મકરસંક્રાંતિ પર તલની ચીકી અથવા તલના લાડુ ખવાશે. તલને શેકીને આ વાનગી બનાવાય છે. તેમાં ગોળ નખાય છે. મરાઠીમાં કહે છે તિલ ગુડ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા. એટલે કે તલ-ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. તલ-ગોળને લાડુની જેમ વાળીને તેમાં થોડું ઘી નાખવામાં આવે છે. જેથી તે બહુ ચીકણું ન બને. તીલનાં બીમાં ખૂબ જ પોષક તત્ત્વો રહેલાં છે.લગભગ ૨૮ ગ્રામ જેટલાં તલનાં બીમાં ૧૬૦ કેલેરી અને ૧૩.૬ ગ્રામ ચરબી રહેલી છે. તેમાંથી ૧૧ ગ્રામ હૃદય માટે તંદુરસ્ત અનસેચ્યુરેટેડ ચરબી રહેલી છે જે તમારું કૉલેસ્ટેરૉલનું સ્તર નીચું કરે છે. પરિણામે હૃદય રોગનું જોખમ ઘટે છે. તલનાં બીમાં ખાંડ નથી હોતી પરંતુ ગોળ નખાય છે. આમ તેમાં ૧/૪ કપ પીરસો તો તેમાં ૩૬.૬ ગ્રામ સર્કરા રહેલી હોય છે. તે ૯ ચમચી ખાંડ કરતાં થોડી વધુ થાય છે. વધુ ખાંડ ખાવ તો હૃદય રોગ, મેદસ્વિતા અને ટાઇપ ૨ ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. વધુ પડતી ખાંડથી દાંતને પણ હાનિ પહોંચે છે.
આ ઉપરાંત તલનાં બીમાં પચી શકે તેવા ફાઇબરનો સારો સ્રોત રહેલો છે. ૨૮ ગ્રામ તલમાં ચાર ગ્રામ ફાઇબર હોય છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે તમારે તમારા રોજિંદા ખોરાકમાં ૨૫ ગ્રામ ફાઇબર લેવું જોઈએ, પરંતુ તલના લાડુમાંથી તમને ૧૬ ટકા રોજિંદુ ફાઇબર મળી રહે છે. ફાઇબરથી તમારું પેટ સ્વસ્થ રહે છે અને મળત્યાગ આરામથી થાય છે. જેથી તમને કબજિયાત થવાની શક્યતા ઓછી રહે છે. તમાર રોજિંદા ભોજનમાં ઓછામાં ઓછું ૨૫ ગ્રામ ફાઇબર ઉમેરવાથી તમારું કૉલેસ્ટેરૉલ પણ નીચું રહે છે અને તમારા લોહીની સર્કરાના સ્તર (બ્લડ સ્યુગર)ને પણ નિયંત્રિત રાખે છે. ગોળ અને ઘીથી લાડુમાં કોઈ વધારાનું ફાઇબર ઉમેરાતું નથી.
તલના લાડુ ખાવાથી તેમાં સૌથી મહત્ત્વની કોઈ ચીજ મળતી હોય તો તે છે આયર્ન. ૨૮ ગ્રામ તલમાં ૪.૧૮ મિલી ગ્રામ આયર્ન રહેલું હોય છે. નિષ્ણાતો કહે છે કે તમારે રોજ ૧૮ મિલીગ્રામ આયર્ન લેવું જોઈએ. આમ તલના લાડુમાંથી તમને એક ચતુર્થાંશ આયર્ન તો મળી રહે છે. એક ચતુર્થાંશ ગોળ ઉમેરવાથી ૧.૮ મિલીગ્રામ આયર્ન વધુ ઉમેરાય છે. આયર્નથી રક્તકણોનું ઉત્પાદન વધે છે અને તેના લીધે તમારા શરીરમાં ખૂબ જ ઑક્સિજનનો પ્રસાર થાય છે. ૨૮ ગ્રામ તલનાં બીમાં ૨ મિલીગ્રામ ઝિંક પણ રહેલું હોય છે. તમારે રોજ ૮ મિલીગ્રામ ઝિંક લેવું જોઈએ. આમ, તલના લાડુમાંથી તમને ૨૫ ટકા ઝિંક મળી રહે છે. ઝિંક ઘા રૂઝાવા માટે અને સામાન્ય પ્રજનન માટે જરૂરી છે. તલનાં બીમાંથી તમને ૧.૩ મિલીગ્રામ નિયાકિન પણ મળી રહે છે જે તમારે લેવા જોઈતા રોજિંદા ૧૪ મિલીગ્રામના ૯ ટકા છે. નિયાકિનથી તમારી ત્વચા અને ચેતાઓ તંદુરસ્ત રહે છે. ઘીથી વિટામીન એ પણ મળે છે.
તમારા હાથે તમે તલ અને ગોળનું મિશ્રણ કરી લાડુ બનાવો તે સારી વાત છે. બહારથી કોઈ ચીજ લાવવી તે આજકાલ તંદુરસ્ત નથી હોતી, કારણકે તેમાં ઘણી ભેળસેળ રહેલી હોય છે. આમ, જાતે બનાવવી જ હિતાવહ છે. પરંતુ તમે જાતે બનાવો તો તેમાં તમારા હાથમાં ચીકાશ થઈ જવા સંભવ છે. આથી જરૂરી છે કે તમે તમારી હથેળીમાં થોડું ઘી ઘસી લો. ઘીથી લાડુમાં ચરબી ઉમેરાય છે, પરંતુ તે નગણ્ય માત્રા હોય છે. તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી. શિયાળામાં તલના લાડુ ખાવા હિતાવહ છે કેમ કે તેનાથી ગરમી પણ મળે છે. ઘણાને ગળ્યું ખાવાનો શોખ હોય છે ત્યારે એવું ગળ્યું ખાવું જોઈએ જે શરીર માટે લાભદાયી હોય. તો પતંગ ચગાવો અને સાથે ઝાપટો તલના લાડુ. હેપ્પી મકરસંક્રાંતિ.