નવી દિલ્હી: આજની વ્યસ્ત જિંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. માણસ સમાજમાં સારો દેખાવા અને વધુ પૈસા કમાવવાની લાલચમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. પૈસાથી કોઈ પણ રોગનો ઈલાજ શક્ય છે, પણ તમે બિમાર ન પડો એ માત્ર તમારી સારી આદતોથી જ શક્ય છે. આ સારી આદતો તમારા શરીરને સ્વસ્થ રાખશે, મગજને વધુ સક્રિય બનાવશે અને તમારું હ્રદય લાંબા સમય સુધી મજબૂતીથી તમારો સાથ નિભાવશે. આજકાલ ડિપ્રેશન, ચિંતા, તણાવ જેવી સમસ્યાઓ છે, જેનાથી દરેક વ્યક્તિ પીડિત છે.
કોઈ પણ વ્યક્તિનું બિમારી રહેવાનું સૌથી મોટું કારણ તેમની પોતાની આદતો હોય છે. હા ખરેખર, આ હકીકત છે કે તમારી આદતો જ છે, જેના પર તમારું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. દૈનિકક્રિયા સાથે જોડાયેલા કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. આવો જાણીએ એવી કેટલીક આદતો અંગે જેની મદદથી તમે ફિટ પણ રહી શકશો અને તમારું દિલ પણ ખુશ રહેશે.
એક ગ્લાસ હુફાળું પાણી: શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવા માટે તમારે દિવસની શરુઆત હુફાળા પાણી સાથે કરવી જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે, જેની મદદથી શરીરમાં આખો દિવસ તાજગી અનુભવાય છે.
જોગિંગ, કસરત તેમજ યોગ: રનિંગ-જોગિંગ, કસરત અને યોગ સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે, પણ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો આ એક્ટીવીટીને ઓછું મહત્વ આપવા લાગ્યા છે. જેથી બિમાર લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દરરોજ કસરત કે રનિંગ કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે અને શરીર ફિટ રહે છે.
દરરોજ ચાલવાનું રાખો: એવું જરૂરી નથી કે તમે સવારે ચાલશો તો જ તમને ફાયદો મળશે. વોકિંગ એક એવી કસરત છે જેને તમે દિવસ દરમ્યાન ગમે ત્યારે કરી શકો છો. જો તમારી ઓફિસ ઘરની નજીક હોય તો તમે દરરોજ ચાલીને ઓફિસ જવાનું રાખો. લિફ્ટની જગ્યાએ દાદરાનો ઉપયોગ કરો. ઘરમાં પણ હરતા ફરતા રહો માત્ર આરામ જ ન કરો.
ભોજનનો સમય ફિક્સ રાખો: આજના સમયમાં લોકોને ખાવાનો કોઈ એક સમય નથી રહ્યો. મોટાભાગના લોકો ખોટા સમયે જમતા હોય છે જેના કારણે જે જલ્દી બિમાર પડતા હોય છે. ભોજન લેવા માટે તમે એક સમય નક્કી કરી લો અને દરરોજ તેનું પાલન કરો. જેમ કે, સવારનો નાસ્તો 8થી9 વાગ્યાની વચ્ચે, બપોરે લંચ 7 વાગ્યા સુધીમાં તેમજ સાંજનું ડિનર 7:30 સુધીમાં કરી લેવું જોઈએ.
7થી8 કલાકની ઊંઘ: ઘણા રિસર્ચમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે, જે લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તે અનેક બિમારીઓનો શિકાર બને છે. સારી અને પૂરતી નીંદર સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. જે લોકો રાતના 10 વાગ્યે ઊંઘી જાય છે અને સવારે 6 વાગ્યે ઊંઘી જાય છે તેમના શરીરમાં આખો દિવસ સ્ફુર્તી રહે છે.
આઉટડોર ગેમ્સને સમય આપો: આજના સમયમાં તમે બાળકોને મોલમાં ઉપલબ્ધ ગેમિંગ ઝોનમાં લઈ જાઓ છો, જ્યાં તેમનું મનોરંજન તો થઈ જાય છે પણ શારીરિક તેમજ માનસિક વિકાસ નથી થઈ શકતો. ચિંતાજનક બાબત તો એ છે કે, મોટાલોકો પણ વીડિયો ગેમ, લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે પર ઈનડોર ગેમ્સ વધુ રમવા લાગ્યા છે. આ બધી વસ્તુઓથી શક્ય એટલા દૂર રહો અને તમારા બાળકોની સાથે તમે પણ દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ સુધી સક્રીય આઉટડોર એક્ટિવિટીઝમાં વ્યસ્ત રહો.
પૂરતું પાણી પીઓ: પાણી માત્ર તરસને જ નથી છીપાવતું પણ પાણી અનેક બિમારીઓ સામે રક્ષણ પણ આપે છે. જે લોકો દરરોજ દિવસમાં ઓછામાં ઓછું બેથી અઢી લિટર પાણી પીવે છે તે ઓછા બિમાર પડે છે. આ લોકોને પેટ સંબંધિત સમસ્યા ઓછી થાય છે, તેમની ત્વચા ચમકદાર રહે છે અને ચહેરા પર ખીલની સમસ્યા પણ નથી થતી. એટલા માટે સ્વસ્થ રહેવા માટે દરરોજ 3 લિટર પાણી જરૂર પીઓ. અમુક લોકોને વધુમાત્રામાં પાણી પીવાથી પાચનની ફરિયાદ રહે છે તેમણે ડોકટરની સલાહ લેવી જોઈએ.
પોતાના માટે થોડો સમય કાઢો: આધુનિક જિંદગીમાં લોકો જવાબદારીઓને પગલે પોતાને સમય નથી આપી શકતા. જેના કારણે તણાવ અને ચિંતા જેવી બિમારીઓ જન્મ લે છે. દરરોજ અડધો કલાક એકલા વિતાવવાથી વ્યક્તિને પોતાને સમજવાની તક મળે છે. એટલું જ નહીં લોકો એકલા હોય તો વસ્તુંઓ અંગે વિચારી શકે છે, જેના કારણે પાછળથી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. એટલા માટે જરુરી છે કે, લેપટોપ અને મોબાઈલ ફોનને સ્વીચ ઓફ કરી દો અને થોડો સમય પોતાના માટે કાઢો.
પરિવાર સાથે સમય વિતાવો: દિવસમાં એક કલાક પરિવારને આપવો કેટલી મોટી વાત છે તમને ખબર છે? માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે તમે આટલું તો કરી જ શકો છો. જ્યારે તમે પરિવાર સાથે સમય વિતાવો છો તો તમે તેની સાથે તમારા દિલની વાત શેર કરી શકો છો અને તેની વાત પણ સમજી શકો છો. આ એક નાનકડા પ્રયત્નથી ન માત્ર તમારા ઘરમાં ખુશી વધશે પણ પરિવારના કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યા પણ નહીં રહે. એટલા માટે દરરોજ એક કલાક તમારા પરિવાર સાથે વિતાવો. સપ્તાહમાં એક દિવસ પારિવાર સાથે આઉટડોર એક્ટિવિટીઝ માટે નક્કી કરો.
શરીરના પોશ્ચરને યોગ્ય રાખો: ઓફિસનું કામ હોય કે ઘરનું, હંમેશા યાદ રાખો કે શરીરના પોશ્ચરને સીધું રાખવા માટે સીધું બેસવું ઉઠવું ખૂબ જ જરૂરી છે. પોશ્ચરને સીધુ ન રાખવાને કારણે પીઠ દર્દ, ખંભાનો દુખાવો, ડોકનો દુખાવો, કમર દર્દ વગેરે સમસ્યા થાય છે.
સોડાનું સેવન બંધ કરો: સોડા ન માત્ર તમારા દાંત સડવે છે, પણ તેમાં મોટાપ્રમાણમાં રહેલું રિફાઈન્ડ સુગર,કેલરીના પ્રમાણને વઘારીને મોટાપો વધારવાનું કામ કરે છે. જો તમે કેલરી ઘટાડવાની લાલચમાં ડાયેટ સોડા લેવાનું પસંદ કરો છો તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, એ તમારી કિડનીની કાર્યક્ષમતાને મંદ પાડી દે છે.
સ્વભાવ બદલો: હંમેશા હસ્તો ચહેરો રાખો અને ખેલકૂદમાં ભાગ લો. શરીર કે ઘરની સાફસફાઈમાં રુચિ રાખો. સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરો, સાઈકલ ચલાવો, જમ્યા પહેલા હાથ ધોવા, દારુના સેવનથી દૂર રહો, સૂતા પહેલા દાંતની સફાઈ કરશો તો સ્વસ્થ જીવનની સાથે મજબૂત હ્રદય પણ બનાવી શકશો. એકવાર આવું કરી જૂઓ વિશ્વાસ રાખો તમારું દિલ તમને દુઆ આપશે.
ધૂમ્રપાન ન કરે: ધૂમ્રપાન અકાળે થતાં મૃત્યુ પાછળનું મુખ્ય કારણ છે. જે લોકો દરરોજ ધૂમ્રપાન કરે છે તે અનેક બિમારીઓથી પરેશાન રહે છે. આના ઝેરી ધૂમાડાથી ન માત્ર ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પણ તેની આસપાસના લોકો પણ પ્રભાવિત થાય છે. સિગરેટમાં રહેલ ઝેરી તત્વોને કારણે તવ્ચામાં કરચલીઓ પડવા લાગે છે અને માણસ સમય પહેલાજ વૃદ્ધ દેખાવા લાગે છે.
ગ્રીન ટી કે બ્લેક કોફી: ગ્રીન ટીમાં રહેલ એન્ટીઓક્સીડેન્સટ્સ તમારા શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે. ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે માથાના દુખાવાથી પણ છૂટકારો અપાવે છે. બ્લેક કોફી પણ લઈ શકો છો, તેમાં કેલરી ન બરાબર હોય છે જ્યારે કેલ્શિયમ અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે.
લીલા શાકભાજી-ફળોનું સેવન: ફળ અને શાકભાજીનું સેવન કરવાથી એક તરફ જ્યાં કેન્સરથી રક્ષણ મળે છે તો બીજી તરફ હ્રદય સંબંધિત બિમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ પેટને પણ સાફ અને સ્વસ્થ રાખે છે. આ સાથે જ અનેક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, લીલા શાકભાજી અને ફળનું સેવન કરતા લોકો વધુ ખુશ રહે છે.