષણમુક્ત રહીને આ સમયની પૌષ્ટિક ખાદ્ય સામગ્રીના ઉપયોગથી સારું સ્વાસ્થ્ય મેળવી શકીએ.
બધા વાચકોને હૅપ્પી ન્યુટ્રિશિયસ હોળી…
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
