ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યના આઠ લાખથી વધુ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ મોસમમાં વરસાદને લીધે ખેડૂતોના કૃષિ પાકને થયેલા નુકસાનમાં સહાયરૂપ થવા આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખરીફ મોસમમાં કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકારને છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓનાં રપ00થી વધુ ગામોમાં પાક નુકસાની વિશેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે મળ્યા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજૂઆતો બાદ રૂ. ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં આઠ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે.
તેમણે કહ્યું હતું કે સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઇન અરજી માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે.
ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં એ માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ કૃષિ મંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું.