એક મહિના પહેલાં દેશે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. તેની આસપાસ તમે ‘કર્મા’ નામની ફિલ્મ જરૂર જોઈ હશે. તેમાં ખલનાયકનું નામ ડૉ. ડેંગ હતું. તે ભારતનો દુશ્મન હતો અને ભારતનો વિનાશ કરવા માગતો હતો. એક આવો જ ખલનાયક છે. તે ભારતને જ નહીં, તેનું ચાલે તો સમગ્ર વિશ્વનો વિનાશ કરે. તેનું નામ ડેન્ગ્યુ છે.
ડેન્ગ્યુ. જી હા. આ રોગ અત્યારે ભારતના લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઠેરઠેર આ રોગના કિસ્સા જોવા મળી રહ્યાં છે. પૂણેમાં આ સપ્ટેમ્બરમાં, એક જ મહિનામાં ૨૦૦ લોકોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યાં છે. ડેન્ગ્યુ એવો રોગ છે જે દુશ્મનને પણ છોડતો નથી. એટલે પાકિસ્તાન પણ ડેન્ગ્યુગ્રસ્ત છે. વર્ષ ૨૦૧૦થી આ રોગે ત્યાં માથું ઉંચક્યું છે. ત્યાં માત્ર રાવલપિંડી વિભાગમાં જ ૧૪૯૯ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.
ફિલિપાઇન્સના ઇતિહાસમાં સૌથી વધુ માઝા આ રોગે મૂકી છે. વર્ષ ૨૦૧૨માં ૧,૮૭,૦૩૧ કેસો નોંધાયા હતા પરંતુ આ વર્ષે માત્ર જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીમાં ૨,૭૧,૪૮૦ કેસો નોંધાઈ ગયા છે. આ વર્ષે ૩૧ ઑગસ્ટ મુજબ, ૧,૧૦૭ લોકો આ રોગના કારણે મૃત્યુ પામી ચૂક્યાં છે. તેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ રોગચાળો ઘોષિત કરાયો છે.
સ્થિતિ એ છે કે મનિલાના ટૉન્ડો મેડિકલ સેન્ટરમાં પિડિયાટ્રિક વૉર્ડમાં માત્ર એક રૂમમાં ડેન્ગ્યુના ૨૧ દર્દીઓને મૂકવા પડ્યાં છે! એક પથારીમાં બેથી ત્રણ દર્દીઓ છે!
વર્ષ ૨૦૧૬માં ડેન્ગ્યુ રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં તો આવ્યો હતો પરંતુ રસીની સલામતી અને અસરકારકતા વિશે પ્રશ્નો ઉઠાવાતાં તેને અચાનક જ પડતો મૂકવામાં આવ્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) મુજબ, અગ્નિ (દક્ષિણ-પૂર્વ) એશિયામાં ડેન્ગ્યુની અસર સૌથી વધુ જો ક્યાંય હોય તો ફિલિપાઇન્સમાં છે. ‘હૂ’ મુજબ, ઑગસ્ટના અંત સુધીમાં વિયેતનામમાં ૧,૨૪,૭૫૧ કેસો નોંધાયા છે. મલેશિયામાં ૮૫,૨૭૦ અને સિંગાપોરમાં ૧૦,૨૦૬ કેસો નોંધાયા છે.
એક તાજા સંશોધન મુજબ, જે લોકોમાં લોહતત્વ (આયર્ન)ની ઉણપ હોય છે તેમને મચ્છરો દ્વારા લોહી ચૂસવામાં આવે તો ડેન્ગ્યુ વાઇરસ ભળવાની શક્યતા વધી જાય છે. આવું ૧૬ સપ્ટેમ્બરના ‘નેચર માઇક્રૉબાયૉલૉજી’ના અંકમાં જણાવાયું છે.
ડેન્ગ્યુ તાવ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા પ્રસરે છે. આ મચ્છર ફિલિપાઇન્સમાં બહુ જોવા મળે છે. વરસાદ અને તે પછીનો સમય એટલે જૂનથી ફેબ્રુઆરી સુધીમાં ડેન્ગ્યુ માટે વ્યસ્ત સમય હોય છે. ભરાઈ ગયેલી ગટર અને શેરીની નહેરમાં પાણી ભરાયેલું રહે તો મચ્છરને ઉછેર માટે મોકળું મેદાન મળી રહે છે.
આથી પાણી થોડાથોડા સમયે ખાલી કરતાં રહેવું જોઈએ. કૂવા હોય કે અન્ય પાણીનાં સંગ્રહસ્થાનો, તેના પાણીને સ્વચ્છ કરવું જોઈએ.
‘હૂ’ના ફિલિપાઇન્સના પ્રતિનિધિ રવીન્દ્ર અભયસિંઘે જણાવ્યું છે કે ડેન્ગ્યુ ફાટી નીકળવો હવે નવી વાત નથી રહી, પરંતુ ગરમી અને ચોમાસુ લાંબું ચાલવાથી ડેન્ગ્યુના કિસ્સાનું પ્રમાણ વધી ગયું છે. ડેન્ગ્યુ વાઇરસના પ્રકારમાં પણ બદલાવ થાય છે. ડેન્ગ્યુવાઇરસ ચાર પ્રકારના છે. તેમાંથી એશિયાઈ જીનો ટાઇપ ‘ડેન-૨’ અને ‘ડેન-૩’ ન્યુમોનિયા જેવા ગંભીર રોગો સાથે સંકળાયેલા છે. ફિલિપાઇન્સના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ફિલિપાઇન્સમાં ૬૪ ટકા ડેન્ગ્યુના કિસ્સા ડેન-૩ વાઇરસના લીધે થયાં છે.
આ ડેન્ગ્યુભાઈ ખતરનાક એટલા માટે છે કે તેની રસી તો છે, પરંતુ પહેલાં જેને ચેપ ન લાગ્યો હોય તેને આપવામાં આવે તો રોગ મટવાના બદલે વધી શકે છે!
ચીનના સિંગ્હુઆ યુનિવર્સિટીના પેન્ગ્હુઆવાંગ નામના ઇમ્યૂનૉલૉજિસ્ટે આ વિશે સંશોધન કર્યું તો જણાયું કે જેમના શરીરમાં વધુ લોહતત્વ હોય છે તેમને કરડવાથી મચ્છર ઓછા ચેપી થાય છે. તેમની ટીમે ઉંદર પર આ પ્રયોગ કરી જોયો અને પછી આ તારણ પર આવ્યાં છે.
આ સમજવા જેવું છે. મચ્છરમાં ડેન્ગ્યુ વાઇરસ તો હોય છે, પરંતુ તે લોહતત્વ વધુ હોય તેવા માણસને કરડે એટલે તેનામાં લોહતત્ત્વ આવે. હવે મચ્છરને પોતાની રોગપ્રતિકારક પ્રણાલિ હોય છે. (કેમ ન હોય?) મચ્છરના કોષો લોહતત્વને લોહીમાં ભેળવે છે. તેનો ઉપયોગ પ્રતિક્રિયાત્મક ઑક્સિજન કરવામાં વાપરે છે. આ ઑક્સિજન ડેન્ગ્યુ વાઇરસને મારી નાખે છે. અબ સમજે બબુઆ?
જે વિસ્તારોમાં ડેન્ગ્યુ રોગચાળો બની ગયો છે ત્યાંના લોકોમાં લોહતત્વની કમી સામાન્ય વાત છે. વાંગ મુજબ, એવી સંભાવના છે કે જો આવા લોકોને લોહતત્વના સપ્લીમેન્ટ આપવામાં આવશે તો ડેન્ગ્યુનું પ્રમાણ ઘટી શકે છે.
ડેન્ગ્યુને દબાવવા લોખંડી હાથ તો નહીં પરંતુ લોહતત્વ ચોક્કસ જરૂરી છે.