ઈન્દોર: ડોમેસ્ટિકમાં ગુજરાત ટીમનો ઓપનર અને વિકેટકીપર ઉર્વિલ પટેલ T-20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટર બની ગયો છે. તેણે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ઉર્વિલ પહેલાં આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો. જેણે 2018માં આ જ ટુર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા, જેમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વિલે ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.