ગુજરાત અને કેન્દ્રમાં ભાજપના અધ્યક્ષ પદે નવા નેતૃત્વની તૈયારી!

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે સંગઠનના પ્રમુખ પદે બદલાવનો સમય આવ્યો છે. સીઆર પાટીલની ટર્મ પૂર્ણ થતાં નવી નિમણુંકની પ્રક્રિયા શરૂ થઈ છે, જ્યારે કેન્દ્રીય સ્તરે પણ જેપી નડ્ડાની ટર્મ પૂરી થઈ હોવાથી પાર્ટી આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ માટે તૈયારીઓમાં વ્યસ્ત છે. દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં રવિવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠન ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ.

ગુજરાત સહિત તમામ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણુંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. એક વાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો પાર્ટી આગામી રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પ્રારંભમાં કરશે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પૂર્ણ કરવી જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક માટે ખાસ માર્ગદર્શિકા ઘડવામાં આવી છે. નવા નિયમો અનુસાર જિલ્લા અને શહેર પ્રમુખ પદ માટે 45થી 60 વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે. ઉપરાંત ઉમેદવાર પાસે સંગઠનમાં 7થી 8 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. સતત બે ટર્મ સુધી પ્રમુખ પદ પર રહેલા વ્યક્તિને ત્રીજી તક આપવામાં નહીં આવે, અને તેઓના સ્થાને સંગઠનના અન્ય કાર્યકરોને આ જવાબદારી સોંપવામાં આવશે. મંડલ પ્રમુખ પદ માટે 35થી 45 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પણ વિશિષ્ટ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. પક્ષના બંધારણની કલમ 19 મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ઈલેક્ટોરલ કોલેજની રચના કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યો શામેલ હોય છે. પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે તે વ્યક્તિએ પાર્ટીનું 15 વર્ષનું પ્રાથમિક સભ્યત્વ ધરાવવું જોઈએ. ઈલેક્ટોરલ કોલેજના કુલ 20 સભ્યોએ ઉમેદવારના નામનો પ્રસ્તાવ રાખવો પડે છે, અને તે પ્રસ્તાવ ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાંથી આવવો આવશ્યક છે.