એક જૂની કહેવત પ્રમાણે સ્વાસ્થ્ય જાળવવા માટે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ, જ્યારે ડિનર ભિક્ષુકની જેમ એટલે કે મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. આ કહેવત દ્વારા બ્રેકફાસ્ટ સારી રીતે પેટ ભરીને કરવાનું સૂચવવામાં આવ્યું છે. સવારના સમયે કરેલો હેલ્ધી બ્રેકફાસ્ટ શરીરને આખા દિવસ માટેની ઊર્જા આપે છે તેમ જ દિવસભરનાં કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. એવી રીતે પેટ ભરીને સવારનો નાસ્તો શારીરિક તેમ જ માનસિક બન્ને પ્રકારની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે.
બ્રેકફાસ્ટ એટલે બ્રેક યૉર ફાસ્ટ. ફાસ્ટ મતલબ ઉપવાસ અને બ્રેક એટલે તોડવું. રાત્રે આઠ-નવ વાગ્યાની આસપાસ ભોજન કર્યા બાદ વળતી સવાર સુધી એટલે કે લગભગ દસથી 12 કલાક આપણે કશું ખાતાં નથી. રાતની ઊંઘ દરમિયાન શરીરની એનર્જી બર્ન થઈ જાય છે. સવારે ઊઠીએ ત્યારે પેટ સાવ ખાલી હોય છે. આ કારણે પણ સવારનો નાસ્તો ખૂબ મહત્ત્વનો છે, જેનાથી દિવસભર શરીર અને મગજ સંતુષ્ટ રહે છે. સવારે નાસ્તો કરવાથી બૉડીમાં હૅપ્પી હોર્મોન્સ ઉત્પ્ન્ન થાય છે, જે માણસને કામ કરવાની શક્તિ આપે છે આથી સવારે નાસ્તો કરવાનું ટાળવું ન જોઈએ. ઘણા લોકો વજન ન વધવા દેવાને કારણે પણ બ્રેકફાસ્ટ કરતા નથી, પરંતુ સવારનો નાસ્તો તો આપણને આદર્શ વજન જાળવવામાં મદદ કરે છે.
ધારો કે આપણે સવારે નાસ્તો ન કરીએ તો એ પછી ખાતી વખતે પેટ તદ્દન ખાલી હોવાને કારણે ઓવરઈટિંગ થઈ શકે છે, એનાથી મેદસ્વિતાની સમસ્યા પણ થાય છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. સવારનો નાસ્તો ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બ્રેકફાસ્ટ તમારું ચયાપચય (ડાઈજેશન) સુધારે છે, જેના દ્વારા તમે કૅલરી બર્ન કરી શકો છો તેમ જ લેવાયેલાં પોષક તત્ત્વોનો પૂરતો ઉપયોગ કરી શકો છો.
સમયની પ્રતિકૂળતાને કારણે અથવા તો ઘણી વખત સવારનો નાસ્તો અનુકૂળ ન હોવાને કારણે ઘણા લોકો બ્રેકફાસ્ટ કરવાનું ટાળતા હોય છે, પરંતુ સવારનો નાસ્તો કરવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે. અમુક અભ્યાસના તારણ મુજબ તો નિયમિત બ્રેકફાસ્ટ લેવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે તથા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અગર ડાયાબિટીસ ન હોય તો એ રોકવા માટે પણ બ્રેકફાસ્ટ મહત્ત્વપૂર્ણ છે. આમ, સામાન્ય રીતે નાસ્તો કરવાથી તમારા શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્યનાં વિવિધ પાસાં પર સકારાત્મક અસર પડે છે, જે સ્વસ્થ જીવનશૈલી માટે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
બ્રેકફાસ્ટના ફાયદા દ્વારા આપણે એનું મહત્ત્વ તો જાણ્યું, પરંતુ હેલ્ધી બ્રેકફાસ્ટ કેવા પ્રકારનો હોવો જોઈએ? તો જાણી લો, શિરામણ એટલે કે નાસ્તો પૌષ્ટિક હોવો જોઈએ, જેમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન તેમ જ વિટામિનના સમન્વયવાળો સવારનો આહાર આપણને આખો દિવસ સ્ફૂર્તિ અપાવશે. દૂધ સાથે સિરિયલ્સ, ડ્રાયફ્રૂટ્સ અથવા ફ્રૂટ તેમ જ સીડ્સનું મિશ્રણ પોષકતામાં વધારો કરશે. દૂધ અથવા યોગર્ટ (દહીં) સાથે કૉર્નફ્લેક્સ, ઓટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સનો સમાવેશ હોય એવો મ્યુસલી જેવો બ્રેકફાસ્ટ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. સાથે સીઝનલ ફ્રૂટ કમ સે કમ 100 ગ્રામ સારું વિટામિન્સ તેમ જ મિનરલ્સ અપાવશે. અગર ભારતીય ટ્રેડિશનલ હેલ્ધી નાસ્તાની વાત કરીએ તો, ઉપમા અને પૌંઆ એ ઑલ ટાઈમ ફેવરીટ ડિશ છે. આ ઉપરાંત, બાફેલાં કે ફણગાવેલાં કઠોળ સારા પ્રકારના પ્રોટીનનો સ્રોત છે. આ સિવાય ગુજરાતી ટ્રેડિશનલ વાનગીમાં ઢોકળાં, બેસન ચિલ્લા (પૂડલા), ખમણ, મૂઠિયાં, વગેરે હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે લઈ શકાય.
શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો ચા સાથે ન લેવો, કારણ કે ચા પોષક તત્ત્વોને શરીરમાં ભળતાં રોકે છે આથી સવારનો નાસ્તો દૂધ સાથે કરવો.
જે લોકો સવારે નાસ્તો નથી કરતા એમણે ચેતવાની જરૂર છે, કારણ કે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે સુગર લેવલ સૌથી વધારે ડાઉન હોય છે. આ સમયે મગજ, લીવર તથા હૃદયને ઑક્સિજન અને સુગરની સૌથી વધારે જરૂરત હોય છે. આ સમય દરમિયાન શરીરને સુગર રૂપી ઊર્જા ન મળે તો યાદશક્તિની બીમારી, સ્ટ્રેસ, તણાવ, બ્લડ પ્રેશર, કૉલેસ્ટરોલનું પ્રમાણ વધવું, પાચનશક્તિ નબળી પડવી, વગેરે તકલીફ થઈ શકે છે.
આ જ કારણે સૌથી વધારે મહત્ત્વનું અગર કોઈ ભોજન હોય તો એ છે સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ. સમયની અનુકૂળતા શોધીને પણ સવારનો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ. અમુક રિસર્ચ પ્રમાણે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા એમને અમુક બીમારી થવાની શક્યતા 30થી 40 ટકા વધી જાય છે. નવાઈ લાગે, પણ હકીકત એ છે કે વજન વધવા પાછળનું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર કોઈ છે તો એ છે સવારનો નાસ્તો ના કરવો એટલે તમને બ્રેકફાસ્ટ કરવાની આદત નથી તો એની શરૂઆત કરી દેવી જોઈએ. બ્રેકફાસ્ટ તરીકે તમે દૂધ સાથે ફક્ત ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અથવા તો થોડા ડ્રાય હેલ્ધી નાસ્તા સાથે સીઝનલ ફ્રૂટ ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
