ગરમી જોરદાર પડવા લાગી છે. કાળઝાળ ગરમીમાં બહારથી આવીને કે ઘરમાં રહીને પણ નાના છોકરાથી માંડીને મોટા લોકોને ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પીવાની ટેવ હોય છે. નાના છોકરાઓને તો બોટલ સીધી મોઢે માંડવાની ટેવ હોય છે. આરોગ્યની રીતે આ સારી ટેવ નથી. માતાપિતાએ આ ટેવ દૂર કરવી જોઈએ. ગ્લાસમાં કાઢીને શાંતિથી ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. પરંતુ પહેલો પ્રશ્ન તો એ જ છે કે શું ફ્રિજમાં ઠંડું કરેલું પાણી પીવું આરોગ્ય માટે સારું છે ખરું?ઉનાળામાં ઠંડું પાણી પીઓ તો જ તરસ છિપાય તેવું પહેલી દૃષ્ટિએ લાગે છે પરંતુ આ વાત સાચી છે ખરી? કારણકે એક માન્યતા એવી પણ છે કે ઠંડું પાણી પીવાથી તરસ છિપાતી નથી પરંતુ વારંવાર તરસ લાગ્યા રાખે છે. જ્યારે માટલામાં કુદરતી રીતે ઠંડું થયેલું પાણી પીવાથી અદ્ભુત આનંદ, સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ થાય છે, વારંવાર તરસ લાગતી નથી.
ફ્રિજમાં ઠંડું કરેલું પાણી પીવાના ગેરલાભ ઘણા છે. તે તમારે જરૂર જાણવા જોઈએ.
પહેલું તો ફ્રિજનું પાણી તમારા આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે અને તેનું એક મોટું કારણ એ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધુ ઓછા તાપમાન પર હોય છે જે નુકસાનદાયક છે. બીજું કે ફ્રિજનું એકદમ ઠંડું પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાય જાય છે જેનાથી તે પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આના કારણે સવારે પેટ સાફ થતું નથી અને મળ પેટમાં જ રહીને સડી જાય છે. આથી કબજિયાત અને તેના કારણે થતા રોગો ઉદ્ભવે છે.
આમ, આ કૃત્રિમ રીતે ઠંડું પાણી પીવાથી લાંબા સમયની કબજિયાત થઈ શકે છે, તેનાથી તમારું પૂરા તંત્રમાં ગરબડ થઈ જાય છે અને અનેક બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી અને ઘર કરી જાય છે. આયુર્વેદમાં કબજિયાતને અનેક બીમારીઓનું મૂળ કહેવાયું છે.
ખૂબ જ ઠંડું પાણી પીવાથી શરીરના કોષો પણ સંકોચાઈ જાય છે. તે બરાબર કામ કરી શકતા નથી. તેની અસર તમારી પાચનશક્તિ અને આરોગ્ય પર સીધી જ પડે છે. તે તમારા ધબકારાને પણ ઓછા કરી શકે છે.
ફ્રિજનું ઠંડું પાણી પીવાથી ગળું ખરાબ થવાની સંભાવના ખૂબ જ હોય છે. રોજ જો તમે આ ટેવ ચાલુ રાખશો તો કાકડા, ફેફસા અને પાચનતંત્રના રોગો થવાની શક્યતા છે. ઉપરાંત શરદી પણ ઘર કરી જાય છે.
ઠંડું પાણી પીવાથી ધમનીઓ સંકોચાઈ જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અપચો થાય છે એટલે કે પાચન બરાબર થતું નથી. પરિણામે બેચેની સર્જાય છે.
ઠંડું પાણી પીવાથી તમારા શરીરમાંથી જે પરસેવો બહાર નીકળવો જોઈએ તે નીકળતો નથી. શરીર ખોરાકને પચાવી તેમાંથી પોષક તત્ત્વો ગ્રહણ કરી તેમાંથી ઊર્જા બનાવતું હોય છે. લોહી બનાવતું હોય છે. પરંતુ જ્યારે તમે ઠંડું પાણી પીઓ છો ત્યારે તમારું શરીર પહેલાં તો તમારા શરીરનું તાપમાન ઘટાડવામાં તેની ઊર્જા ખર્ચી નાખે છે, પરિણામે તમારા શરીરને ઊર્જામાં એટલી ઘટ પડે છે.
આમ તો કોઈ પણ ઋતુમાં ક્યારેય પણ જમવાના અડધો કલાક પહેલાં અને અડધો કલાક પછી પાણી પીવું જ ન જોઈએ અને ઠંડું પાણી તો ખાસ કારણકે જ્યારે તમે ભોજન પછી ઠંડું પાણી પીઓ છો ત્યારે તેનાથી તમારા શરીરમાં વધારાનો કફ પેદા થાય છે. તેના કારણે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. પરિણામે, તમને શરદી થઈ શકે છે. તમને ઉનાળામાં પણ ઠંડી લાગી શકે છે અને બીજી બીમારીઓ પણ તમને ઘેરી શકે છે.
જો તમે ઠંડાં પીણાં પીતા હો અને વચ્ચે વચ્ચે કંઈ પણ ખાતા હો કે ઠંડું પાણી પીધા પછી કંઈ ખાવ તો પાણીનું શીતળ તાપમાન તમે જે ચીજ ખાધી તેમાંથી ચરબીને ઘન સ્વરૂપમાં ફેરવી નાખે છે અને આ પ્રકારની ઘન ચરબીને પચાવવી શરીર માટે ખૂબ જ કઠિન હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ઠંડું પાણી પીવાથી કેલેરી બળે છે અને વજન ઘટે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ વાત સાથે સંમત નથી. વજન ઘટાડવાના અન્ય રસ્તાઓ છે જ. આ રીતે વજન ઘટાડવાથી બીમારીઓ થઈ શકે છે.