કાળઝાળ તાપમાં શરીરને ‘પાણીદાર’ કેમ રાખશો?

પ્રશ્ન: ગરમીની સીઝનમાં શરીરને ઠંડક મળે અને લૂ ન લાગે એ માટે શું ધ્યાન રાખી શકાય? એવાં કોઈ સ્પેશિયલ પીણાં ખરાં? દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?

– વૈભવી શાહ (ભરૂચ)

ઉત્તર: ગરમીથી બચવા માટે સૌપ્રથમ તો લાઈટ કૉટનનાં કપડાં પહેરવાં. જરૂર સિવાય તડકામાં બહાર ન નીકળવું અને નીકળવું પડે તો ચહેરો અને હાથ બન્ને વ્યવસ્થિત કૉટન કપડાંથી કવર કરવા. એ ઉપરાંત, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, કારણ કે પાણી એ લૂથી રક્ષણ આપવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર લિટર પાણી જરૂરી છે. એને લીધે શરીરનું ટેમ્પરેચર નૉર્મલ રાખવામાં મદદ મળશે. ડિટોક્સ વૉટર પણ શરીરને ઠંડક પ્રદાન કરવા માટે લઈ શકાય. પાણીની બૉટલમાં લેમન સ્લાઈસ તથા ફુદીનો ઉમેરી એકથી બે કલાક રાખવાથી ડિટોક્સ વૉટર તૈયાર થઈ જશે. કાકડી, સક્કરટેટી, સંતરાં, કલિંગરમાંથી પણ ડિટોક્સ વૉટર બનાવી શકાય, જે ડિહાઈડ્રેશનથી બચવામાં મદદ કરી શકશે.

Infused water for detoxing your body with lemons, spearmint, melissa and ginger

એ સિવાયના વિકલ્પો છે નાળિયેરપાણી, લીંબુ શરબત, છાશ, લસ્સી, જલજીરા, કાળી દ્રાક્ષનું પાણી તેમ જ આમ પ્ન્ના એટલે કે કાચી કેરીનો બાફલો. આ બધાં ગરમીથી રક્ષણ આપનારાં પ્રવાહી છે, જેનો ઉપયોગ તમે લૂથી બચવા કરી શકશો. જ્યૂસી ફ્રૂટ્સ પણ ગરમીમાં ઠંડક આપે છે. ડુંગળીમાં સનસ્ટ્રોકથી બચાવવાનો ગુણધર્મ છે તો આવા સમયે ડુંગળી (કાંદા)નો પણ સૅલડમાં ઉપયોગ કરી શકો. બને ત્યાં સુધી નૉનવેજ ફૂડ કે બહુ તીખા અને તળેલા પદાર્થ ન લેવા તેમ જ સુગરી ડ્રિન્ક્સ પણ ટાળવાં.

પ્રશ્ન:: મારી 20 વર્ષની દીકરીને પિરિયડ દરમિયાન ખૂબ દુખાવો થાય છે, એનું કારણ શું? એ નિવારવા અથવા ઘટાડવા માટે કોઈ ડાયેટ છે?

– દીના દેસાઈ (વડોદરા)

ઉત્તર: મેન્સ્ટ્રુઅલ પેઈન એટલે કે માસિક સમયે થતા દુખાવાનાં ઘણાં કારણ હોઈ શકે. આ પ્રકારના પેઈનને ડિસ્મેનોરિયા કહેવાય છે. સ્ત્રીઓના યુટ્રસમાં પ્રોસ્ટાગ્લેડિન નામનું કેમિકલ હોય છે. એનું પ્રમાણ વધી જવાથી પણ આ પ્રકારનો દુખાવો થાય છે. કોઈક વાર એન્ડોમેટ્રિઓસિસ, ફાઈબ્રોઈડ્સ, વગેરેને કારણે પણ પિરિયડ ક્રૅમ્પ્સ થતા હોય છે. આ પ્રકારના દુખાવાનાં કારણ છે સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, અમુક પ્રકારની દવા તથા અનહેલ્ધી ફૂડની આદત. ઘણી વખત જન્મથી જ યુટ્રસનો આકાર પણ પિરિયડ દરમિયાન દુખાવાનું કારણ બની શકે.

આવી સ્થિતિને અથવા દુખાવાને અટકાવવા માટે કોઈ ખાસ આહારપદ્ધતિ નથી, પરંતુ મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, ઝિંક જેવાં મિનરલ્સ તેમ જ વિટામિન બી૬, બી૧, વગેરે વિટામિન્સના ઉપયોગથી રાહત મેળવી શકાય છે.

ડાર્ક ચૉકલેટ, આદું, હળદર, નટ્સ, ફિશ, લીલી ભાજી, દહીં ઉપરાંત કેળું, પપૈયા જેવાં ફ્રૂટ્સનો ઉપયોગ આ સમયે કરવો. આ બધાં ખાદ્યોમાં મિનરલ્સ તેમ જ વિટામિન્સનો સારો સ્રોત છે.

વધુ નમકયુક્ત પદાર્થ વૉટર રિટેન્શન એટલે કે શરીરમાં પાણીની માત્રાની વધ-ઘટ કરી શકે છે. વધુ ગળપણયુક્ત ખાદ્યોથી પણ આ પ્રકારનું પેઈન વધી શકે છે. તળેલા તેમ જ વધુ ફૅટવાળાં ખાદ્યો (બટર, ક્રીમ, વેફર્સ, નૉનવેજ, વગેરે)થી ઍસિડિટી થવાના ચાન્સ રહે છે. તો વધુપડતા તીખા પદાર્થોથી પાચન ખરાબ થવાના તેમ જ ઍસિડ રિફ્લક્સ થવાની શક્યતા છે આથી ઉપરોક્ત ખાદ્યો મેન્સ્ટ્રુએશન પેઈન રહેતું હોય એ સમયે ન લેવા. સારી માત્રામાં પાણી પીવું. આ સમયે પૂરતો આરામ થાય એ પણ એટલું જ જરૂરી છે.

પ્રશ્ન:: મને હમણાં જાણવા મળ્યું છે કે બાજરાનો રોટલો નિયમિત ખાવાથી ગરમ પડે છે. જો કે ઘણા ગામવાસીઓ રોજ બાજરો ખાય છે તો એમને કેમ તકલીફ થતી નથી?

– આંચલ પ્રજાપતિ (આણંદ)

ઉત્તર: બાજરો એ પચવામાં થોડો ભારે હોય છે. આ આદર્શ ધાન્યને પચાવવા માટે એની સાથે ચોખ્ખું ઘી, દૂધ અથવા છાશની જરૂર છે. આ બધાનો બાજરાના રોટલા સાથેનો સમન્વય જ એના પાચનમાં મદદ કરી શકે. તમે બાજરાનો ઉપયોગ ભોજનમાં કરી રહ્યા છો તો તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી આથી અગર તમને દિવસ દરમિયાન ચારથી પાંચ વખત થોડું થોડું ખાવાની આદત છે તો તમને બાજરો અનુકૂળ નહીં આવે. બેઠાડુ જીવન એટલે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય એ લોકો નિયમિત બાજરાનો ઉપયોગ કરે તો એમને પાચનમાં સમસ્યા થઈ શકે છે.

તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંનું વાતાવરણ પણ તમારા આહારને અસર કરે છે. ભેજયુક્ત વાતાવરણવાળા એરિયામાં આ પ્રકારનાં ધાન્ય પચાવવામાં તમને તકલીફ પડી શકે, એનું કારણ એ કે બાજરો એ મૂળ તો સૂકા પ્રદેશનું ધાન્ય છે અને એવી જગ્યાની આબોહવા બાજરો પચાવવા માટે અનુકૂળ છે. આવા પ્રદેશ સિવાયની જગ્યાએ રહેતા લોકો જવારનો ઉપયોગ કરી શકે અથવા બાજરો અને જવાર ભેળવીને એના રોટલા બનાવી શકે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)