પ્રશ્ન: મારા મૅરેજ ફેબ્રુઆરીમાં છે, મેં બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી છે. ચહેરા પર નૅચરલ ગ્લો લાવવા તેમ જ આ સમયે સ્ફૂર્તિલાં રહેવા માટે મારે કેવો ડાયેટ લેવો જોઈએ?
– ધૃતિ ભટ્ટ (બેંગલુરુ)
ઉત્તર: લગ્ન સમયે ભાગાદોડી વધે એ સાહજિક છે અને એટલે થાક તથા ઉજાગરાને કારણે ચહેરા પર ડલનેસ આવી જાય છે. અત્યારે તો પાર્લરમાં બ્રાઈડલ પૅકેજ હોય છે, જેમાં એકાદ મહિના પહેલાં જ સ્કિન પર ગ્લો લાવવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વપરાય એ ખાસ જરૂરી છે, જેથી કેમિકલની આડઅસરથી બચી શકાય.
બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સિવાય ઘરઘથ્થુ પોષણકીય ઉપચાર દ્વારા પણ ત્વચાની રૂક્ષતાથી બચી શકાય. સ્કિન પર ગ્લો લાવવા માટે સૌથી પહેલાં તો ચિંતામુક્ત રહેવું તેમ જ પૂરતી ઊંઘ લેવી. સવારના ઊઠતાંની સાથે હૂંફાળું પાણી લીંબુ તેમ જ મધ નાખીને પીવું. આવા હૂંફાળા પાણી દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નિકાલ થાય છે. લીંબુ તેમ જ મધમાં વિટામિન સી અને ઍન્ટિઑક્સિડન્ટ્સ છે, જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરશે.
મૅરેજના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં હેલ્ધી ડાયેટની શરૂઆત કરવી, કારણ કે આહાર દ્વારા પરિણામ આવતાં થોડો સમય લાગે છે. જો કે એની અસર પણ લાંબો સમય રહે છે. દિવસ દરમિયાન સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. રોજનું ૧૨થી ૧૪ ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખવા માટે તથા સ્કિનને રૂક્ષ (ડ્રાય) બનતી બચાવવા માટે જરૂરી છે. ફ્રૂટ જ્યુસ, વેજિટેબલ જ્યુસ અથવા તો સૂપનો ભરપૂર ઉપયોગ કરવો. ગાજર, બીટરૂટ, સફરજન, દાડમ, કાકડી, લીંબુ, એલોવેરા, ચેરી, વગેરે વેજિટેબલ્સ તેમ જ ફ્રૂટ્સ સ્કિનને ગ્લો અપાવે છે આથી એનો નિયમિત ઉપયોગ કરો.
સ્કિનને હેલ્ધી રાખવા ઓમેગા-થ્રી ફૅટી ઍસિડવાળાં ફૂડ્સ, જેવાં કે ફ્લેક્સ સીડ્સ, અખરોટ, બદામ, વગેરેનો ઉપયોગ કરી શકાય. વધુપડતા તીખા તેમ જ તળેલા આહાર ન લેવાય એ આ સમયે જરૂરી છે. બને ત્યાં સુધી બહારના અનહેલ્ધી આહાર ટાળવા.
પ્રશ્ન: મારી જૉબમાં મારે ઘણી વખત મહિનાઓ સુધી નાઈટ ડ્યુટી કરવાની રહે છે, જેને કારણે મારો જમવાનો સમય નક્કી રહેતો નથી. એને કારણે મને પેટમાં ગરબડ રહે છે. આવી સ્થિતિમાં મારે હેલ્થી રહેવા શું કરવું જોઈએ?
– હિરેન અઢિયા (વડોદરા)
ઉત્તર: સામાન્ય રીતે આપણી સવારથી સાંજ કામ કરવું અને રાત્રે આરામ કરવો એવી દિનચર્યા હોય છે, જેમાં ફેરફાર થવાને કારણે આહારમાં ધ્યાન રાખી શકાતું નથી, જેથી મેટાબોલિક તેમ જ હોર્મોનલ ફેરફાર જોવા મળે છે, જેની આડઅસર રૂપે વજનમાં ઓચિંતો વધારો, સ્કિન ડ્રાય થવી, આંખ પાસે ડાર્ક સર્કલ્સ થવાં, પિમ્પલ્સ, વાળ સફેદ થવા, કૉન્સ્ટિપેશન, ગૅસ, ઍસિડિટી સહિતની પાચનને લગતી અસર થઈ શકે છે.
સામાન્ય રીતે મોડી રાત સુધી જાગતી વ્યક્તિ રાતે આહાર લેવાનું ટાળે છે, પણ ઊંઘ ન આવે એ માટે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્ક્સ તેમ જ ઑઈલી સ્નૅક્સ લે છે. એને કારણે ડાઈજેશનને લગતી તકલીફ થાય છે. અગર રાતે કામ કરવાનું છે તો એ બાબતનું ચોક્કસ ધ્યાન રહે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ મળી રહે. દિવસના સમયે બને ત્યાં સુધી ભારે લંચ લેવાનું ટાળવું. તમારા કામ પર જવાના સમય પહેલાં થોડું વ્યવસ્થિત ડિનર લઈને કામે જવું, જેમાં ભારે ડિનર ન લેતાં હળવો તેમ જ પેટ ભરાય એવો આહાર લેવો. રાત્રે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્કના ઉપયોગથી પિત્ત તેમ જ ઍસિડિટી થવાના ચાન્સ વધે છે એટલે એ લેવાનું ટાળવું. એને બદલે જ્યુસ, નાળિયેરપાણી, સૂપ, લેમન વૉટર લઈ શકાય.
રાત્રે તળેલા સ્નૅક્સની જગ્યાએ શીંગ, દાળિયા, પૉપકૉર્ન, ખાખરા, મમરા જેવા હળવા સ્નૅક્સ સ્ફૂર્તિદાયક રહેશે. પુષ્કળ પાણી પીવાની આદત રાખવી, જેથી ડાઈજેશનને લગતી તકલીફ ન રહે.
પ્રશ્ન: હું શિયાળામાં મારા ફૅમિલી માટે રોજ સવારે વેજિટેબલ્સના જ્યુસ બનાવું છું, એને પૌષ્ટિક બનાવવા એમાં શું શું ઉમેરી શકાય?
– બીના પટેલ (અમદાવાદ)
ઉત્તર: શિયાળાની સવાર એટલે વેજિટેબલ્સ અને જ્યુસ માટેનો આઈડિયલ સમય. આ સીઝનમાં તાજાં વેજિટેબલ્સ ઘણા વિકલ્પ સાથે મળે છે. તમારી જરૂરત મુજબ તમે વેજિટેબલ્સનો ઉપયોગ કરી શકો. મુખ્યત્વે જ્યુસમાં આંબળાં, ફુદીનો, બીટરૂટ, ગાજર, દૂધી, વગેરેનો ઉપયોગ થતો હોય છે, જે હિમોગ્લોબિનની માત્રા સુધારવા ઉપરાંત પાચન માટે અને હાઈપરટેન્શનની તકલીફવાળી વ્યક્તિ માટે ગુણકારી છે. આવા જ્યુસમાં વધુ ઍન્ટિઑક્સિડન્ટ ઉમેરવા માટે એમાં લીલી હળદર, આદું ઉમેરી શકીએ. સ્વાદ સ્વીકાર્ય બનાવવા એમાં ઑરેન્જ અથવા મોસંબી પણ ઉમેરી શકાય. ડાયાબિટીસ હોય એવા લોકો બીટરૂટ કે ફ્રૂટ ન ઉમેરે એ જરૂરી છે, અન્યથા સુગર વધવાના ચાન્સ રહે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ વેજિટેબલ્સ જ્યુસમાં મેથી કે કારેલાં ઉમેરી શકે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
